દૂધીની બરફી

માતાજીના નોરતાં ચાલી રહ્યાં છે. તો, ઘરે જ બનાવી લો માતાજીને ધરાવવા માટે દૂધીની બરફીનો પ્રસાદ! આ બરફી વ્રત-ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો.

 

સામગ્રીઃ 

  • 1 કિલો તાજી કૂણી દૂધી
  • 1 લિટર મલાઈવાળું દૂધ
  • 1 કપ સાકર
  • 1½ ટે.સ્પૂન દેશી ઘી
  • 2 ટે.સ્પૂન તેમજ બદામ-પિસ્તાની કતરણ

માવો બનાવવા માટેઃ

  • 1 કપ મિલ્ક પાવડર
  • 1 કપ દૂધ
  • 1 ટી.સ્પૂન દેશી ઘી
  • ½ ચમચી એલચી પાવડર

માવો બનાવવાની રીતઃ ગેસ ઉપર એક નોન-સ્ટીક પેનમાં 1 ટી.સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકો. ત્યારબાદ એમાં દૂધનો પાવડર તેમજ દૂધ મિક્સ કરી ગરમ કરવા મૂકો અને તવેથા વડે હલાવતાં રહો. ગેસની આંચ તેજ રાખો. મિશ્રણ ઘટ્ટ થવા આવે એટલે એમાં એલચી પાવડર નાખી હલાવો. હવે ગેસ બંધ કરીને તૈયાર થયેલો માવો નીચે ઉતારી લો.

બરફી બનાવવાની રીતઃ દૂધીને છોલીને ધોઈ લો. દૂધીને બે ટુકડામાં કટ કરી લો અને ખમણી લો. દૂધીમાં બિયાં હોય તો એટલો ભાગ કાઢીને દૂધી ખમણી લેવી.

એક જાડાં તળિયાવાળી કઢાઈમાં 1 લિટર દૂધ ગરમ કરવા મૂકો. દૂધ ઉકળવા માંડે એટલે ખમણેલી દૂધી એમાં ઉમેરી દો અને એક લાંબા ઝારા વડે હલાવતાં રહો. ગેસની આંચ તેજ રાખવી. વચ્ચે વચ્ચે દૂધીના મિશ્રણને હલાવતાં રહેવું. મિશ્રણ થોડું સૂકું થવા આવે એટલે એમાં 1 કપ સાકર ઉમેરીને હલાવતાં રહો. સાકર નાખ્યા બાદ એમાં ફરીથી પાણી છૂટશે.

મિશ્રણ ફરીથી થોડું સૂકું થાય એટલે એમાં માવો મિક્સ કરી દો. ગેસની આંચ મધ્યમ કરીને હલાવતાં રહો. મિશ્રણ ઘટ્ટ થાય એટલે તવેથામાં લઈને એક ડિશમાં પાડી જુઓ. જો પડતાં વાર લાગે એવું ઘટ્ટ થાય તો ગેસની આંચ ધીમી કરીને 1 ટે.સ્પૂન ઘી ઉમેરો અને એકસરખું હલાવો. ગેસ બંધ કર્યા બાદ બીજી 2-3 મિનિટ સુધી હલાવો.

એક થાળીમાં ઘી ચોપડીને દૂધીનું મિશ્રણ રેડી દો. તવેથા વડે એકસરખું ફેલાવો. બરફીની જાડાઈ લગભગ અડધો ઈંચ જેટલી રાખવી. હવે એની ઉપર સૂકા મેવાની કતરણ પાથરી દો અને બરફી જમાવવા માટે મૂકો. ઈન્સ્ટન્ટ બરફી જમાવવી હોય તો થાળીને 1 કલાક માટે રેફ્રીજરેટરમાં મૂકી દો.

બરફી જામી જાય એટલે ચપ્પૂ વડે એના ચોસલાં પાડીને એક ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકી દો. આ બરફી એક અઠવાડિયા સુધી સારી રહે છે.