રાજકુમાર હીરાનીને નિર્દેશનમાં પ્રવેશ મળ્યો ન હતો

‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ (૨૦૦૩) થી ‘ડંકી’ (૨૦૨૩) સુધીની ફિલ્મોથી નિર્દેશક તરીકે એક અલગ છાપ છોડી જનાર રાજકુમાર હીરાનીને પૂનાની ‘ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માં નિર્દેશન વિભાગમાં પ્રવેશ મળ્યો ન હતો. નાગપુરની કોલેજમાં નાટકો લખતા અને કામ કરતા હતા એ પછી ફિલ્મોમાં જવાનો શોખ જાગ્યો અને મુંબઈ પહોંચી ગયા. પરંતુ કોઈને ઓળખતા ન હતા અને ચોક્કસ રસ્તો ન હોવાથી પાછા આવી ગયા. પછી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવી આગળનો યોગ્ય માર્ગ નક્કી કરવાનો વિચાર કર્યો. પહેલી વખત ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશવા નિર્દેશન માટે પરીક્ષા આપી એમાં સફળ ના થયા એટલે એક વર્ષ સુધી બેસી રહેવું પડ્યું.

રાજકુમાર ફુરસદના સમયમાં પિતાને ટાઈપરાઈટર વેચવાના ધંધામાં મદદ કરતા હતા. એક વર્ષ પછી ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશની પરીક્ષા એડિટિંગમાં આપી અને સફળ થયા. તેનું કારણ એ હતું કે નિર્દેશનમાં પ્રવેશ માટે વધુ અરજીઓ થતી હતી. એડિટિંગમાં બહુ ઓછા જતા હતા. એમને કહેવામાં આવ્યું હતું કે એડિટિંગમાં પ્રવેશની તક વધુ હોય છે. એક વખત એડિટર તરીકે પાસ થઈ બહાર આવ્યા પછી ફિલ્મના નિર્દેશન સહિતના બીજા વિભાગોમાં કામ કરી શકશો. રાજકુમાર ‘ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટ’ માંથી ત્રણ વર્ષે ડિગ્રી લઈને બહાર આવ્યા ત્યારે એડિટર તરીકે જલદી કામ મળ્યું નહીં.

રોજીરોટી જરૂરી હતી એટલે જાહેરાતો બનાવવાનું કામ શરૂ કર્યું. ઘણી જાહેરાતોનું નિર્દેશન કર્યું. એ સાથે કેટલીક ફિલ્મોનું એડિટિંગ પણ કર્યું. એમણે વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘મિશન કાશ્મીર’ (૨૦૦૦) નું એડિટિંગ કર્યું. જાહેરાતો બનાવવાનું કામ કરવા સાથે એ પોતાના નિર્દેશનમાં ફિલ્મ બનાવવાના નિર્ધાર સાથે સ્ક્રીપ્ટ લખી રહ્યા હતા. પરંતુ સમય પૂરતો મળતો ન હોવાથી બધી સ્ક્રીપ્ટ અધૂરી રહી હતી. આખરે એડ ફિલ્મ મેકિંગમાંથી એક વર્ષનો વિરામ લઈ સ્ક્રીપ્ટ લખવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ફિલ્મની સ્ક્રીપ્ટ લખ્યા પછી કલાકારોને પસંદ કરવાનો સમય આવ્યો. એમને ફિલ્મ કલાકારો ખાસ ઓળખતા ન હતા. એમણે વિધુ વિનોદ ચોપડાને મદદ કરવા કહ્યું. વિધુએ કહ્યું કે પહેલાં એ સ્ક્રીપ્ટ વાંચશે પછી જ કોઈ કલાકારને કહી શકશે.

રાજકુમારે ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ ની સ્ક્રીપ્ટ વાંચવા આપી. એ વાંચીને વિધુએ પૂછ્યું કે નિર્માતા કોણ છે? રાજકુમારે કહ્યું કે હજુ નક્કી કર્યા નથી. ત્યારે વિધુએ એ સ્ક્રીપ્ટ માટે પોતે ફિલ્મનું નિર્માણ કરવાની તૈયારી બતાવી અને કલાકારોની શોધ શરૂ કરી દીધી. સૌથી પહેલાં હીરોની ભૂમિકા માટે શાહરૂખ ખાનને પસંદ કરી લીધા હતા. શાહરૂખે તારીખો ફાળવી દીધી હતી. અચાનક શાહરૂખને ગળા અને પીઠનો દુ:ખાવો પરેશાન કરવા લાગ્યો.

શાહરૂખે સારવાર લેવા વિદેશ જવું પડ્યું અને એની તારીખો જતી રહી. શાહરૂખે પરત આવ્યા પછી અન્ય ફિલ્મો ચલતે ચલતે, મૈં હૂં ના વગેરેને તારીખો આપી હોવાથી એનું શૂટિંગ પહેલું કરવું પડે એમ હતું. આખરે શાહરૂખે નીકળી જવું પડ્યું અને એના સ્થાને સંજય દત્તને પસંદ કરવામાં આવ્યો. જ્યારે સંજયના પિતાના પાત્રની ચર્ચા થઈ ત્યારે વિધુને સુનીલ દત્તનો વિચાર આવ્યો. એમણે ૧૬ વર્ષથી અભિનય કરવાનું બંધ કરી દીધું હોવાથી તૈયાર થવાની શક્યતા ન હતી. જ્યારે સુનીલ દત્તે સ્ક્રીપ્ટ સાંભળી ત્યારે કામ કરવા તૈયાર થઈ ગયા અને પિતા-પુત્ર ફિલ્મની વિશેષતા બની ગયા. પહેલી જ ફિલ્મ ‘મુન્નાભાઈ એમ.બી.બી.એસ.’ થી રાજકુમાર હીરાની લોકપ્રિય અને સફળ નિર્દેશક બની ગયા હતા.