અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ફરાર’ (1975) માં બાળ કલાકાર રાજુ શ્રેષ્ઠ એ સમયમાં મોટો કલાકાર હતો. શુટિંગમાં અમિતાભે એની રાહ જોવી પડતી હતી. ‘ફરાર’ કામ કરનાર રાજુ શ્રેષ્ઠાએ ૨૦૨૫ માં એના 50 વર્ષ પૂરા થતાં ફિલ્મ સાથે સંકળાયેલી એના અંત સહિતની કેટલીક રસપ્રદ વાતોને એક મુલાકાતમાં યાદ કરી છે. રાજુ 1970 ના દાયકામાં સૌથી વ્યસ્ત બાળ કલાકાર હતો. એની એકસાથે ત્રણ- ચાર ફિલ્મોનું શુટિંગ ચાલતું હતું. ‘ફરાર’ માં અમિતાભ દ્વારા રાજુનું અપહરણ કરી એક રૂમમાં બંધ કરી દેવામાં આવે છે. ત્યાં બંનેના એકસાથે ઘણા દ્રશ્યો હતા.
એમાંથી ઘણા દ્રશ્યો અલગ- અલગ ફિલ્માવવામાં આવ્યા હતા. કેમકે રાજુની પાસે સમય ઓછો રહેતો હતો. એ આવીને પોતાના ભાગનું શુટિંગ કરી જતો રહેતો હતો અને અમિતાભ અલગથી આવીને પોતાના ભાગના દ્રશ્યોનું શુટિંગ કરીને જતા રહેતા હતા. જ્યારે બંનેના સાથે દ્રશ્યો હોય ત્યારે પહેલાં એનું શુટિંગ કરીને રાજુને જવા દેવામાં આવતો હતો અને પછી અમિતાભના દ્રશ્યોનું શુટિંગ થતું હતું. રાજુએ એ પણ યાદ કર્યું કે ફિલ્મમાં સંજીવકુમાર હતા અને એ સેટ પર બહુ મોડા આવતા હતા.
ઘણી વખત એવું થતું હતું કે અમિતાભ સવારથી સાંજ સુધી સેટ પર રહેતા હતા અને રાજુ કે સંજીવકુમાર એમના સમય પર આવીને શુટિંગ કરીને નીકળી જતાં હતા. રાજુને આજે એ બાબતે શરમ આવી રહી છે કે અમિતાભને એના કારણે રાહ જોવી પડતી હતી. પરંતુ એ એટલા દયાળુ હતા કે માસ્ટર રાજુનું શુટિંગ પહેલું થવા દેતા હતા. રાજુએ અગાઉ અમિતાભ સાથે ‘અભિમાન’ માં કામ કર્યું હતું. ‘ફરાર’ માં અમિતાભ, સંજીવકુમાર, શર્મિલા ટાગોર વગેરે જાણીતા કલાકારો હોવા છતાં ફિલ્મ ચાલી ન હતી એની પાછળ અનેક કારણ હોવાનું રાજુનું માનવું છે. પહેલું મુખ્ય કારણ એ હતું કે નિર્દેશક શંકરના ઝોનરની આ ફિલ્મ ન હતી. એમણે અગાઉ દેવ આનંદની ‘બનારસી બાબૂ’ (1973) વગેરે એક્શન અને મસાલા ફિલ્મો બનાવી હતી. જ્યારે ‘ફરાર’ માં સંવેદનશીલ મુદ્દો હતો. ફિલ્મ પ્રત્યે એમને શંકા હતી એટલે એ એવું કહેતા રહેતા હતા કે હવે પછી ફરી દેવઆનંદ સાથે ફિલ્મ બનાવશે.
બીજું મોટું કારણ એ હતું કે ‘શોલે’ અને ‘દીવાર’ પછી રજૂ થઈ હતી. એ બંનેની રજૂઆત પછી અમિતાભની ઇમેજ એક અલગ સ્તર પર પહોંચી ગઈ હતી. અને એની જ ચર્ચા હતી. કદાચ ‘ફરાર’ માં લોકો અમિતાભને પોલીસથી ડરેલા અને ભાગતા માણસની ભૂમિકામાં જોવા માગતા ન હતા. તે ન્યાય માટે બિચારા માણસની ભૂમિકામાં હતા. મુખ્ય હીરો પણ ન હતા. ‘ફરાર’ ને પસંદ કરવામાં આવી ન હતી એનું અન્ય એક કારણ એની વાર્તા રાજેશ ખન્નાની ‘ઇત્તફાક’ જેવી હતી. વાર્તા ગુલઝાર અને બીજા ત્રણ લેખકોએ સાથે મળીને લખી હતી પણ નિર્દેશક શંકર મુખર્જી ફિલ્મના અંત બાબતે સ્પષ્ટ ન હતા. તે મૂંઝવણમાં હતા એટલે બે પ્રકારના અંતનું શુટિંગ કર્યું હતું. એક અંતમાં એવું હતું કે અમિતાભને ગોળી વાગે છે પણ હૉસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને એ બચી જાય છે. બીજા અંતમાં અમિતાભને પોલીસની ગોળી લાગે છે અને ત્યાં જ મૃત્યુ થાય છે. નિર્દેશકે ફિલ્મમાં બીજો અંત રાખ્યો હતો.
