હિન્દી ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ કરીને જાણીતા થયેલા રાજેન્દ્રનાથને નિર્માતા બનવાની ભૂલ ભારે પડી હતી અને રડવાના દિવસો આવ્યા હતા. મધ્યપ્રદેશમાં જન્મેલા રાજેન્દ્રનાથ બાર ભાઈઓમાં એક હતા. અને અભિનયમાં આવનાર પ્રેમનાથ પછી બીજા હતા. પિતા કરતારનાથ પોલીસમાં ઉચ્ચ અધિકારીના પદ પર હતા. તેઓ રીવાથી જબલપુર ગયા પછી ભાઈ પ્રેમનાથે મુંબઈ ફિલ્મી દુનિયામાં જવાનું મન બનાવ્યું ત્યારે પિતાએ વિરોધ કર્યો. એમની ઈચ્છા ન હોવા છતાં એ મુંબઇ ગયા અને પૃથ્વી થિયેટરમાં કામ મેળવ્યું. રાજ કપૂરની બહેન સાથે લગ્ન પણ કર્યા. એટલું જ નહીં ૧૯૫૦ ના દાયકામાં ફિલ્મોમાં હીરો તરીકે ચમક્યા.
રાજેન્દ્રનાથ સ્કૂલના વેકેશન વખતે મુંબઈ ભાઈને ત્યાં ફરવા આવતા હતા ત્યારે એમને પણ અભિનયનો કીડો કરડી ગયો. સ્કૂલનો અભ્યાસ પૂરો થયો એટલે પ્રેમનાથે મુંબઈ બોલાવી લીધા. એ પણ આવીને પૃથ્વીરાજ કપૂરના ‘પૃથ્વી થિયેટર’ માં જોડાઈ ગયા અને લગભગ દસ વર્ષ સુધી અનેક નાટકોમાં કામ કર્યું. દરમ્યાનમાં ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી. ભાઈ પ્રેમનાથનો સાથ હતો અને એમને ત્યાં રહેવાની, ખાવાની વ્યવસ્થા હતી એટલે બેફિકર થઈને રહેતા હતા. તે કારકિર્દી પ્રત્યે જરા પણ ગંભીર ન હતા એટલે પ્રેમનાથે નારાજ થઈ ગુસ્સામાં પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા અને અલગ મકાન લઈ આપ્યું.
એ પછી એમણે પ્રાથમિક જીવન જરૂરિયાતો માટે સંઘર્ષ કરવાના દિવસો આવ્યા. ત્યારે પ્રેમનાથે કામ આપવાનું ચાલુ રાખ્યું હતું. એમણે પોતાના બેનર ‘પી. એન. ફિલ્મ્સ’ ની ‘શગૂફા’ (૧૯૫૩) માં કામ આપ્યું. એ પછી ‘ગોલકુંડા કા કૈદી’ (૧૯૫૪) નું નિર્માણ કર્યું એમાં પોતાની સાથે સહઅભિનેતા રાખ્યા. પણ બંને ફિલ્મો નિષ્ફળ રહી હતી. રાજેન્દ્રનાથે હાસ્ય ભૂમિકા પહેલાં ‘હમ સબ ચોર હૈ’ (૧૯૫૬) માં મેળવી અને છેક ‘શરારત’ (૧૯૫૯) થી એ ઇમેજ મજબૂત થઈ. પણ ‘દિલ દેકે દેખો’ (૧૯૫૯) ની સફળતાએ સ્ટાર હાસ્ય અભિનેતા બનાવી દીધા. અને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’ (૧૯૬૧) માં ‘પોપટલાલ’ બન્યા પછી તો પાછું વળીને જોવાની જરૂર ના રહી.
લગભગ એક દાયકા સુધી એમણે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું. તે એકમાત્ર એવા હાસ્ય અભિનેતા રહ્યા જેમણે હાસ્ય અભિનેતા મહેમૂદના યુગમાં પણ પોતાનું સ્થાન બનાવી રાખ્યું. ૧૯૬૯ માં એક કાર અકસ્માતમાં એ ગંભીર રીતે ઘાયલ થયા અને એ કારણે કારકિર્દીને ખરાબ અસર થઈ. ૧૯૭૪ માં એમણે નિર્માતા બનવાનો નિર્ણય કર્યો અને રણધીર કપૂર- નીતૂ સિંહ સાથે ‘ધ ગ્રેટ ક્રેશર’ નું શૂટિંગ શરૂ કર્યું. નિર્માણનો અનુભવ ન હોવાથી વધારે ખર્ચ થતાં થોડા દિવસોમાં ફિલ્મ બંધ કરવાની નોબત આવી. એ દેવા નીચે એવા દબાઈ ગયા કે વિતરકોની ઉઘરાણીને કારણે રાતા પાણીએ રડવાનો વખત આવ્યો. એમણે એક- એક પૈસો વસૂલ કર્યો. આ સમયમાં જે મળી અને જેવી મળી એ ફિલ્મો કરી લીધી હતી અને દેવામાંથી મુક્ત થઈ ગયા હતા.