લેકે પેહલા પેહલા પ્યાર, મેરે પિયા ગયે રંગૂન, એક દો તીન આજા મોસમ હૈ રંગીન, કભી આર કભી પાર, ઓ ગાડીવાલે… જેવા ગીતોથી જાણીતા રહેલા ગાયિકા શમશાદ બેગમ એક રૂઢિવાદી મુસ્લિમ પરિવારમાંથી આવતા હતા. શમશાદ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે એના અવાજને ઓળખીને આચાર્યએ પ્રાર્થના માટે મુખ્ય ગાયિકા તરીકે નિમણૂક કરી હતી.
શમશાદના કાકાએ ચોરી છૂપી એક સંગીત કંપનીમાં તેનું ઓડિશન કરાવ્યું હતું. તેણે ગાયેલી ગઝલ સંગીતકાર ગુલામ હૈદરને પસંદ આવી અને તેની સાથે સંગીત કંપનીએ કરાર કર્યો હતો. તેના પિતા આ કામના વિરોધી હતા. એમના ભાઇએ સમજાવ્યા પછી પિતાએ કેટલીક શરતો સાથે ગાવાની પરવાનગી આપી હતી. એ મુજબ શમશાદે મોં પર પડદો રાખીને જ ગાવાનું રહેશે અને કોઇ અખબારમાં તસવીર છપાવવાની નહીં. શમશાદે ઓલ ઇન્ડિયા રેડિયો પર ગાવાનું શરૂ કર્યા પછી લોકપ્રિયતા મળી હતી. નિર્માતા દલસુખ પંચોલીએ જ્યારે એની સાથે મુલાકાત કરી ત્યારે એમની ફિલ્મમાં અભિનય માટે કહ્યું. શમશાદ તૈયાર થઇ ગયા પણ પિતા ગુસ્સે થતાં અભિનયનો વિચાર પડતો મૂક્યો અને ગાવાનું જ ચાલુ રાખ્યું.
શમશાદ સંગીતકાર ઓ.પી. નૈયરના સંગીતમાં ગીતો ગાવા લાગ્યા ત્યારે બુરખો પહેરીને જ ગાતા હતા. એ વખતે જીવંત રેકોર્ડિંગ થતું હતું અને ઘણા બધા પુરુષો ઉપસ્થિત રહેતા હોવાથી તે મોં ઢાંકીને જ ગાતા હતા. તે પિતાની શરતનું પાલન કરી રહ્યા હતા. બીજા સંગીતકારોને પણ તેમની આ શરતની ખબર હતી. પણ નૈયરે એમને બુરખો ઉતારીને ગાવા માટે કહ્યું. નૈયરનું કહેવું હતું કે બુરખો ઉતારીને ગાવાથી અવાજનો રણકો વધુ સારો આવે એમ હતો. શમશાદ બુરખો ઉતારવા માટે તૈયાર ના થયા. નૈયરે ઘણી ચર્ચા કરી પણ તે ના માન્યા. આખરે નૈયરે કહ્યું કે તેઓ એક જ ગીત પહેલાં બુરખો પહેર્યા વગર અને પછી બુરખા સાથે રેકોર્ડ કરશે. એ બંને સાંભળ્યા પછી ખ્યાલ આવશે કે તેમની વાતમાં દમ છે.
શમશાદે કદાચ પ્રયોગ ખાતર એમ કર્યું. જ્યારે શમશાદને બંને રેકોર્ડીંગ સંભળાવવામાં આવ્યા ત્યારે અવાજનો ફરક સમજાયો. એમણે વારંવાર ધ્યાનથી રેકોર્ડીંગ સાંભળ્યા. એમને બુરખા વગરનો અવાજ વધુ સારો લાગ્યો. અને ત્યાર પછી શમશાદે બુરખા વગર ગાવાનું શરૂ કરી દીધું. ત્યારે મજાકમાં એવી વાત ફેલાઇ હતી કે ઓ.પી. નૈયરે શમશાદ બેગમનો બુરખો ઉતારી દીધો. ઓ.પી. નૈયરના સંગીતમાં શમશાદ બેગમે સીઆઇડી, આરપાર, મેહબૂબા, નયા અંદાઝ, નયાદૌર વગેરે ફિલ્મોમાં ૩૫ જેટલા ગીતો ગાયા હતા. શમશાદનું નૈયરના સંગીતમાં છેલ્લું યાદગાર ગીત ‘કિસ્મત'(૧૯૬૮) નું આશા ભોંસલે સાથેનું ‘કજરા મોહબ્બતવાલા’ ગણાય છે. શમશાદ બેગમને ૨૦૦૯ માં ઓ.પી. નૈયર એવોર્ડથી નવાઝવામાં આવ્યા હતા.