‘જબ વી મેટ’ના ‘યે ઈશ્ક હાયે’ ગીતનો અંદાજ શ્રેયાએ બદલ્યો

ફિલ્મ ‘જબ વી મેટ’ (૨૦૦૭) નું ગીત ‘યે ઈશ્ક હાયે’ અનેક ગાયિકાઓએ ગાયા પછી શ્રેયા ઘોષાલના સ્વરમાં અલગ રીતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ ગીત ગાવામાં એકદમ ઠંડું અને ધીમું હતું. સંગીતકાર પ્રીતમના સંગીત સ્ટુડિયોના સંચાલક નિર્મલ પાંડેએ આ ગીત પાછળની રસપ્રદ કહાની કહી છે. પ્રીતમ ગીતોનું સંગીત તૈયાર થયા પછી ઘણી વખત ગાયકો સાથે રેકોર્ડિંગનું કામ નિર્મલને સોંપી દેતા હતા અને પછી પોતે સાંભળીને જરૂર પડે તો સુધારા વધારા કરાવી એને રાખતા હતા. ‘જબ વી મેટ’ નું ‘યે ઈશ્ક હાયે’ ગીત ઈર્શાદ કામિલે લખીને આપ્યા બાદ નિર્મલે એક પછી એક લગભગ દસ ગાયિકા પાસે ગવડાવ્યું હતું.

એવું ન હતું કે કોઈએ સારું ગાયું ન હતું પણ એ ગીતમાં ગાયનની જે અસર ઊભી થવી જોઈએ એ થતી ન હતી. છેલ્લે શ્રેયા ઘોષાલને બોલાવવામાં આવી ત્યારે નિર્મલને થયું કે લય અને ગતિ બદલવા જોઈએ. અત્યાર સુધી શરૂઆતના શબ્દો ‘હાં હૈ કોઈ તો વજહ’ ધીમેથી શરૂ થતાં હતા. બીજી પંક્તિ ‘પૂછો ના પૂછો’ શબ્દો પણ ધીમેથી આવતા હતા. એને બદલે નિર્મલે શ્રેયાને અગાઉ જે ગાયિકાઓએ ગાયું હતું એ સંભળાવ્યું નહીં અને શબ્દો એક ઝાટકા સાથે ગાવાનું કહ્યું. નિર્મલે ગીતના શબ્દોમાં ઝડપ વધારી એક અલગ સ્ટાઇલમાં ગવડાવ્યું. શ્રેયાએ પણ એને નશીલી રીતે ગાયું. રેકોર્ડિંગ થયા પછી નિર્મલે પ્રીતમને જાણ કરી. એમણે બે-ત્રણ વખત ફોનમાં પૂછ્યું કે શ્રેયાએ સરસ ગાયું છે ને? નિર્મલે હા પાડી.

એ પછી પ્રીતમ રૂબરૂ એ ગીત સાંભળવા આવ્યા. ઘણી વખત એ નિર્મલને ફોન પર જ રેકોર્ડિંગ સંભળાવવા કહેતા હતા અને એક-બે લીટીમાં સુધારો કરવાનો હોય તો એ કહી દેતા હતા. ‘યે ઈશ્ક હાયે’ ગીત મુશ્કેલ હતું અને શ્રેયાએ રેકોર્ડ કર્યા પછી એને રૂબરૂ સાંભળવા માગતા હતા. એમણે શ્રેયાને પણ હાજર રાખવા કહ્યું હતું. પ્રીતમ સ્ટુડિયોમાં આવ્યા ત્યારે યુફોરિયા બેન્ડ ચલાવતા મિત્ર પલાશ સેનને સાથે લેતા આવ્યા હતા. નિર્મલને મનમાં એક ડર હતો કે ગીતનો અંદાજ અને અદાયગી બદલી હોવાથી એમને ઝાટકો લાગશે. એ સારો હશે કે ખરાબ એ કલ્પી શકાય એમ ન હતું. જ્યારે ગીત વગાડવામાં આવ્યું ત્યારે પ્રીતમ ચમકી ગયા. કેમકે એમણે જે રીતે શીખવ્યું હતું એનાથી તદ્દન અલગ અને એક ઝડપી ટેમ્પો સાથે ગાવામાં આવ્યું હતું.

ગીત પૂરું થયા પછી નિર્મલે પલાશને પૂછ્યું ત્યારે એણે ગીત બહુ પસંદ આવ્યું હોવાનું અને શ્રેયાએ બહુ સરસ રીતે ગાયું હોવાનું કહ્યું. પલાશે શ્રેયાને કહ્યું કે આ તેં ગાયું છે એવું લાગતું જ નથી. આવી રીતે પહેલાં ગાયું નથી. પ્રીતમે પહેલી વખતમાં કોઈ પ્રતિભાવ ના આપ્યો અને બીજી વખત સાંભળ્યું પછી લાગ્યું કે ખરેખર સરસ બન્યું છે. પ્રીતમે શ્રેયાના વખાણ કરતાં કહ્યું કે આ ગીત આવું પણ બની શકે એ મેં વિચાર્યું જ ન હતું. ગીત રજૂ થતાની સાથે જ સુપરહિટ રહ્યું એટલું જ નહીં એના માટે શ્રેયાને શ્રેષ્ઠ પાર્શ્વ ગાયિકાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.