અમિતાભ બચ્ચન ફિલ્મોમાં કામ મેળવવા સંઘર્ષ કરતા હતા ત્યારે પિતા ડૉ. હરીવંશરાય બચ્ચનની ઓળખાણનો ઉપયોગ કરવા માગતા ન હતા. પરંતુ મા તેજી બચ્ચને પોતાના દીકરા માટે નરગીસને ભલામણ કરી હતી. જ્યારે અમિતાભ ફિલ્મોમાં કામ કરવા મા તેજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ત્યારે ત્યાં આવેલા નરગીસને પુત્ર માટે ભલામણ કરી હતી. ભારત- ચીન વચ્ચેના યુધ્ધ દરમ્યાન નાગરિકોની એક સમિતિમાં તેજી બચ્ચન સાથે અભિનેત્રી નરગીસ સભ્ય રહી ચૂક્યા હતા. બંને વચ્ચે સારી મિત્રતા હતી. તેજી બચ્ચન એક શિક્ષિકા હતા અને પછીથી નોકરી છોડી સમાજ સેવાની પ્રવૃત્તિમાં જોડાઇ ગયા હતા. તેજીને નરગીસે ભરોસો આપ્યો હતો કે તે મુંબઇ જઇને અમિતાભ માટે કંઇક કરશે.
નરગીસે થોડા દિવસ પછી ફોન કરીને અમિતાભનું એક ફિલ્મ સ્ટુડિયોમાં સ્ક્રીન ટેસ્ટ માટે ગોઠવી આપ્યું હતું. નરગીસે નિર્માતા-નિર્દેશક મોહન સહગલને અમિતાભ માટે ભલામણ કરી હતી. સહગલ ત્યારે મનોજકુમાર- આશા પારેખ સાથે ‘સાજન’ (૧૯૬૯) બનાવી રહ્યા હતા અને પછી ‘સાવન ભાદો’ (૧૯૭૦) બનાવવાના હતા. કદાચ એ માટે જ અમિતાભને સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યો હતો. અમિતાભ મુંબઇ પહોંચી ગયા અને એક સારી હોટલમાં રોકાયા. તે એક મોટી ફિલ્મ માટેના સ્ક્રીન ટેસ્ટની તકથી અભિનયમાં સારા ભવિષ્યના સપના જોવા લાગ્યા હતા.
અમિતાભનો ‘રૂપતારા સ્ટુડિયો’ માં સવારે નવ વાગે સ્ક્રીન ટેસ્ટ હતો. તે સમયસર પહોંચી ગયા. અમિતાભે મેકઅપ કરાવી લીધો અને એક સહાયક નિર્દેશક દ્વારા આપવામાં આવેલા સંવાદોનું રિહર્સલ કરવા લાગ્યા. એ દિવસે કોઇએ અમિતાભને ગંભીરતાથી લીધા ન હતા. તે સ્ક્રીન ટેસ્ટ માટે રાહ જોતા રહ્યા અને બપોર પછી સાંજ પડી ગઇ. રાતના દસ વાગી ગયા અને ‘સાજન’ ના શુટિંગના પેકઅપનો સમય થયો ત્યારે અમિતાભનો સ્ક્રીન ટેસ્ટ લેવાનું યાદ આવ્યું.
અમિતાભને કેમેરાના જુદા જુદા એંગલમાં સંવાદ બોલવાનું કહેવામાં આવ્યું. અમિતાભ સ્ક્રીન ટેસ્ટ આપીને નીકળી ગયા પછી મોહન સેહગલ કે તેમના કોઇ વ્યક્તિ દ્વારા એ અંગે કંઇ જ કહેવામાં આવ્યું નહીં. પાછળથી ‘સાવન ભાદો’ નવીન નિશ્ચલ અને રેખા જેવા નવા કલાકારો સાથે બનાવવામાં આવી હતી. અમિતાભે સંઘર્ષના દિવસોમાં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યા હતા. પરંતુ જો ‘સાવન ભાદો’ માં તેમની પસંદગી થઇ હોત તો ‘જંજીર’ (૧૯૭૩) કરતાં અલગ પ્રકારના અભિનેતા તરીકે કારકિર્દી શરૂ થઇ હોત.