મૌસમી ચેટર્જીનો બંગાળી અને હિન્દી ફિલ્મોમાં અનાયાસ જ પ્રવેશ થયો હતો. મૌસમીના પિતા આર્મીમાં હતા અને તેમનો પરિવાર રૂઢિચુસ્ત હતો. તે પાંચમાં ધોરણમાં ભણતી હતી ત્યારની વાત છે. એક દિવસ સ્કૂલથી પાછી આવતી હતી ત્યારે નિર્દેશક તરુણ મજુમદારની તેના પર નજર પડી. તેમને પોતાની બાળલગ્નના વિષય પરની બંગાળી ફિલ્મ ‘બાલિકા બધુ'(૧૯૬૭) માટે એના જેવી જ છોકરીની જરૂર હતી. તે મૌસમીના ઘરે ગયા અને તેના પિતાને વાત કરી. પિતાએ પહેલાં ના પાડી દીધી. પરંતુ નિર્દેશક તરુણના અભિનેત્રી પત્ની સંધ્યા રૉયની સમજાવટ પછી તે માની ગયા.
મૌસમીનું અસલ નામ ઇન્દિરા છે. તેને લાડથી બધા ઇન્દુ કહેતા હતા. પરંતુ એ સમય પર રાજકારણમાં ઇન્દિરા ગાંધી હતાં અને બંગાળમાં ઇન્દિરા સિનેમા હતું. એટલે તરુણે તેનું નામ બદલીને મૌસમી કરી દીધું. તેમની ‘બાલિકા બધુ’ બંગાળમાં મોટી હિટ રહી. વર્ષો પછી તરુણે આ જ નામથી સચિન-રજની સાથે હિન્દીમાં રીમેક બનાવી હતી. મૌસમીને બંગાળી ‘બાલિકા બધુ’ ના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો. અને તે મોટી અભિનેત્રી ગણાવા લાગી. તેને બીજી ઘણી ફિલ્મોની ઓફર મળી. એટલું જ નહીં ઘણા પરિવારો તેને પોતાના ઘરની વહુ બનાવવા ઇચ્છતા હતા. પરંતુ મૌસમીએ અભ્યાસ પૂરો કરવા પર ધ્યાન આપ્યું.
સંજોગો એવા સર્જાયા કે મૌસમીએ નાની ઉંમરે લગ્ન કરવા પડ્યા. તે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે તેના કાકી કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતા. તેમની અંતિમ ઇચ્છા પૂરી કરવા મૌસમીએ લગ્ન કરવા પડ્યા. જાણીતા ગાયક અને સંગીતકાર હેમંતકુમારના પુત્ર જયંત સાથે તેના લગ્ન થયા હતા. મૌસમી મુંબઇ આવ્યા પછી હેમંતકુમાર કહેતા હતા કે તારામાં અભિનય પ્રતિભા છે. અને એટલે જ પહેલી હિન્દી ફિલ્મ ‘અનુરાગ'(૧૯૭૨) માટે મૌસમીને પ્રોત્સાહન આપ્યું હતું. શક્તિ સામંતાએ ‘અનુરાગ’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમને ડર હતો કે એક અંધ છોકરી પરની ફિલ્મ વેચાશે કે નહીં. ત્યારે તેમની સાથે બે ફિલ્મો કરી ચૂકેલા રાજેશ ખન્નાએ સાથ આપ્યો અને ફિલ્મમાં મહેમાન ભૂમિકા કરવા ઉપરાંત વિતરણ કરવાની જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી.
શક્તિ સામંતાએ મૌસમીને ફિલ્મમાં કામ કરવા કહ્યું. પરંતુ તે તૈયાર ના થઇ. પછી તેના પતિ જયંત, સસરા હેમંતકુમાર અને શક્તિ સમંતાએ તેને પ્રોત્સાહિત કરી ત્યારે તૈયાર થઇ. પણ ‘અનુરાગ’ માં એક અંધ યુવતીની ભૂમિકા કરવાની છે એ જાણીને શક્તિદાને એમ કહીને ના પાડી દીધી કે તેને અંધ વ્યક્તિનો કોઇ અભ્યાસ નથી. ત્યારે શક્તિદાએ કહ્યું કે તેને અંધશાળામાં લઇ જઇને તાલીમ અપાવશે. શક્તિદાએ ફિલ્મનું મુર્હૂત કરવા સેટ તૈયાર કરાવી એક નાનું દ્રશ્ય ભજવવાનું આયોજન કર્યું. મૌસમી જ્યારે મુર્હૂતના સેટ પર પહોંચી ત્યારે રાજેશ ખન્ના, નૂતન, અશોકકુમાર વગેરે ઘણી જાણીતી હસ્તીઓ ઉપસ્થિત હતી.
મૌસમીએ પહેલું દ્રશ્ય ભજવ્યું એના બધાએ વખાણ કર્યા. અને શક્તિદાએ એને કહી દીધું કે અનુભવી અભિનેત્રીની જેમ અભિનય કર્યો હોવાથી હવે અંધ શાળાની મુલાકાત લેવાની જરૂર નથી. મૌસમીનો અભિનય પ્રત્યેનો અનુરાગ બધાંએ પહેલા જ દ્રશ્યમાં જોઇ લીધો હતો. ‘અનુરાગ’ માટે તેનું ફિલ્મફેરમાં ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ ના એવોર્ડ માટે નામાંકન પણ થયું હતું.
–રાકેશ ઠક્કર (વાપી)