ફિલ્મ જગતમાં ગીતકાર તરીકે કારકિર્દી શરૂ કરીને દેશભક્તિના ગીતો માટે સૌથી વધુ યશ મેળવનાર અને નામ કમાનાર કવિ પ્રદીપે બે વખત નામ બદલ્યું હતું. લોકોમાં દેશભક્તિ અને ભાઇચારાની ભાવના જગાવવામાં તેમના ગીતોનો મોટો ફાળો રહ્યો છે. ભારત-ચીન વચ્ચેની લડાઇ પછી ભારતીયોનું મનોબળ અને જોશ વધારવા તેમણે લખેલું ‘એ મેરે વતન કે લોગોં’ અમર ગીત છે. ફિલ્મો માટે તેમણે ‘ચલ ચલ રે નૌજવાન’ (બંધન) ‘આજ હિમાલય કી ચોટી સે’ (કિસ્મત), ‘સાબરમતિ કે સંત’ અને ‘હમ લાયે હૈં તુફાન સે’ (જાગૃતિ), ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઇચારા (પૈગામ) વગેરે અનેક દેશભક્તિ ગીતો લખ્યા છે.
તેમનું અસલ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી હતું. સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો હતો અને શિક્ષક બનવાના હતા. અભ્યાસ સાથે તેમને કવિતા લખવાનો બહુ શોખ હતો. તેમને કલ્પના ન હતી કે ભવિષ્યમાં કવિતાને કારણે તેમનો ભાગ્યોદય થવાનો છે. ૧૯૩૮ માં એક વખત કવિ ‘નિરાલા’ એ માધુરી નામની પત્રિકામાં તેમના વિશે ચાર પાનાનો લેખ લખ્યો હતો. ‘નવીન કવિ પ્રદીપ’ શિર્ષક હેઠળનો એ લેખ આજે પણ નિરાલા રચનાવલીમાં છે. તેમનો ફિલ્મોમાં પ્રવેશ અનાયાસ જ થયો હતો. તેમના એક ઓળખીતાનો છોકરો બીમાર હતો. એના પિતાએ પ્રદીપજીને એમની સાથે આવવા માટે કહ્યું અને એ મુંબઇ આવ્યા. દરમ્યાનમાં એક નાનું કવિ સંમેલન હતું. એમાં તેમણે ભાગ લીધો. અને ફિલ્મી દુનિયાને એમના વિશે જાણ થઇ.
એ કવિ સંમેલનમાં કવિતા સાંભળવા ‘બોમ્બે ટૉકિઝ’ નો એક કર્મચારી આવ્યો હતો. તેણે કંપનીમાં જઇ અભિનેત્રી દેવિકા રાનીના પતિ અને નિર્માતા હિમાંશુ રાયને કહ્યું કે લખનઉથી એક યુવાન આવ્યો છે. તે સરસ કવિતા ગાય છે. હિમાંશુએ તેને કહ્યું કે હમણાં જ જઇને એને શોધી લાવ. હું પણ એની કવિતા સાંભળીશ. પ્રદીપ હિમાંશુને મળ્યા ત્યારે કવિતા સંભળાવવા કહ્યું. પ્રદીપે ‘મેરે છંદો કે બંધ બંધ મેં તુમ હો, પ્રિયે તુમ હો’ કવિતા સંભળાવી અને તે મુગ્ધ થઇ ગયા. હિમાંશુને તેમનામાં પ્રતિભા દેખાઇ અને પોતાની કંપનીમાં બસો રૂપિયાના પગારથી નિમણૂક આપી દીધી.
પ્રદીપને અશોકકુમાર અભિનીત ફિલ્મ ‘કંગન'(૧૯૩૯) ના ગીતો લખવાનું કામ સોંપ્યું. હિમાંશુ રાયે સાથે સલાહ આપી કે નામ ‘પ્રદીપ’ જેવું સરળ હોય તો બોલવામાં સારું રહેશે. કેમકે ફિલ્મી દુનિયામાં મોટા નામ ચાલતા નથી. તેમણે ‘પ્રદીપ’ નામ અપનાવી લીધું. ફિલ્મએ સિલ્વર જ્યુબીલી મનાવી અને પ્રદીપ જામી ગયા. સમસ્યા એ ઊભી થઇ કે એ સમયમાં અભિનેતા પ્રદીપ જાણીતા હતા. બંનેના નામ સરખા હોવાથી ગુંચવાડો ઊભો થવા લાગ્યો. એટલે તેમણે પોતાના નામની આગળ કવિ શબ્દ ઉમેરી દીધો અને ‘કવિ પ્રદીપ’ તરીકે કામ કરવા લાગ્યા. તે પોતે સારું ગાઇ શકતા હતા. પરંતુ તેમણે પોતાની એ કળાનો બહુ ઓછો ઉપયોગ કર્યો. તેમણે ‘આઓ બચ્ચોં તુમ્હેં દિખાએં ઝાંકી હિન્દુસ્તાન કી’ (જાગૃતિ), ‘દેખ તેરે સંસાર કી હાલત’ (નસ્તિક), ‘કોઇ લાખ કરે ચતુરાઇ’ (ચંડી પૂજા), ‘મુખડા દેખ લે પ્રાણી જરા’ (દો બહનેં), ‘પિંજરે કે પંછી રે’ (નાગમણી) જેવા ત્રીસ જેટલા ગીતો જાતે ગાયા હતા.
–રાકેશ ઠક્કર (વાપી)