‘ખટ્ટા મીઠા’ અને ‘ગોલમાલ’ ફિલ્મોને કારણે જાણીતી બનેલી આભિનેત્રી બિંદિયા ગોસ્વામી જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે એનો ચહેરો હેમા માલિની જેવો લાગતો હોવાથી ફિલ્મોમાં હીરોઇન તરીકે તક મળી ગઇ હતી. બિંદિયા ૧૪ વર્ષની હતી ત્યારે પડોશમાં રહેતા સંગીતકાર પ્યારેલાલના પુત્રના જન્મદિવસની ઉજવણીના કાર્યક્રમમાં બિંદિયાના પરિવારને આમંત્રણ મળ્યું હતું. એ કાર્યક્રમમાં હાજરી આપવા બિંદિયા માટે તેની માએ ફિલ્મ ‘યાદોં કી બારાત’ (૧૯૭૩) ના ‘ચુરા લિયા હૈ તુમને’ ગીતમાં ઝીનત અમાને પહેર્યો હતો એવો સફેદ રંગનો ડ્રેસ તૈયાર કરાવ્યો હતો.
પ્યારેલાલને ત્યાં કાર્યક્રમમાં અનેક ફિલ્મી હસ્તીઓ આવી હતી. એમાં બિંદિયા પર હેમા માલિનીના માતા જયા ચક્રવર્તીની નજર પડી હતી. એમને બિંદિયામાં બીજી હેમા માલિની દેખાઇ હતી. પછીથી એમણે બિંદિયા માટે ફિલ્મમાં કામ કરવા સંદેશો મોકલ્યો ત્યારે બિંદિયાની માએ એમ વિચારીને હા પાડી દીધી કે જયા ચક્રવર્તી પોતાની પુત્રી હેમાની સારી સંભાળ રાખતા હોવાથી બિંદિયા પણ એમના હાથમાં સલામત રહેશે. બિંદિયાને એમની ભલામણથી ‘એ.વી.એમ. પ્રોડક્શન’ ની ફિલ્મ ‘જીવન જ્યોતિ’ (૧૯૭૬) માં વિજય અરોરા સાથે હીરોઇન તરીકે તક મળી હતી. જે તેલુગુ ફિલ્મ ‘મુથયલા મુગ્ગુ’ ની રીમેક હતી. બિંદિયાનું નસીબ એટલું સારું હતું કે જયાની ભલામણથી એક પછી એક બીજી ત્રણ ફિલ્મો મળી ગઇ.
એમાં બાસુ ચેટર્જીની ‘ખટ્ટા મીઠા’ (૧૯૭૮) હતી. જેમાં રાકેશ રોશન હીરો હતો. ફિલ્મમાં બિંદિયા એક પારસી છોકરીની ભૂમિકામાં હતી. ફિલ્મના ‘તુમ સે મિલા થા પ્યાર’ ગીતના શુટિંગમાં બાસુદાને થયું કે બિંદિયાના લાંબા વાળ પાત્ર માટે યોગ્ય નથી. એટલે વીગ પહેરાવીને ફરીથી શુટિંગ કર્યું. એનાથી પણ એમને સંતોષ ના થયો અને વાળ ટૂંકા દેખાય એવા કરાવ્યા. બાસુદા બિંદિયાના કામથી એવા પ્રભાવિત થયા કે એ પછીની ‘પ્રેમ વિવાહ’ (૧૯૭૯) અને ‘હમારી બહુ અલકા’ (૧૯૮૨) માં પણ કામ આપ્યું. બાસુદાની ભલામણથી જ બિંદિયાને ઋષિકેશ મુખર્જીની ‘ગોલમાલ’ (૧૯૭૯) મળી હતી. તે ઋષિદા સાથે કામ કરતી હતી ત્યારે લેખક સલીમ ખાન તેને રમેશ સિપ્પીની ઓફિસે લઇ ગયા. સિપ્પીએ બિંદિયાને પોતાની બે ફિલ્મો ‘શક્તિ’ અને ‘શાન’ (૧૯૮૦) માં કામ કરવાની ઓફર આપી.
બિંદિયાએ બંને સ્વીકારી લીધી પણ પાછળથી કોઇ કારણથી ‘શક્તિ’ માં તેનું સ્થાન સ્મિતા પાટીલે લીધું. બિંદિયાએ આ અંગે કોઇ ફરિયાદ ના કરી અને મલ્ટીસ્ટારર ‘શાન’ માં શશી કપૂરની પ્રેમિકાની ભૂમિકા કરી હતી. બિંદિયાએ શરૂઆતમાં ફિલ્મ ‘મુક્તિ’ (૧૯૭૭) માં શશી કપૂરની પુત્રીની ભૂમિકા કરી હતી. ‘મુક્તિ’ માં તેણે શાવર નીચે એક દ્રશ્ય આપ્યું હતું. એ પછી કોઇ ફિલ્મમાં બોલ્ડ દ્રશ્ય આપ્યું ન હતું.