જયા ભાદુરીના અભિનયને કારણે શબાના ફિલ્મમાં આવી

શબાના આઝમીએ જયા ભાદુરીનો ફિલ્મોમાં આવતા પહેલાંનો અભિનય જોઈ આ ક્ષેત્રમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો હતો. ફિલ્મોમાં શરૂઆત કરતાં પહેલા અભિનયમાં તક મેળવવાના શબાનાના બે પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. શબાના કિશોર વયની હતી ત્યારે નિર્દેશક કે. એ. અબ્બાસ બાળકોની ફિલ્મ ‘હમારા ઘર’ (1964) બનાવી રહ્યા હતા. એમાં મુખ્ય ભૂમિકા માટે એક છોકરીની જરૂર હોવાની ખબર પડતાં શબાના ગઈ હતી પણ એમણે એમ કહી ના પાડી દીધી હતી કે તું પાત્ર માટે ઉંમરમાં મોટી છે. પરંતુ વાયદો કર્યો કે ભવિષ્યમાં એને તક આપશે. એ પછી શબાનાએ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

કોલેજમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે ખબર પડી કે અંગ્રેજી થિયેટર ગૃપ છે પરંતુ હિન્દીનું નથી. ત્યાં સિનિયર વિદ્યાર્થી ફારૂખ શેખ સાથે મળીને શબાનાએ હિન્દી નાટ્ય મંચની શરૂઆત કરી અને નાટકો ભજવવા લાગ્યા. જ્યારે પણ આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા યોજાતી ત્યારે બધા જ એવોર્ડ એમના નાટકને મળતા હતા. એમના માટે સૌથી મોટી વાત એ હતી કે દરેકને ઈનામમાં રૂ.50 મળતા હતા. એ કારણે જ જ્યારે અમેરિકન કાસ્ટિંગ ડાયરેક્ટર કોલેજમાં વિદ્યાર્થીઓને ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ માટે લેવા આવ્યા ત્યારે શબાનાએ એમાં કામ કરવાનું નક્કી કર્યું. કેમકે એક દિવસ કામ કરવાના રૂ.100 મળવાના હતા.

ફિલ્મમાં એક સૌંદર્ય સ્પર્ધા બતાવવામાં આવનાર હતી. એમાં ભાગ લેતી વિદ્યાર્થીનીઓના દ્રશ્ય હતા. શબાના એની સખી સાથે એમાં ભાગ લેવા ગઈ અને પહેલા જ રાઉન્ડમાં બ્યુટી ક્વીન તરીકે ચાલી શકે એમ ન હોવાથી એમને કાઢી મૂકવામાં આવ્યા. તેથી તે દુ:ખી થઈ હતી. શબાના ત્યારે માત્ર પૈસા મળે એ માટે જ કામ કરવા માગતી હતી. શબાનાએ કારકિર્દી તરીકે ફિલ્મોમાં કામ કરવાનો ક્યારેય વિચાર કર્યો ન હતો. કેમકે માતા થિયેટરમાં અભિનય કરતાં હતા અને શબાના માટે પણ એવો જ આગ્રહ હતો.

બન્યું એવું કે ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટીટ્યૂટ દ્વારા એક વખત ડિપ્લોમા કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલી ફિલ્મોનો એક ફેસ્ટીવલ યોજાયો હતો એમાં ફિલ્મો જોવા શબાનાને એમના એક ઓળખીતા ભાઈ લઈ ગયા હતા. ત્યાં શબાનાએ જયા ભાદુરીની શોર્ટ ફિલ્મ ‘સુમન’ જોઈ. એમાં જયાનો વાસ્તવિક અભિનય જોઈ શબાનાને થયું કે ફિલ્મોમાં જવું જોઈએ અને એમણે અભિનયની તાલીમ માટે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ લેવાનો નિર્ણય કરી પિતા કૈફી આઝમીને કહ્યું કે તે અભિનયમાં જવાનું ગંભીરતાથી વિચારી રહી છે. એમણે કહ્યું કે તારે જે ક્ષેત્રમાં જવું હોય એના માટે સહકાર આપીશ. શરત માત્ર એટલી જ છે કે એમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવાનો. શબાનાએ એ શરત પૂરી પણ કરી બતાવી હતી. શબાનાએ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવ્યો અને એને બહુ જલદી સ્કોલરશીપ મળી ગઈ હતી. એ પછી અભિનયમાં શ્રેષ્ઠ વિદ્યાર્થિનીનો સુવર્ણ ચંદ્રક મળ્યો હતો. એટલું જ નહીં કોર્સ પૂરો થાય એ પહેલાં જ બે ફિલ્મો મળી ગઈ. તેથી શબાનાએ સંઘર્ષ કરવાની જરૂર પડી ન હતી.

શબાના અભિનયનો કોર્સ કરતી હતી ત્યારે જ નિર્દેશક કે. એ. અબ્બાસ ત્યાં ગયા હતા અને વાયદો પૂરો કરતા હોય એમ પહેલી વખત ફિલ્મ ‘ફાસલા’ (૧૯૭૪) માં ભૂમિકા આપી હતી. એ પછી ફિલ્મ ‘પરિણય’ (૧૯૭૪) માં કામ મળ્યું હતું. પરંતુ ત્રીજી ફિલ્મ ‘અંકુર’ મળી હતી એ સૌથી પહેલી રજૂ થઈ હતી. ‘અંકુર’ (૧૯૭૪) શબાનાની જ નહીં શ્યામ બેનેગલની પણ નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ હતી. ફિલ્મએ એની લાગતથી અનેકગણી વધુ કમાણી કરી હતી અને વધારે મહત્વની વાત એ રહી કે એ સમાંતર સિનેમાની શરૂઆત કરનારી પહેલી ફિલ્મ ગણાઈ હતી. શબાનાને ફિલ્મના અભિનય માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.