-રાકેશ ઠક્કર
ગાયક બેની દયાલે આમ તો ઘણાં ગીતો ગાયાં છે, પણ જે સૌથી વધુ લોકપ્રિય ગણાય છે એવા ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ અને ‘બદતમીઝ દિલ’ ગીતોની પાછળ રસપ્રદ વાતો છુપાયેલી છે. ફિલ્મ ‘જાને તૂ યા જાને ના’ (Jaane Tu… Ya Jaane Na, 2008)નું સુપરહિટ ગીત ‘પપ્પુ કાન્ટ ડાન્સ સાલા’ (Pappu Can’t Dance Saala) આજના યુવાનોનું પણ ઑલ-ટાઇમ ફેવરિટ છે. તેની રચના અને રેકોર્ડિંગ પાછળ એક મજેદાર અને રસપ્રદ કિસ્સો જાણવા જેવો છે.

જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ થવાનું હતું ત્યારે બેની દયાલ મુંબઈમાં હતા અને પોતાના સંઘર્ષના દિવસો પસાર કરી રહ્યા હતા. રહેમાને બેનીને સ્ટુડિયોમાં બોલાવ્યા અને એકદમ તાજગી તથા મસ્તીથી ભરેલી આ ધૂન પર ગાવા કહ્યું. રહેમાન પોતે ઇચ્છતા હતા કે આ ગીતમાં પરંપરાગત બોલિવૂડ સ્ટાઇલ કરતાં કંઈક અલગ, યુવા હૃદયને સ્પર્શી જાય તેવી એનર્જી હોવી જોઈએ.
જ્યારે આ ગીતના બોલ લખાઈ રહ્યા હતા અને શીર્ષક નક્કી થયું ત્યારે ફિલ્મની ટીમ વચ્ચે અને સંગીત જગતમાં થોડી ચર્ચા થઈ હતી કે શું ‘સાલા’ શબ્દ યોગ્ય રહેશે? પરંતુ દિગ્દર્શક અબ્બાસ ટાયરવાલા અને આમિર ખાન સ્પષ્ટ હતા કે આ શબ્દ કૉલેજમાં અને યુવાનોની રોજિંદી બોલચાલની ભાષાનો હિસ્સો છે, જે ગીતમાં એક અલગ જ અસલી મજા અને મસ્તી લાવશે. આ જ બેબાક અંદાજે ગીતને કલ્ટ સ્ટેટસ અપાવ્યું.
બેની દયાલે આ ગીત ખૂબ જ ઓછા સમયમાં અને કોઈ પણ વધારાના તણાવ વગર રેકોર્ડ કર્યું હતું. ગીતની શરૂઆતની લાઇનો અને કોરસમાં જે હળવાશ અને ચુલબુલાપણું જોઈતું હતું તે બેનીએ પોતાના અવાજની સ્વાભાવિક મસ્તીથી પૂરું કર્યું. આ ગીતમાં તેમની સાથે અન્ય ગાયકોએ પણ સાથ આપ્યો હતો.
આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે તેણે બોક્સ ઑફિસ પર ધમાકો કરી દીધો. દેશભરની કૉલેજો અને પાર્ટીઓમાં યુવાનો આ ગીતના તાલે ઝૂમી ઊઠ્યા. આ ગીત એટલું મોટું હિટ સાબિત થયું કે તેણે રાતોરાત બેની દયાલને બોલિવૂડના મુખ્ય ગાયકોની લીગમાં લાવીને બેસાડી દીધા.

બેનીનું બીજું ગીત રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ (Yeh Jawaani Hai Deewani, 2013)નું ‘બદતમીઝ દિલ’ (Badtameez Dil) છે. આજે પણ દરેક પાર્ટી અને ડીજેની ઑડિયન્સની પહેલી પસંદ છે. આ ગીત જેટલું એનર્જેટિક છે એટલી જ તેના રેકોર્ડિંગ અને બનવા પાછળની કહાની પણ રસપ્રદ છે.
આ ગીતના સંગીતકાર પ્રીતમ અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય હતા. જ્યારે આ ગીતની ધૂન અને બોલ તૈયાર થઈ રહ્યા હતા ત્યારે પ્રીતમને એક એવા અવાજની જરૂર હતી, જે ગીતમાં અસીમ ઊર્જા ભરી શકે.
આ ગીત માટે બેની દયાલની પસંદગી કરવામાં આવી હતી, કારણ કે તેમના અવાજમાં એક અનોખી મસ્તી અને તાજગી હતી. બેની દયાલ જ્યારે સ્ટુડિયોમાં આ ગીત રેકોર્ડ કરવા ગયા ત્યારે તેમણે સામાન્ય રીતે ઊભા રહીને ગાવાને બદલે સ્ટુડિયોમાં ડાન્સ કરતા-કરતા આ ગીત ગાયું હતું.

ગીતના શબ્દોમાં જે મસ્તી અને ‘બદતમીઝી’ જોઈતી હતી તે અવાજમાં લાવવા માટે બેનીએ ખરેખર ખૂબ જ કૂદાકૂદ કરી હતી અને પોતાના ગળા પર ઘણું જોર આપ્યું હતું. તેમનું માનવું હતું કે જ્યાં સુધી ગાયક ખુદ અંદરથી ડાન્સ ન કરે ત્યાં સુધી તે ગીતમાં એવાં કંપન આવી જ ન શકે.
સ્ક્રીન પર જ્યારે રણબીર કપૂરે રેમો ડિસૂઝાની કોરિયોગ્રાફી પર ગીતના શબ્દો પર સ્ટેપ્સ કર્યા ત્યારે તેણે યુવાનોને ઘેલા કરી દીધા હતા.





