‘જો જીતા વો હી સિકંદર’ માં હીરોઈન બદલાઈ અને આયશાને મળી  

આયશા ઝુલ્કા કુર્બાન’ (1991) માટે સ્ક્રિન ટેસ્ટ આપવા ગઈ અને ત્યાં જે દ્રશ્ય જોયું એ એને નવાઈ પમાડવા સાથે ચિંતામાં મૂકી ગયું હતું. કેમકે એને કલ્પના ન હતી કે કુર્બાન’ માટે બીજી છોકરીઓ પણ સ્ક્રિન ટેસ્ટ આપવા આવી હશે. એને એમ હતું કે એકલીને જ બોલાવી છે. એક પછી એક છોકરીઓને બોલાવવામાં આવી રહી હતી અને એનો નંબર લાગી રહ્યો ન હતો. અડધો કલાક થઈ ગયો પણ બોલાવવામાં આવી નહીં ત્યારે એણે નક્કી કર્યું કે અંદર સલમાન તો હશે. કંઇ નહીં તો એને મળીને જશે.

એકાદ કલાક પછી બોલાવવામાં આવી. આયશા અંદર ગઈ ત્યારે નિર્દેશક દીપક બાહરી અને એમના સહાયકો હતા. એક સહાયકે પૂછ્યું કે તું શું કરી શકે છે? એણે સામો સવાલ કર્યો કે મારે શું કરવાનું છે? ત્યારે એને કહેવામાં આવ્યું કે સંવાદ બોલવાનું વગેરે કરવાનું છે. આયશાએ કહ્યું કે એ કથ્થક ડાન્સ જાણે છે. સહાયકે કહ્યું કે કથ્થક કરવાનું નથી. આયશાએ કોઈ ડાન્સ કરવાનો આગ્રહ રાખ્યો. પછી કહ્યું કે સંવાદ બોલી નથી પણ પ્રયત્ન કરશે. આયશા બહુ ગંભીર ન હતી. ફિલ્મ ના મળે તો પણ એને કોઈ ફરક પડવાનો ન હતો. એમણે કહ્યું અને આયશાએ આવડે એવો ડાન્સ કર્યો. એ જોઈ કેટલાક હાજર લોકો હસ્યા. પછી આયશાને બહાર બેસવા કહ્યું. એણે સંવાદ બોલવાની તૈયારી બતાવી પણ ના પાડવામાં આવી.

માતાએ પૂછ્યું ત્યારે આયશાએ કહ્યું કે એમણે સંવાદ બોલવા આપ્યા નહીં એટલે કશું થવાનું નથી. પછી બીજી છોકરીઓનો સ્ક્રિન ટેસ્ટ થયો અને છેલ્લે આયશાને કહેવામાં આવ્યું કે એ કુર્બાન’ માટે પસંદ થઈ ગઈ છે ત્યારે સાચું ના લાગ્યું. બીજી ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ (1992) આવી જ રીતે સરળતાથી મળી ગઈ હતી. તે કુર્બાન’ કરી રહી હતી ત્યારે સેટ પર માહિતી મળી કે એમાં ઘણા પાત્રોના કલાકારો બદલાઈ રહ્યા છે. જ્યારે કુર્બાન’ ના નિર્માતાને ખબર પડી કે અગાઉ કોઈ હીરોઈને શુટિંગ કર્યું હતું પણ હવે ફેરફાર થઈ રહ્યો છે અને આમિર સામે કોઈ નવી છોકરી શોધવામાં આવી રહી છે. ત્યારે એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે આયશાને આ ફિલ્મ મળવી જોઈએ. વાત આગળ વધી અને નિર્માતા નાસીર હુસેન તરફથી આયશાને સંદેશો આવ્યો.

આયશા મળવા ગઈ ત્યારે નાસીરે સારો આવકાર આપ્યો અને થોડી વાત કર્યા પછી ઇન્ટરકોમ પર નિર્દેશક મંસૂર ખાનને ફોન કરીને કહ્યું કે હું તારી મુલાકાત કોઇની સાથે કરાવવા માંગુ છું. આવીને મળી લે. મંસૂર આવ્યા અને સહેજ વાત કરી બે મિનિટમાં જતાં રહ્યા. આયશાને થયું કે તે એમની ફિલ્મ માટે પસંદ આવી નહીં હોય. થોડી વારમાં મંસૂરનો ફોન આવ્યો કે એ ફિલ્મ માટે યોગ્ય રહેશે પણ નાસીરે પહેલાં આયશાની ‘કુર્બાન’ ના દ્રશ્યો જોવાની ઈચ્છા વ્યક્ત કરી. આયશાએ ફિલ્મનું એક ગીત જ કર્યું હતું. નાસીરને એના કેટલાક અંશ બતાવવામાં આવ્યા અને એમણે જાહેર કરી દીધું કે ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ માટે એ પસંદ થઈ ગઈ છે. આયશા ડી. રામાનાયડૂની ‘પ્રેમ કેદી’ (1991) માટે પણ પસંદ થઈ ગઈ હતી. જ્યારે એને ખબર પડી કે ફિલ્મમાં બિકીની પહેરવાની છે ત્યારે એણે ના પાડી દીધી હતી. તે અંગપ્રદર્શન થાય એવા કપડાં પહેરવા માગતી ન હોવાથી ફિલ્મ છોડી દીધી હતી.