ગાયક શાન અભિનેતા સૈફ અલી ખાન અને અભિષેક બચ્ચન માટે વધારે ગીતોમાં અવાજ આપી ચૂક્યો છે. સૈફ માટે તેનો અવાજ સૌથી વધુ યોગ્ય ગણાયો છે. પરંતુ સ્ટાર ગણાતા આમિર ખાનનું ફિલ્મ ‘ફના’ (૨૦૦૬) નું ગીત તે મુશ્કેલીથી મેળવી શક્યો હતો. જોકે, એ જ વર્ષે રજૂ થયેલી સંજય દત્તની ‘લગે રહો મુન્નાભાઇ’ (૨૦૦૬) નું ટાઇટલ ગીત ગુમાવી દીધું હતું. નિર્દેશક કુણાલ કોહલીની ફિલ્મ ‘ફના’ માટે જતિન- લલિતના સંગીતમાં પ્રસૂન જોશીએ લખેલું ‘ચાંદ સિફારિશ જો કરતા હમારી’ તૈયાર કરવામાં આવી રહ્યું હતું.
શાનનું આમિર માટે આ પહેલું ગીત હતું. તેણે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આ ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે આમિરને જચે એવો સ્વર તેનાથી આવતો ન હતો. તેનો અવાજ ઉદીત નારાયણ જેવો આવતો હતો. કદાચ તેનું કારણ એ હતું કે એ આમિરના ગીતો ઉદીતના અવાજમાં વધુ સાંભળી ચૂકયો હતો. એટલે એના પ્રભાવમાં આવી જતો હતો. અને એવો અવાજ નીકળતો હતો. તેણે ઘણી વખત પ્રયત્ન કર્યા ત્યારે બધાંની અપેક્ષા મુજબ આમિર ગાતો હોય એવું ‘ચાંદ સિફારીશ’ ગીત ગાઇ શક્યો હતો. સંગીતકાર જતિન- લલિતની જોડીની આ છેલ્લી ફિલ્મ પણ હતી. બંને આ ફિલ્મ પછી અલગ થવાના હતા. ‘ફના’ ના સંગીત માટે જતિન-લલિતનું ફિલ્મફેરમાં નામાંકન થયું હતું. ફિલ્મના બીજા ગીતો કરતાં શાનનું આ એકમાત્ર ગીત ‘ચાંદ સિફારિશ’ વધુ લોકપ્રિય થયું હતું. આ ગીતથી શાનની કારકિર્દીને લાભ થયો હતો.
જો શાન બીજી એક મોટી ફિલ્મ ‘લગે રહો મુન્નાભાઇ’ નું ‘બોલે તો બોલે’ પણ ગાઇ શક્યો હોત તો એ વર્ષમાં તેની કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા હોત. નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની ‘મુન્નાભાઇ’ સિરીઝની પહેલી ફિલ્મ ‘મુન્નાભાઇ એમબીબીએસ’ (૨૦૦૩) માં વિનોદ રાઠોડ સંજય દત્ત માટે ટાઇટલ ગીત ‘એમ બોલે તો’ માં અવાજ આપી ચૂક્યો હતો. એ ફિલ્મમાં શાને અનુ મલિકના સંગીતમાં ‘સુબહ હો ગઇ મામુ’ ગાયું હતું. વિધુએ ‘લગે રહો મુન્નાભાઇ’ વખતે શાંતનુ મોઇત્રાના સંગીતમાં શાનને ટાઇટલ ગીત માટે પસંદ કર્યો હતો.
સંજય દત્ત માટે ગાવાનું સરળ ન હતું. શાન સંજય જેવા ભારે અવાજમાં ‘બોલે તો બોલે’ ગાવા લાગ્યો. વિધુ તેને સતત અલગ રીતે ગાવા માટે કહેતા રહ્યા. તેમનું કહેવું હતું કે તારો અવાજ સાંભળીને લોકોની આંખ સામે સંજય દત્તનો ચહેરો દેખાવો જોઇએ. શાને એ માટે બહુ પ્રયત્ન કર્યા પણ વિધુની અપેક્ષા મુજબ તે ગીત ગાઇ ના શક્યો એટલે છોડી દીધું. આ ગીત પાછળથી વિનોદ રાઠોડ પાસે વિધુએ ગવડાવ્યું હતું. એને પસંદ કરવામાં આવ્યું હતું. અને એમાં પડદા પર ખરેખર સંજય દત્ત ગાતો હોય એવું લાગે છે. અલબત્ત ફિલ્મના ઓડિયો આલબમ માટે તેનું રિમીક્સ ગીત વિધુએ શાન પાસે જરૂર ગવડાવ્યું હતું. પરંતુ એમાં શાનનો અવાજ બધાંને ઓળખાય એમ નથી.