‘કેદારનાથ’ ને છોડીને ગાયક ‘કુમાર સાનૂ’ બન્યા

ગાયક કુમાર સાનૂના અનેક નામ છે. ‘કુમાર સાનૂ’ નામ ના રાખ્યું હોત તો કદાચ હિન્દી ફિલ્મોમાં એમને આટલા બધા ગીત ગાવાની તક મળી ના હોત. એનો જન્મ થયો ત્યારે બંગાળી પરિવારના સામાજિક રીતરિવાજ મુજબ બાળકના જન્મ પછી કેટલાક નામ લખીને એના પર દીવા પ્રગટાવીને મૂકવામાં આવ્યા હતા. અને છ થી સાત નામ પસંદ કરી દીવા નીચે મૂકવામાં આવ્યા હતા. રિવાજ મુજબ જે નામના કાગળ પરનો દીવો આખી રાત સૌથી વધુ સમય સુધી પ્રગટેલો રહે એ નામ રાખી દેવામાં આવતું હતું. અને જ્યારે સવાર સુધી પ્રગટતા રહેલા દીવા નીચેનું નામ વાંચવામાં આવ્યું ત્યારે ‘કેદારનાથ ભટ્ટાચાર્ય’ હતું.

બાળપણમાં તો એ નામ કેવું છે એની ખબર ના પડી. પણ મોટો થયો એ પછી બધા ‘કેદાર-કેદાર’ કહીને બોલાવવા લાગ્યા ત્યારે નામ યોગ્ય ના લાગ્યું. એને થયું કે ‘કેદારનાથ’ નામથી એ કોઈ મોટી ઉંમરનો માણસ હોય એવું લાગે છે. ત્યારે એ શરીરથી ભારે અને મોટા ગોળ મોઢાવાળો હતો. તેથી ઘરમાં એને પ્રેમથી ‘છાના’ કહીને પણ બોલાવતા હતા. દૂધને ફાડીને એમાંથી પનીર બનાવવામાં આવે છે એને ‘છાના’ કહેતા હતા. પણ બધા એનો જુદો જુદો ઉચ્ચાર કરતા રહ્યા અને થોડો મોટો થયો ત્યાં સુધીમાં એ શબ્દ બદલાઈને ‘સાનૂ’ થઈ ગયો. એ નામ સારું હતું એટલે ગમતું હતું. મિત્રો પણ ‘સાનૂ’ તરીકે બોલાવતા એ સારું લાગતું હતું. માત્ર સ્કૂલમાં ‘કેદારનાથ’ ચાલતું હતું. કેદાર નામ કેવી રીતે કાઢવું એની મૂંઝવણ રહેતી હતી.

કેદાર જ્યારે કલકત્તા છોડીને મુંબઇ સંગીતની દુનિયામાં આવ્યો અને સંગીતકાર કલ્યાણજી- આણંદજી સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે ‘કેદારનાથ’ છોડી ‘સાનૂ ભટ્ટાચાર્ય’ તરીકે ઓળખ રાખી. સાનૂએ ટી સીરીઝ કંપની માટે કિશોરકુમારના ગીતો ગાયા એની કેસેટ પર એક ખૂણામાં નાના અક્ષરોમાં ‘સાનૂ ભટ્ટાચાર્ય’ લખાતું હતું. અને કિશોરકુમારનું નામ મોટા અક્ષરોમાં છાપાતું હતું જેથી લોકો કેસેટ ખરીદી લે.

એ સમય પર કલ્યાણજી- આણંદજીએ એક વાતની નોંધ લીધી કે સાનૂ વાતચીત કરે છે ત્યારે એનો ટોન બંગાળી લાગે છે પણ જ્યારે ગીત ગાય છે ત્યારે ઉર્દૂ શબ્દોના ઉચ્ચાર પણ સ્પષ્ટ હોય છે. એના ગાયન પરથી કોઈને એ વાતનો ખ્યાલ આવતો નથી કે એ બંગાળી છે. કેમકે સાનૂએ એક મૌલવી પાસે ઉર્દૂના ઉચ્ચારની તાલીમ લીધી હતી. કલ્યાણજી- આણંદજીએ કહ્યું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અને એ પણ સંગીતમાં બંગાળી તરીકેની ઓળખ મુશ્કેલી ઊભી કરે એવી છે. અને તારા ઉચ્ચારથી ખબર પડતી નથી કે તું બંગાળી છે. પણ જ્યારે લોકો તારું નામ જાણશે કે ‘સાનૂ ભટ્ટાચાર્ય’ છે ત્યારે શંકા પડશે કે તું ઉર્દૂ સરખું ગાઈ શકશે કે નહીં. એમાં બંગાળી ટોન આવશે એવો ડર રહેશે. અને કલ્યાણજી- આણંદજીએ એનું નામ ‘કુમાર સાનૂ’ કરીને કહ્યું કે આ નામથી કોઈને ખબર પડશે નહીં કે તું કઈ જાતિનો છે.

એ વાતનો કુમાર સાનૂને ખરેખર લાભ થયો. સાનૂએ 24 ભાષામાં અસંખ્ય ગીતો ગાયા અને દરેક ભાષાના લોકોને લાગ્યું કે તે એમની જ જાતિનો છે. કુકમાર સાનૂનું એક નામ ‘ટાઈગર’ પણ છે. પહેલી ફિલ્મ ‘આશિકી’ માટે જ્યારે નદીમ-શ્રવણના સંગીતમાં કુમાર સાનૂએ પહેલું ગીત માઇક પર ભારે ઉત્સાહથી ગાવાનું શરૂ કર્યું ત્યારે પહેલી લીટી ‘નજર કે સામને જિગર કે પાસ’ ગાયા પછી એને નદીમે અટકાવ્યો અને કહ્યું:‘ટાઈગર, માઈકથી દૂર રહીને ગા. સ્પીકર ફાટી રહ્યું છે.’ અને ત્યારથી કુમાર સાનૂનું બીજું એક નામ ‘ટાઈગર’ પડી ગયું હતું. મુકેશ ખન્ના સાથેની એક મુલાકાતમાં સાનૂએ પહેલી વખત પોતાના એકથી વધુ નામો કેવી રીતે પડ્યા એના આ રહસ્ય ખોલ્યા હતા.