કભી નીમ નીમ, હમ હૈ ઇસ પલ યહાં વગેરે ગીતોના ગાયિકા મધુશ્રીને પિતા શાસ્ત્રીય ગાયિકા બનાવવા માગતા હતા. પણ એને ફિલ્મોના ગીતો ગાવામાં વધારે રસ હતો. મધુશ્રી વિદેશોમાં શાસ્ત્રીય ગાયન શીખવતી હતી ત્યારે કલકત્તા ગાયન માટે આવી હતી. એ સ્ટુડિયોમાં કુમાર સાનૂ ગીત ગાવા આવ્યા હતા અને એનો અવાજ સાંભળી ફિલ્મોમાં પ્રયત્ન કરવાની સલાહ આપી હતી. મધુશ્રી ઉત્સાહથી મુંબઇ આવી ગઈ હતી પણ ગાયિકા તરીકે કામ મેળવવાનું બહુ મુશ્કેલ હતું. ત્રણ- ચાર વર્ષના સંઘર્ષ પછી ‘ઝી મ્યુઝીક’ માટે ‘લે જા સંદેશ મેરા’ આલબમ કર્યું.
મધુશ્રીએ ઘણા ગીતકાર- સંગીતકારને એ આલબમ મોકલ્યું હતું. કોઈએ પ્રતિભાવ આપ્યો નહીં. જાવેદ અખ્તરે તો આલબમનું કુરિયર જ પાછું મોકલી આપ્યું હતું. મધુશ્રીએ વારંવાર ફોન કર્યા ત્યારે એમનો સંપર્ક થયો અને પૂછ્યું કે તમે આલબમ પાછું કેમ મોકલી આપ્યું? જાવેદે કહ્યું કે એમની પાસે સમય નથી. મધુશ્રીએ બહુ વિનંતી કરી ત્યારે દયા આવી અને એમણે મળવા માટે સમય આપ્યો. મધુશ્રી રૂબરૂ ગઈ ત્યારે એમણે આલબમ મૂકી જવા કહ્યું. મધુશ્રીએ એની હાજરીમાં સાંભળવા જીદ કરી. એમણે આખરે ગીત સાંભળ્યા અને અવાજના વખાણ કર્યા. જાવેદે ત્યારે કોઈને ભલામણ કરવાનું વચન આપ્યું અને થોડા દિવસ પછી ફોન કરી કહ્યું કે સંગીતકાર રાજેશ રોશનને મળવા જજે. એમને અવાજ ગમ્યો અને ફિલ્મ ‘મોક્ષ’ (2001) માં ‘મોહબ્બત હૈ જિંદગી’ ગીત ગાવાની તક આપી.
એ પછી શંકર એહસાન લોયના સંગીતમાં બે-ચાર ગીતો મળ્યા પણ ઓળખ ઊભી થઈ નહીં. એક દિવસ એ કોઈ સ્ટુડિયોમાં ગઈ હતી ત્યારે ખબર પડી કે રાત્રે એ. આર. રહેમાન ફિલ્મ ‘લગાન’ ના ગીતોના મિકસીંગ માટે આવવાના છે. મધુશ્રી ત્યાં રોકાઈ ગઈ. મધુશ્રીને રાત્રે ત્રણ વાગે રહેમાનને અવાજ સંભળાવવાની તક મળી. એમણે ‘લગાન’ નું ‘કાલે મેઘા’ ગાવા આપ્યું. મધુશ્રીને સાંભળી એમને ખ્યાલ આવ્યો કે શાસ્ત્રીય ગાયન જાણે છે અને એ ગાવા કહ્યું. મધશ્રીનું શાસ્ત્રીય ગાયન રહેમાને અડધા કલાક સુધી સાંભળ્યું અને ભવિષ્યમાં ગીત ગવડાવવાનું આશ્વાસન આપ્યું. એ વાતને એક વર્ષ વીતી ગયું. ક્યાંય કોઈ સારી તક ના મળી એટલે પાછા હોલેન્ડ જતાં રહેવાનું વિચાર્યું ત્યારે જ એ.આર. રહેમાનને ત્યાંથી ફોન આવ્યો. રહેમાને ‘સાથિયા’ (2002) ના ‘નૈના મિલાઈ કે’ ગીતને સાધના સરગમ સાથે ગવડાવ્યું અને મધુશ્રી પાર્શ્વ ગાયિકા તરીકે ધીમે ધીમે પ્રગતિ કરવા લાગી. એ આર. રહેમાનની જ ઘણી ફિલ્મોમાં ગાવાની તક મળી.
મધુશ્રી એક વખત રહેમાનની કોઈ ફિલ્મના ગીત માટે ગઈ ત્યારે ત્યાં દલેર મહેંદી ‘રંગ દે બસંતી’ નું ટાઇટલ ગીત ગાવા આવ્યા હતા. એમનું કામ થયા પછી રહેમાને મધુશ્રીને કહ્યું કે મને સપનામાં એક ધૂન આવી હતી એનું રેકોર્ડિંગ કરી લઈએ. રહેમાન સંગીત આપતા હતા અને મધુશ્રી ગણગણતી હતી. ત્યારે નિર્માતા રાકેશ ઓમપ્રકાશ મહેરાએ એ ધૂન સાંભળીને કહ્યું કે આ ગીત મારે ફિલ્મમાં રાખવું છે. રહેમાને કહ્યું કે તમારી ફિલ્મ ‘રંગ દે બસંતી’ (૨૦૦૬) દેશભક્તિની છે, એમાં આવા રોમેન્ટિક ગીત માટે સિચ્યુએશન નથી અને ફિલ્મ પૂરી થઈ ગઈ છે. ત્યારે એમણે ફિલ્મમાં સિચ્યુએશન ઊભી કરવાનું કહીને એ જ રાત્રે પ્રસૂન જોશી પાસે ‘તૂ બિન બતાયે’ ગીત લખાવી મધુશ્રી અને નરેશ ઐયરના અવાજમાં રેકોર્ડ કરાવ્યું હતું. મધુશ્રીનું અસલ નામ સુજાતા ભટ્ટાચાર્ય છે. પરંતુ મુંબઇમાં સંગીતની દુનિયામાં અલગ નામ રાખવાનું નક્કી કર્યું હતું અને બે-ચાર નામ વિચાર્યા હતા. એ.આર. રહેમાનને એણે આ નામ બતાવ્યા ત્યારે એમણે જ એમાંનું એક નામ મધુશ્રી રાખવા કહ્યું હતું.