હિન્દી ના જાણતી રામેશ્વરીએ અભિનયનો કોર્સ કર્યો  

અભિનેત્રી રામેશ્વરીએ રાજશ્રીની ફિલ્મ ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’ (૧૯૭૭) થી કારકિર્દી શરૂ કરી હતી. પણ અભિનય શીખવા મુશ્કેલીથી પિતા પાસે પરવાનગી મેળવી હતી. રામેશ્વરીએ માતા-પિતાની જાણ બહાર એની બહેન ક્રિશ્ના સાથે મળીને પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ માટેનું ફોર્મ ભરી દીધું હતું. જ્યારે એ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં ઓડિશન આપીને પ્રવેશ માટે લાયક ગણાઈ ત્યારે પિતાને જાણ કરવી પડી હતી. થોડા દિવસ સુધી ના કર્યા પછી આખરે પિતાએ એને પરવાનગી આપી હતી.

રામેશ્વરી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પહોંચી ત્યારે એને ખબર જ ન હતી કે એનું નામ ત્યાં પહેલાંથી જાણીતું થઈ ગયું હતું. એ પોતાનું નામ નોંધાવી રહી હતી ત્યારે જ એક સિનિયર બીજાને એમ કહી રહ્યો હતો કે આ એ જ છોકરી છે. રામેશ્વરીને નવાઈ લાગી કે એને બધા કેવી રીતે ઓળખતા હશે? પછી જ્યારે રોશન તનેજાની ઓફિસમાં ગઈ અને નોંધ કરાવી ત્યારે એમણે સવાલ પૂછ્યો કે તું અશોકકુમાર અને ઋષિકેશ મુખર્જીને ઓળખે છે? ત્યારે રામેશ્વરીએ ના પાડી. રામેશ્વરીને હિન્દી કે અંગ્રેજી ભાષા પણ આવડતી ન હતી એટલે એને થયું કે તનેજાનો સવાલ એ સમજી શકી નહીં હોય.

રામેશ્વરી એની બહેન સાથે લાઈબ્રેરીમાં ગઈ ત્યારે એક છોકરીએ એને ઓળખી કાઢીને કહ્યું કે તને ખબર છે તારા માટે અહીં શું લખાયું છે? અને રામેશ્વરીને તનૂજાના મુખપૃષ્ઠવાળા ‘ફિલ્મફેર’ મેગેઝીનનો અંક બતાવ્યો. જેમાં પત્રકારે અશોકકુમારને પૂછ્યું હતું કે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટના નવા બેચમાં તમને કોણ વધારે આશાસ્પદ લાગે છે? અશોકકુમારે જવાબમાં કહ્યું હતું કે,‘રામેશ્વરી.’ આ વાતનું કારણ જ્યારે રામેશ્વરીએ કોઈ પાસેથી જાણ્યું ત્યારે ખબર પડી કે એના પ્રવેશ અંગે વિવાદ થયો હતો. જ્યારે વિદ્યાર્થીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે રામેશ્વરી માટે એમ કહેવામાં આવ્યું હતું કે એ દક્ષિણ ભારતીય છે અને હિન્દી જાણતી નથી તેથી પ્રવેશ આપવો ના જોઈએ. તેથી અશોકકુમારે એમ કહ્યું હતું કે આપણે અહીં હિન્દી અભિનેત્રી તૈયાર કરવાના નથી. આપણે અહીં કલાકાર પેદા કરવાના છે. બીજી ભાષા પણ આવડતી હોવી જોઈએ.

નિર્દેશક ઋષિદાએ પણ અશોકકુમારની વાતને સમર્થન આપ્યું હતું. તેથી રામેશ્વરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ છ માસ રામેશ્વરી માટે કઠિન રહ્યા પછી બે વર્ષનો કોર્સ પૂરો કર્યો. હતો. ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી બહાર આવ્યા પછી રામેશ્વરીને ખબર ન હતી કે ફિલ્મોમાં કામ કેવી રીતે મેળવવું. રામેશ્વરીએ જાણ્યું કે એની સાથે હતી એ આભા ધુલિયાએ રાજશ્રી પ્રોડકશનમાં જઈને ફિલ્મ મેળવી લીધી છે. પણ રામેશ્વરી દક્ષિણ ભારતીય હોવાથી મદ્રાસ જઈને તેલુગુ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. પહેલી ફિલ્મ દાસારી નારાયણરાવની એવી મળી કે એનું ટાઇટલ શરમ લાગે એવું હતું. એટલે ના પાડી દીધી.

એ પછી રામેશ્વરીના પિતાના મિત્ર કે. રાઘવેન્દ્રરાવે મદ્રાસમાં સૂચન કર્યું કે પિતા તારી સાથે રહી શકશે નહીં અને તું એકલી અહીં કામ કરી શકશે નહીં. એને હવે હિન્દી ભાષા આવડતી હોવાથી મુંબઇ જઈ પ્રયત્ન કરવો જોઈએ. દરમ્યાનમાં રામેશ્વરીને આભાનો પત્ર આવ્યો કે એ એક મકાન લઈ રહી છે એમાં સાથે રહી શકાય એમ છે. પરિવારે આ વાત જાણ્યા પછી એને એકલી મુંબઇ જવાની રજા આપી દીધી. મુંબઇ આવ્યા પછી રામેશ્વરીએ કામ મેળવવા પ્રયત્ન શરૂ કરી દીધા. આભાની ઓળખાણથી તે નિર્દેશક અનિલ ગાંગુલીની એક ફિલ્મ માટે ઓડિશન આપવા જતી હતી ત્યારે અભિનેત્રી રાખી ત્યાં આવી અને એને એમ કહી નાની ભૂમિકા કરવાની ના પડી કે તે હીરોઈન બનવા આવી છે.

(રામેશ્વરીએ રાખીની ભવિષ્યવાણી કેવી રીતે સાચી પાડી? અને રાજશ્રીની ફિલ્મ કઈ રીતે મળી? એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચો.)