જેનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘દિલ એસા કિસીને મેરા તોડા’ ખૂબ લોકપ્રિય રહ્યું છે એ ફિલ્મ ‘અમાનુષ’ (૧૯૭૫) નું નામ નક્કી કરવા બાબતે બહુ વાદવિવાદ થયો હતો. લેખક કમલેશ્વરની આ પહેલી વ્યવસાયિક ફિલ્મ હતી. જ્યારે નિર્દેશક શક્તિ સામંતાએ એમના પર આ વ્યવસાયિક ફિલ્મ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે એમને નવાઇ લાગી હતી. શક્તિદાએ બંગાળી લેખક શક્તિપદ રાજગુરુની નવલકથા ‘નાયા બસત’ પરથી હિન્દી અને બંગાળી એમ બે ભાષામાં ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. આ એમની પહેલી બંગાળી ફિલ્મ હતી. એમને ફિલ્મની સફળતા માટે શંકા હતી. પરંતુ એટલી સફળ રહી કે હિન્દી અને બંગાળી એમ દ્વિભાષી ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો હતો.
નવાઇની વાત એ છે કે આ સફળતા પછી શક્તિ સામંતાએ કમલેશ્વર લિખિત વાર્તા પરથી ઉત્તમકુમાર- શર્મિલા ટાગોરની જોડી ઉપરાંત એ જ આખી ટીમ સાથે હિન્દી અને બંગાળીમાં બીજી ફિલ્મ ‘આનંદ આશ્રમ’ (૧૯૭૭) બનાવી એ નિષ્ફળ રહી હતી. એની એક રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માટે ઇન્દીવરે ‘હમ તુમ્હેં ચાહતે હૈં એસે’ ગીત લખ્યું હતું. જેને શક્તિદાએ પસંદ કર્યું ન હતું. એનો ઉપયોગ પાછળથી ફિરોઝ ખાનની ‘કુરબાની’ (૧૯૮૦) માં થયો હતો. અસલમાં નવલકથાનું નામ પશ્ચિમ બંગાળના જે ગામ પર આધારિત હતી એનું રાખવામાં આવ્યું હતું. શરૂઆતમાં એ નવલકથા પરની આ ફિલ્મનું નામ નક્કી થયું ન હતું. શક્તિપદાએ બંગાળી વાર્તાનો અંગ્રેજીમાં અનુવાદ કરીને હિન્દી લેખક કમલેશ્વરને આપ્યો હતો. એમણે શક્તિ સામંતા અને શક્તિપદા સાથે બેસીને પહેલાં પટકથા તૈયાર કરી અને પછી સંવાદ લખ્યા હતા.
પહેલી વખત એવું બન્યું હતું કે એ હિન્દી સંવાદનો જ બંગાળી ફિલ્મ માટે અનુવાદ થયો હતો. એ માટે શક્તિદાએ બંગાળના જાણીતા સંવાદ લેખક વિનય ચેટર્જીને બોલાવ્યા હતા. ફિલ્મમાં કામ કરવા માટે જાણીતા બંગાળી અભિનેતા ઉત્તમકુમાર પહેલાં એટલા માટે રાજી ન હતા કેમકે એમની પહેલી હિન્દી ફિલ્મ ‘છોટી સી મુલાકાત’ (૧૯૬૭) સફળ રહી ન હતી અને એમણે હિન્દી ફિલ્મોથી અંતર બનાવી દીધું હતું. શક્તિદા ‘અમાનુષ’ માટે એમને સમજાવવામાં સફળ રહ્યા હતા. ફિલ્મફેરમાં શ્રેષ્ઠ અભિનેતા તરીકે ઉત્તમકુમારનું નામાંકન થયું હતું. પરંતુ એ વર્ષે સંજીવકુમાર ‘આંધી’ માટે એવોર્ડ લઇ ગયા હતા. જે સમય પર દિલ દે કે દેખો, કશ્મીર કી કલી, દિલ દિયા દર્દ લિયા જેવા ફિલ્મોમાં ટાઇટલ ચાલતા હતા ત્યારે કમલેશ્વરે હિન્દીમાં ‘અમાનુષ’ અને બંગાળીમાં ‘અનુસંધાન’ નામનું સૂચન કર્યું હતું. શક્તિ સામંતાને શંકા હતી કે સામાન્ય દર્શકો આ નામ સમજી શકશે નહીં. પણ જ્યારે કમલેશ્વરે ફિલ્મના મુહૂર્તના દ્રશ્યનો સંવાદ ‘મૈં હૂં એક અમાનુષ! આધા મનુષ્ય ઔર આધા પશુ!’ લખ્યો ત્યારે એ માની ગયા કે ‘અમાનુષ’ નામ રાખી શકાય એમ છે.