મનીષા કોઈરાલાએ સુભાષ ઘઈની ફિલ્મ ‘સૌદાગર’ (1991) થી હીરોઈન તરીકે સફળ શરૂઆત કરી હતી પણ નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની જે ‘1942: અ લવ સ્ટોરી’ (1994) થી એક અભિનેત્રી તરીકે સમ્માન મળ્યું એ ફિલ્મના સ્ક્રીન ટેસ્ટમાં પહેલાં નાપાસ થઈ હતી. નેપાળના રાજકીય પરિવારમાંથી આવતી મનીષાએ સૌથી પહેલાં એક નેપાળી ફિલ્મમાં હીરોઈન તરીકે કામ કર્યું હતું અને મોડેલિંગ પણ કર્યું હતું. મનીષા જ્યારે મુંબઇમાં મોડેલ તરીકે કામ કરવા આવી ત્યારે ફિલ્મ કરવાનો કોઈ ઇરાદો ન હતો. એ મોડેલિંગ કરીને પૈસા કમાવવા માગતી હતી ત્યારે પત્રકાર મીનાએ એને ફિલ્મોમાં અભિનય કરવા કહ્યું હતું.
મનીષાએ પહેલો સવાલ કર્યો હતો કે એમાં પૈસા મળશે ને? અને મીનાએ એની મુલાકાત નિર્દેશક શેખર કપૂર સાથે કરાવી હતી. એમણે પોતાની એક ફિલ્મ માટે રૂ.૧૦૦૧ માં મનીષાને સાઇન કરી લીધી હતી. કોઈ કારણથી એ ફિલ્મ આગળ વધી શકી નહીં અને મીનાએ એની મુલાકાત નિર્માતા બોની કપૂર સાથે કરાવી હતી. બોની ત્યારે ‘પ્રેમ’ (૧૯૯૫) નું આયોજન કરી રહ્યા હતા. એમાં તબ્બુને લેવામાં આવી હતી. પણ તબ્બુ ફિલ્મમાં રહેશે કે નહીં એ નક્કી ન હતું. એટલે બોનીએ મનીષાને કહ્યું હતું કે જો તબ્બુ ના પાડશે તો એને ‘પ્રેમ’ માં લેવામાં આવશે. પછીથી તબ્બુ રાજી થઈ હોવાથી મનીષાને એ ફિલ્મ મળી ન હતી.
નિર્દેશક સુભાષ ઘઈ સાથે મુલાકાત થઈ ત્યારે એમણે ફિલ્મ ‘સૌદાગર’ માટે સાઇન કરી લીધી હતી. ‘સૌદાગર’ ને કારણે મનીષાને પહેલાજ નિહલાનીની ‘ફર્સ્ટ લવ લેટર’ (૧૯૯૧), ફિરોઝ ખાનની ‘યલગાર’ (૧૯૯૨) વગેરે મોટા બેનરની ફિલ્મો મળી હતી. ‘સૌદાગર’ પછી મનીષા ઘણી ફિલ્મો કરી ચૂકી હતી પણ એક અભિનેત્રી તરીકે બીજી મોટી ફિલ્મ મળી ન હતી. વિધુ વિનોદ ચોપડાએ ‘1942:અ લવ સ્ટોરી’ માટે અભિનેત્રી શોધવાનું શરૂ કર્યું ત્યારે રેણુ સલૂજાએ મનીષાને સ્ક્રીન ટેસ્ટ આપવા કહ્યું હતું. કેમકે મનીષાની મમ્મી રેણુ સલૂજાની મિત્ર હતી. સ્ક્રીન ટેસ્ટ જોયા પછી વિધુએ મનીષાને કહી દીધું હતું કે એ ‘રજજો’ ની ભૂમિકામાં જામી રહી નથી.
મનીષા કોઈરાલા એ ફિલ્મ કરવા માગતી હોવાથી બહુ વિનંતીઓ કરી કે વધુ એક તક મળી જાય. એ સમય પર મનીષા જે ફિલ્મો મળે એ કરી રહી હતી. અભિનય વિષે ગંભીરતાથી વિચાર્યું ન હતું. વિધુની ફિલ્મમાં કામ કરવું એ પડકારરૂપ કામ હતું. વિધુએ આખરે એક તક માટે એક દિવસનો સમય આપ્યો અને મનીષાએ ખાવાપીવાનું છોડીને વિધુએ એક-બે પાનના જે સંવાદ આપ્યા હતા એની પ્રેક્ટિસ કરી અને બીજા દિવસે સ્ક્રીન ટેસ્ટ આપ્યો. મનીષાનો અભિનય જોઈ વિધુ ખુશ થયા અને કહ્યું કે ગઇકાલે તું ઝીરો કે માઇનસ હતી તો આજે ૧૦૦ ટકા યોગ્ય છે. અને એક દિવસમાં જેવી મહેનત કરી છે એવી આખી ફિલ્મ માટે કરીશ તો તને લઇશ. મનીષાએ આખી ફિલ્મમાં લગનથી કામ કરવાનું વચન આપ્યું હતું. મનીષાને ‘1942:અ લવ સ્ટોરી’ પછી સાચી ખબર પડી હતી કે ફિલ્મોમાં અભિનય માટે ખરેખર કેવી મહેનત કરવાની હોય છે.