વાત ‘તેજાબ’ ના કલાકારોની પસંદગીની

નિર્દેશક એન. ચંદ્રાએ જ્યારે ફિલ્મ ‘તેજાબ’ (૧૯૮૮) ની વાર્તા તૈયાર કરાવી ત્યારે એમાં ‘મુન્ના’ તરીકે અનિલ કપૂરને લેવાનું નક્કી કરી બોની કપૂરને વાત કરી હતી. ત્યારે બોનીએ સ્પષ્ટ કહી દીધું હતું કે અનિલ પાસે અત્યારે ૮-૧૦ ફિલ્મો છે અને બધાના શૂટિંગ પ્રગતિ પર હોવાથી બે વર્ષ સુધી એ કોઈ નવી ફિલ્મ કરી શકે એમ નથી. એન. ચંદ્રાએ સમજાવ્યું કે બે વર્ષમાં તો આ વાર્તા જાણીને બીજા કોઈ ફિલ્મ બનાવી નાખશે. બોની તૈયાર ન હતા ત્યારે અનિલ કપૂરે વાર્તા સાંભળીને જીદ કરી કે એ કોઈપણ સંજોગોમાં આ ફિલ્મ કરવા માગે છે.

આખરે બોનીએ રસ્તો કાઢ્યો અને શરત કરી કે અનિલ પાસે અત્યારે જે ફિલ્મો છે એના શૂટિંગ રદ થાય એ તારીખોમાં જ એન. ચંદ્રા ‘તેજાબ’ નું શૂટિંગ કરી શકશે. તારીખો મળવામાં જોખમ હતું અને બીજી મોટી સમસ્યા એ હતી કે કોઈપણ ફિલ્મનું શૂટિંગ બે-ત્રણ દિવસ પહેલાં રદ થતું હોવાથી બહુ ઝડપથી એન. ચંદ્રાએ અનિલ સાથે પોતાનું શૂટિંગ કરવા ઓછા સમયમાં તૈયારી કરવાની થતી હતી. છતાં શરત સ્વીકારી લીધી. હવે બાકીના કલાકારોની પસંદગી એવી રીતે કરવાની હતી કે એ પણ ટૂંકી નોટિસમાં શૂટિંગ પર હાજર થઈ જાય. મુખ્ય પ્રશ્ન હીરોઇનનો હતો. એન. ચંદ્રાએ ‘મોહિની’ ના પાત્ર માટે હીરોઈન તરીકે માધુરી દીક્ષિતને લેવાનું નક્કી કર્યું એની પાછળ મુખ્ય કારણ એ હતું કે અનિલ અને માધુરીના સેક્રેટરી એક જ હતા.

રિક્કુ રાકેશનાથ બંનેની ડાયરી સંભાળતા હોવાથી તારીખો ગોઠવી શકે એમ હતા. જ્યારે ‘બબન’ ના પાત્રની પસંદગી કરી રહ્યા હતા ત્યારે એન. ચંદ્રાએ સૌથી પહેલાં ચંકી પાંડેને પૂછ્યું હતું. કેમકે એ એમની સાથે કામ કરવા ઘણા સમયથી ઉત્સુક હતો. અસલમાં જ્યારે ‘પ્રતિઘાત’ (૧૯૮૭) ના પાત્રોની પસંદગી થઈ રહી હતી ત્યારે એક પાત્ર માટે ચંકીનું ઓડિશન લીધું હતું. એણે તો હા પાડી દીધી હતી પણ એન. ચંદ્રાએ સલાહ આપી હતી કે તારી ‘આગ હી આગ’ (૧૯૮૭) જેવી હીરો તરીકેની ફિલ્મ રજૂ થઈ હોવાથી સાઈડ રોલમાં કામ કરવાનું કારકિર્દી માટે અત્યારે યોગ્ય રહેશે નહીં. આમ કરવાથી સાઈડ હીરોનો થપ્પો લાગી જશે. ચંકી માની ગયો હતો અને ‘તેજાબ’ ની ઓફર કરી ત્યારે એણે ઝડપી લીધી હતી.

જોની લીવર ત્યારે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે કામ કરતો હતો. એને પહેલી વખત મહત્વની હાસ્ય ભૂમિકામાં ચમકાવ્યો હતો. એ જ રીતે અનુ કપૂરને પણ અબ્બાસ અલી (ગુલદસ્તા) ની યાદગાર ભૂમિકા આપી હતી. અનુએ સ્વીકાર્યું છે કે એને ‘ગુલદસ્તા’ તરીકે લાંબા સમય સુધી યાદ કરવામાં આવતા રહ્યા હતા. ફિલ્મમાં એક ભૂમિકા માટે પહેલાં નાના પાટેકરની પસંદગી પણ થઈ હોવાની વાત છે. ફિલ્મના મહુરતમાં પણ નાનાનું નામ હતું અને થોડું શૂટિંગ કર્યું હતું. પરંતુ પાછળથી રહસ્યમય રીતે નાના નીકળી ગયા હતા.