નવાઝુદ્દીને નાનકડી ભૂમિકાથી ફિલ્મોમાં શરૂઆત કરી હતી

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ફિલ્મોમાં માત્ર એક મિનિટની ભૂમિકાથી અભિનયમાં શરૂઆત કરીને મુખ્ય ભૂમિકાઓ મેળવી છે. શરૂઆતની ફિલ્મોમાં તે ભીડનો એક ભાગ હતો. ત્યારે નવાઝુદ્દીનનું ધ્યેય મોટા અભિનેતા બનવાનું ન હતું. ફક્ત દાણાપાણી માટે એ કામ કરતો હતો. દિલ્હીમાં એક નાટક જોઈને અભિનયમાં જવાનું મન થયું હતું. ક્યારેક મોટું સપનું જોયું ત્યારે મિત્રોએ એમ કહી નિરાશ કર્યો હતો કે તારું મોં તો જોઈ લે. થિયેટરમાં કામ કર્યું હતું અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં તાલીમ લીધી હોવાથી એટલો વિશ્વાસ હતો કે મુંબઇમાં ટકી શકાશે.

ફિલ્મોમાં કામ કરવાનું વિચાર્યું ન હતું. માત્ર ટીવી સિરિયલમાં કામ કરવાનો વિચાર હતો. ત્યારે ‘અગ્નિચક્ર’ જેવી સિરિયલમાં એક-બે એપિસોડમાં કામ મળી જતું ત્યારે ખુશી થતી હતી. નવાઝુદ્દીને પોતાનો દેખાવ સારો નથી એવો અફસોસ કરવાને બદલે કામ પર જ વધારે ધ્યાન આપ્યું. મનોજ વાજપેઇની એક સિરિયલમાં ઝાડ બનીને ઊભો રહ્યો હતો. અભિનયમાં ખાસ સ્થાન બનાવવા બહુ સંઘર્ષ કર્યો હતો. નવાઝુદ્દીને નક્કી કર્યું હતું કે તે અભિનયમાં જ કારકિર્દી બનાવશે. બીજાની જેમ બે-ત્રણ વર્ષ સુધી સફળતા નહીં મળે તો ક્ષેત્ર છોડી દેશે નહીં. પચાસ વર્ષ લાગી જાય તો પણ અભિનયમાં જ રહેશે.

નવાઝુદ્દીનને પહેલી ફિલ્મ મિત્રને કારણે મળી હતી. મિત્ર નિર્મલ દાસને આમિર ખાનની ‘સરફરોશ’ (૧૯૯૯) મળી હતી. જ્યારે ફિલ્મના યુનિટના માણસો નિર્મલને લેવા એના મકાન પાસે આવ્યા ત્યારે એ ગાયબ હતો. ત્યાં નજીકમાં હાજર નવાઝુદ્દીનને જોઈ એમણે પૂછ્યું કે તું ઓડિશન આપશે? નવાઝુદ્દીને હા પાડી એટલે એને નિર્દેશક જોન મેથ્યુ મથાનના ઘરે લઈ જવામાં આવ્યો. નવાઝુદ્દીને એમને ઓડિશન આપ્યું. જોનને એનું કામ યોગ્ય લાગ્યું એટલે હા પાડી દીધી. ‘સરફરોશ’ માં નવાઝુદ્દીનનું કામ માત્ર એક મિનિટનું હતું એ નિપટાવી દીધું. નવાઈની વાત એ છે કે જે મિત્ર નિર્મલ ગાયબ થયો હતો અને નવાઝુદ્દીનને પહેલી વખત ફિલ્મમાં તક મળી હતી એ ફરી ક્યારેય મળ્યો નહીં. પાછળથી ખબર પડી હતી કે એ ગાંડો થઈ ગયો હતો.

‘સરફરોશ’ પછી નવાઝુદ્દીને બહુ લાંબો કહી શકાય એવો એક દાયકાથી વધુ સંઘર્ષ કર્યો હતો. ‘મિસ લવલી’ (2012) માં મુખ્ય ભૂમિકા મળી હતી પણ એ ફિલ્મ ફેસ્ટિવલ માટેની હતી. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એ રજૂ થઈ હતી. નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012) માં ‘ફૈઝલ’ ની ભૂમિકાથી લોકપ્રિયતા અને સફળતા મળી હતી. એ પછી અભિનયમાં પાછું વળીને જોવાની જરૂર પડી ન હતી.