ઉદીત નારાયણે ‘કયામત…’ સુધી સંઘર્ષ કર્યો

પાર્શ્વગાયક તરીકે સફળ શરૂઆત કરવામાં ઉદીત નારાયણને દસ વર્ષ લાગી ગયા હતા. વર્ષોના સંઘર્ષ પછી એણે મુંબઇ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો ત્યારે જ કારકિર્દીમાં સફળતાનો ઉદય થયો હતો. ઉદીતને ગાવાનો શોખ હતો અને હોટલમાં ગાવાનું કામ કરતો હતો. એ ભારત- નેપાળની સીમા પર એમ્બેસી માટેના કાર્યક્રમમાં પણ નિયમિત ગાતો હતો. ઉદીતે એમ્બેસીના અધિકારીઓને વિનંતી કરીને સંગીત માટેની સ્કોલરશીપ મેળવી ૧૯૭૮ માં ગાયક બનવા મુંબઇ આવવામાં પહેલી સફળતા મેળવી લીધી હતી.

મુંબઇ આવ્યા પછી નેપાળના એક મિત્ર મુરલીધરની મદદથી ભારતીય વિદ્યાભવનમાં પંડિત દિનકરજી પાસે શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું. દિવસ દરમ્યાન ઉદિત વિવિધ સ્ટુડિયોના ચક્કર મારતો હતો અને સાંજે સંગીત શીખવા જતો હતો. ઘણા સંગીતકારો સાથે એને પરિચય થઈ ગયો હતો. એમાં સંગીતકાર રાજેશ રોશને બે વર્ષ પછી મોહમ્મદ રફીની સાથે એક ગીતમાં બીજા પુરુષ સ્વરની જરૂર હતી ત્યારે બોલાવ્યો. ઉદીતે રફીસાહેબ સાથે એક જ માઇક પર એક જ ટેકમાં ગીત ગાયું હતું. એ પછી નેપાળી ફિલ્મ ‘સિંદુર’ માં ગાયું. ૧૯૮૧ માં રાજેશે ‘સન્નાટા’ માં અલકા યાજ્ઞિક સાથે ફરી એક ગીત ગવડાવ્યું. આર. ડી. બર્મને ‘ગેહરા જખ્મ’ માં તક આપી. ૧૯૮૩ માં ઘણા ગીતો ગાયા. રામ-લક્ષ્મણે ‘સુન મેરી લૈલા’ માં ટાઇટલ ગીત ગવડાવ્યું. બપ્પી લહેરીએ ‘કેહ દો પ્યાર હૈ’ ના એક ગીતમાં કિશોરકુમાર અને સુરેશ વાડેકર સાથે ઉદીતને ગવડાવ્યું.

ઉદીતને ફિલ્મો અને ગીત મળતા રહ્યા પણ સફળતા મળતી ન હતી. સંગીતકાર ચિત્રગુપ્તે ભોજપુરી ફિલ્મોમાં ગાવાની તક આપી એ પણ ઝડપી લીધી. ચિત્રગુપ્તને હિન્દી ફિલ્મો મળતી ન હતી એટલે એમના પુત્રો આનંદ- મિલિન્દને ભલામણ કરી હિન્દી ફિલ્મોમાં તક આપવા કહ્યું. નિર્દેશક પંકજ પરાશરે ફિલ્મ ‘અબ આયેગા મજા’ (૧૯૮૪) માં આનંદ- મિલિન્દને સંગીતકાર તરીકે પહેલી તક આપી ત્યારે ‘૪૪૦ વોલ્ટ કી લડકી’ ગીતમાં ઉદીતને તક આપી. હિન્દી ફિલ્મોમાં ગાયક તરીકે સંઘર્ષ ચાલુ હતો ત્યારે ૧૯૮૫ માં મિત્રોના આગ્રહથી નેપાળી ફિલ્મ ‘કુસુમે રૂમાલ’ માં અભિનય અને ગાયન બંને કર્યું. ફરી ૧૯૮૬ માં આનંદ- મિલિન્દે ‘તન-બદન’ માં સોલો ગીત ‘મેરી નઇ બંસી કી ધૂન’ (કૃષ્ણ કૃષ્ણ) ગવડાવ્યું. એ પછી આનંદ- મિલિન્દે એક વિડીયો ફિલ્મમાં બંને ગીત ઉદીત નારાયણ પાસે ગવડાવ્યા હતા. એને સાંભળીને નિર્દેશક મંસૂર ખાન પ્રભાવિત થયા હતા અને કહ્યું હતું કે એમના પરિવારના આમિર ખાન સાથે એક ફિલ્મ બનાવવાનું તે વિચારી રહ્યા છે. એમાં તારો અવાજ જોઈશે. તું ક્યાંય જતો નહીં.

અસલમાં ઉદીત લગભગ દસ વર્ષથી સંઘર્ષ કરતો હતો અને સફળતા મળી ન હોવાથી ઘરે પાછો જતો રહેવાનો હતો. મંસૂરે ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (૧૯૮૮) ના ગાયક તરીકે ઉદીતની પસંદગી કરી હતી. રાજ કપૂરે ફિલ્મના મુર્હુત માટે ક્લેપ આપ્યો ત્યારે ત્યાં અંદરોઅંદર એવી ચર્ચા થતી હતી કે બધા જ નવા છે. આમિર કદમાં નીચો છે અને હીરોઈન જુહીની પહેલી ફિલ્મ ‘સલ્તનત’ ફ્લોપ રહી હતી. તેથી આ ફિલ્મ ચાલશે નહીં એવી શંકા વ્યક્ત થઈ હોવાનું ઉદીતે એક મુલાકાતમાં કહ્યું છે. ફિલ્મ ખરેખર પહેલા અઠવાડિયે ચાલી ન હતી. ત્યારે ઉદીત ફરી પોતાના દેશ જતા રહેવાનું વિચારતો હતો. પણ રજૂઆતના બીજા સપ્તાહમાં ફિલ્મ એવી ઉપડી કે એના ‘પાપા કેહતે હૈ બડા નામ કરેગા’ વગેરે બધા જ ગીતોએ પણ ધૂમ મચાવી દીધી હતી અને ઉદીતનું ગાયક તરીકે મોટું નામ થઈ જતાં સંઘર્ષ પૂરો થયો હતો.