જેમણે દોઢસોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે એવા જીતેન્દ્રએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે અભિનયની એમને કોઇ સમજ ન હતી, આમ છતાં હીરો તરીકેની એમની પહેલી જ ફિલ્મ સુપરહીટ રહી હતી. એટલે ખુદ જીતેન્દ્ર આજે અભિનયને અલવિદા કહયાને પચીસ વર્ષ થઇ ગયા હોવા છતાં માને છે કે તેમનું નસીબ બળવાન હતું. નસીબમાં લખાયેલું હતું એટલે તે અભિનયમાં આવ્યા હતા. નસીબથી ઉપર કંઇ જ નથી. તમે ગમે તે કરો પણ જે નસીબમાં હોય એ જ થાય છે. એનો અનુભવ એમને થયો હતો.
યુવાનીમાં અભ્યાસમાં નબળા હતા અને આર્થિક સ્થિતિ સારી ન હતી કે કોઇ કામધંધો ચાલુ કરી શકે ત્યારે ફિલ્મોમાં કામ કરવાનો વિચાર આવ્યો. રવિ કપૂર ઉર્ફે જીતેન્દ્રના પિતાનો ધંધો આર્ટીફિશિયલ જ્વેલરીનો હતો. તે ફિલ્મ નિર્માતાઓને પણ જ્વેલરી આપતા હતા. એમાં એક નિર્દેશક વી. શાંતારામ હતા. જીતેન્દ્ર જ્યારે જ્વેલરી આપવા ગયા ત્યારે વી. શાંતારામ તેમની મરાઠીથી પ્રભાવિત થઇ ગયા. તેમણે જીતેન્દ્રની વિનંતીને માન આપી પોતાની ફિલ્મમાં જુનિયર કલાકાર તરીકે કામ આપ્યું અને કહ્યું કે તું પ્રયત્ન કર. જીતેન્દ્ર તેમની ફિલ્મમાં ભીડના દ્રશ્યોમાં ઉભા રહેવાનું કામ કરતા હતા. એ પછી ૧૯૬૨ માં એક ફિલ્મમાં જીતેન્દ્રને એક સંવાદ બોલવાની તક આપી. એમાં જીતેન્દ્રએ ભાગીને આવવાનું અને બોલવાનું હતું કે ‘સરદાર, સરદાર.. દુશ્મન ગોલિયાં બરસાતે હુએ આ રહે હૈ…’ એ દ્રશ્ય માટે જ્યારે શુટિગ શરૂ થયું ત્યારે જીતેન્દ્ર ‘સરદાર, સરદાર..’ થી આગળ બોલી જ ના શક્યા. તતફફ.. કરવા લાગ્યા. અસલમાં કેમેરાથી તે ગભરાઇ ગયા હતા.
જીતેન્દ્રને એ વાતનો ખ્યાલ આવી ગયો કે કેમેરા પાછળ બોલવાનું કેટલું સરળ હોય છે. પૂરા વીસ રીટેક થઇ ગયા. જીતેન્દ્ર હતાશ થઇ ગયા. કેમ કે ભણવામાં બરાબર ન હતા કે આર્થિક રીતે સધ્ધર ન હતા અને હવે અભિનયમાં કારકિર્દી બનાવવા જઇ રહ્યા છે ત્યારે એ કામ ય આવડતું નથી. જીતેન્દ્રનું નસીબ એટલું સારું કે તેના ભૂલવાળા એ સંવાદને વી. શાંતારામે ઓકે કરી દીધો. જીતેન્દ્ર આજે પણ નવાઇ વ્યક્ત કરતાં કહે છે કે ત્યારે વી. શાંતારામે મારામાં એવું તે શું જોયું કે મને ફિલ્મ ‘ગીત ગાયા પત્થરોને’ ના સ્ક્રીન ટેસ્ટ માટે બોલાવ્યો!
એ સમયે જીતેન્દ્રએ તેમના સ્કૂલ સમયના મિત્ર રાજેશ ખન્નાને ગુરુ બનાવ્યા. એમને ખબર હતી કે રાજેશ નાટકોમાં બહુ કામ કરે છે. કોલેજની કેન્ટીનમાં બેસીને રાજેશ ખન્ના પાસેથી સ્ક્રીન ટેસ્ટની તાલીમ લીધી, પણ એ કામ ના લાગી. કેમ કે વી. શાંતારામે ઉર્દૂ શબ્દો બોલવા આપ્યા. એ બરાબર બોલી શકાયા નહીં. પણ વી. શાંતારામની પુત્રી અને ‘ગીત ગાયા પત્થરોને’ ની હીરોઇન રાજશ્રીએ તેને હીરો બનાવવા ભલામણ કરી દીધી. શૂટિંગના પહેલા દિવસે પણ જીતેન્દ્રએ બોલવામાં ગરબડ કરી ત્યારે વી. શાંતારામે એમ કહીને ત્રણ દિવસ માટે શૂટિંગ રોકી દીધું કે ‘મેં આ કેવા બોબડા હીરોને લઇ લીધો છે.’ પછી જીતેન્દ્રએ મહેનત કરીને પોતાનું કામ શરૂ કર્યું અને ફિલ્મ પૂરી થઇ. ફિલ્મ ‘ગીત ગાયા પત્થરો ને’ રજૂ થતાંની સાથે જ હીટ પણ થઇ ગઇ. નસીબનો ખેલ કેવો કહેવાય કે જેમને અભિનયમાં આગળ વધવું હતું અને લાયકાત ધરાવતા હતા એ જીતેન્દ્રના પહેલા ગુરૂ રાજેશ ખન્નાને જીતેન્દ્રની પ્રથમ ફિલ્મના બે વર્ષ પછી ‘આખરી ખત’ માં પહેલી તક મળી હતી.
(રાકેશ ઠક્કર-વાપી)