મીનાક્ષી શેષાદ્રી ‘હીરો’ થી સફળ હીરોઈન બની

મીનાક્ષી શેષાદ્રીએ નાની ઉંમરમાં નિર્દેશક મનોજકુમારની ફિલ્મ ‘પેઇન્ટર બાબૂ’ થી હીરોઈન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. એને સફળતા નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’ થી મળી હતી. મીનાક્ષીને મનોજકુમારને કારણે જ ‘હીરો’ મળી હતી એમ કહી શકાય. બારમાં ધોરણમાં પાસ થયા પછી વેકેશન હતું. સૌંદર્ય સ્પર્ધા વિશે જાણીને મીનાક્ષીએ શોખ ખાતર જ ‘મિસ ઈન્ડિયા’ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વિજેતા બની હતી. મીનાક્ષી ‘મિસ ઈન્ડિયા’ બની એના બીજા દિવસે દૂરદર્શન પર એનો ઇન્ટરવ્યુ પ્રસારિત થયો હતો. એમાં એણે પોતે ડાન્સ કરતી હોવાની અને ગીતો ગાતી હોવાના પોતાના શોખ વિશે વાત કરી હતી. એના પછીના દિવસે નિર્દેશક મનોજકુમારનો મળવા માટે ફોન આવ્યો હતો.

એમણે ‘મિસ ઈન્ડિયા’ ના સંચાલકો પાસેથી મીનાક્ષીની બહેનનો ફોન નંબર મેળવીને સંપર્ક કર્યો હતો. મીનાક્ષી એની બહેન સાથે મનોજકુમારને મળવા ગઈ. એમણે થોડી વાતચીત કર્યા પછી કહી દીધું કે જો તારી હા હોય તો હું તને મારી ફિલ્મ માટે અત્યારે જ સાઇન કરું છું. મીનાક્ષીને નવાઈ લાગી હતી અને સ્ક્રિન ટેસ્ટ લેવા વિશે પૂછ્યું હતું. ત્યારે એમણે કહ્યું હતું કે જે બાબત મારો કેમેરો જોઈ શકે છે એ હું મારી આંખથી જોઈ રહ્યો છું. એમણે કહ્યું કે તું મોટા પડદા પર હીરોઈન તરીકે યોગ્ય રહે એમ છે. મીનાક્ષીએ મા-બાપ સાથે વાત કર્યા પછી જવાબ આપવાનું કહ્યું.

 

દિલ્હી જઈને જ્યારે ઘરમાં વાત કરી ત્યારે તેના ફિલ્મોમાં જવાના વિચારનો વિરોધ કરવામાં આવ્યો. મીનાક્ષીએ એમને સમજાવ્યા કે મને ઘરે બેઠા બેઠા ઓફર આવી છે. આ ઉંમરે આટલી મોટી ઓફર બહુ મોટી વાત છે. મને એક ફિલ્મ કરવા દો. પરિવારે કેટલીક શરતો મૂકીને પરવાનગી આપી હતી. એમાં મીનાક્ષીએ ક્યારેય એકલા શુટિંગમાં કે બીજી કોઈ જગ્યાએ જવાનું નહીં. બહેનને સાથે જ રાખવાની અને અભ્યાસ ચાલુ જ રાખવાનો રહેશે. મીનાક્ષીએ સંમતિ આપતા ‘પેઇન્ટર બાબૂ’ માં કામ કરવા પરિવારની સંમતિ મળી ગઈ હતી. પરંતુ મીનાક્ષીની હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ ‘પેઇન્ટર બાબૂ’ ફ્લોપ રહી હતી.

નસીબ એટલું સારું હતું કે એ પહેલાં જ નિર્દેશક સુભાષ ઘાઈની ‘હીરો’ મળી ગઈ હતી. અસલમાં સુભાષ મનોજકુમારના પ્રશંસક હતા. એમને ‘હીરો’ માટે સારી ડાન્સર પણ હોય એવી છોકરીની જરૂર હતી. એમને ખબર પડી કે મનોજકુમાર એક સારી ડાન્સર છોકરીને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે ત્યારે એમનો સંપર્ક કર્યો અને ‘પેઇન્ટર બાબૂ’ના ત્રણ ગીતો તૈયાર થઈ ગયા હતા એ જોયા. એમાં મીનાક્ષીની મોર્ડન અને ગ્લેમરસ યુવતીની ઇમેજ હતી. એમણે શરૂઆતમાં વિચાર્યું કે મારી ફિલ્મની ‘રાધા’ ઘરેલૂ અને પરંપરાવાદી છે તો એને નિભાવી શકશે કે કેમ? પણ જ્યારે મીનાક્ષી સાથે મુલાકાત કરી ત્યારે એમને વિશ્વાસ આવ્યો કે એની સાથે તાલમેલ બેસી શકે એમ છે અને ભૂમિકા માટે યોગ્ય છે. મનોજકુમારે પણ ‘હીરો’ કરવાની સલાહ આપી હતી. શરૂઆતના બે સપ્તાહ ‘હીરો’ ચાલી ન હતી. પછી એટલી પસંદ કરવામાં આવી કે મીનાક્ષી ‘હીરો’ ને કારણે સફળ અને સ્ટાર હીરોઈન બની ગઈ હતી.