યશજીના ખાસ માણસ બની રમેશ તલવારે ‘દૂસરા આદમી’ મેળવી

નિર્દેશક રમેશ તલવારે જ્યારે પહેલી વખત નિર્દેશક યશ ચોપડાના સહાયક તરીકે કામ શરૂ કર્યું ત્યારે એમણે મહત્વ આપ્યું ન હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે યશજીએ પોતાના બેનરમાં રમેશને લીધા એટલું જ નહીં પાછળથી નિર્દેશક તરીકે પણ પહેલી તક આપી હતી. રમેશને કોલેજના સમયથી જ અભિનયનો શોખ હતો અને નાટકોમાં કામ કરતાં હતા. એક વખત ‘ઇપ્ટા’ નું નાટક ‘શતરંજ કે મોહરે’ કરી રહ્યા હતા ત્યારે એને જોવા માટે બી.આર. ચોપડા અને યશ ચોપડા આવ્યા હતા. કેમકે એમાં મનમોહન કૃષ્ણ અને અચલા સચદેવ ભૂમિકા કરી રહ્યા હતા.

રમેશ એમાં એક યુવાનની ભૂમિકા નિભાવી રહ્યો હતો. બી.આર. ચોપડાએ એની સાથે મુલાકાત કરી અને પોતાના બેનરની ફિલ્મોમાં સહાયક તરીકે કામ કરવા આવવા કહ્યું. થોડા દિવસ પછી રમેશ નાટકમાંથી સમય કાઢી મનમોહનને લઈ બી.આર. ચોપડાને મળવા ગયા. એમણે કહ્યું કે હમણાં કોઈ ફિલ્મ બની રહી નથી પણ શરૂ થાય ત્યારે આવી જજે. જ્યારે એમની રાજેશ ખન્ના સાથેની ‘ઇત્તફાક’ (૧૯૬૯) ની જાહેરાત થઈ ત્યારે રમેશ ફરી મનમોહનને લઈ મળવા ગયા અને બી.આર. ને યાદ આવ્યું કે એમણે વચન આપ્યું હતું. એમણે યશ ચોપડાને બોલાવીને કહ્યું કે આ ફિલ્મમાં રમેશને સહાયક નિર્દેશક તરીકે રાખી લો.

યશજીએ કહ્યું કે અગાઉથી જ ચાર સહાયક છે. ત્યારે રમેશે કહ્યું કે હું પાંચમા તરીકે આવી જઈશ. પિતાએ કહ્યું હોવાથી યશજી ના પાડી શક્યા નહીં. પરિસ્થિતિ પણ એવી હતી કે નાના સેટ પર બધાને રાખવાનું મુશ્કેલ હતું. રમેશ તલવારે ફિલ્મનું શુટિંગ શરૂ થાય એ પહેલાં એ જે નાટક ‘ધુમ્મસ’ પર આધારિત હતી એને જોઈ આવ્યા હતા અને ફિલ્મની સ્ક્રિપ્ટનો પણ અભ્યાસ કરી લીધો હતો. એક દિવસ કોઈ દ્રશ્ય બાબતે નિર્ણય આવી રહ્યો ન હતો ત્યારે રમેશે ચર્ચા દરમ્યાન ઊભા થઈને પોતાનો અભિપ્રાય આપ્યો. પણ એમની વાતને ગણકારવામાં આવી નહીં. લાંબી ચર્ચા પછી કોઈ નિર્ણય ના આવ્યો ત્યારે રમેશનો જ અભિપ્રાય સ્વીકારી સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવામાં આવ્યો.

યશજી પહેલાં રમેશને પસંદ કરતાં ન હતા પણ આવું બે-ત્રણ વખત બન્યું અને રમેશનો અભિપ્રાય કામ લાગ્યો એટલે એને પસંદ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં એમની પાસે કેટલાક શોટ્સનું ફિલ્માંકન કરાવવા લાગ્યા હતા. ‘ઇત્તફાક’ નું શુટિંગ એક જ માસમાં પૂરું થઈ ગયું અને રમેશ બીજી જગ્યાએ કામ કરવા લાગ્યા. દરમ્યાનમાં યશ ચોપડાએ પોતાના નામના અલગ બેનરની સ્થાપના કરીને ફિલ્મ ‘દાગ’ (૧૯૭૩) શરૂ કરી ત્યારે રમેશ જ પહેલા યાદ આવ્યા. કેમકે એમના કામથી પ્રભાવિત થયા હતા. યશજીએ પોતાના અગાઉના બે સહાયકોને પ્રોડકશનનું બીજું કામ સોંપી રમેશને પોતાના મુખ્ય સહાયક બનાવ્યા. રમેશ પણ બધું કામ કરવા લાગ્યા અને એમની સાથે ઘડાઈ ગયા. એમની સાથે જોશીલા, દીવાર, કભી કભી, ત્રિશૂલ વગેરેમાં સહાયક નિર્દેશક રહ્યા.

યશજીએ રમેશને ફિલ્મ ‘દૂસરા આદમી’ (૧૯૭૭) થી નિર્દેશક તરીકે તક આપી હતી. કેમકે રમેશને ‘કભી કભી’થી ઋષિ કપૂર સાથે સારી મિત્રતા થઈ ગઈ હતી. ઋષિએ જ પોતાના મિત્ર રાજુ સાયગલની વાર્તા પરથી ફિલ્મ ‘દૂસરા આદમી’ બનાવવાનું કહ્યું હતું. ફિલ્મમાં શશી કપૂરને એક નાની ભૂમિકા માટે કહ્યું ત્યારે પહેલાં એમ કહીને ના પાડી હતી કે તે મહેમાન ભૂમિકા કરશે નહીં. પણ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી તૈયાર થઈ ગયા હતા. ફિલ્મને પસંદ કરવામાં આવી હતી. રમેશ તલવારે એ પછી શશી, રાખી અને રેખા સાથે ‘બસેરા’ (૧૯૮૧) કરીને નિર્દેશક તરીકે વધુ પ્રસિધ્ધિ મેળવી હતી અને શ્રેષ્ઠ નિર્દેશક તરીકે ફિલ્મફેરમાં નામાંકન મેળવ્યું હતું.