સસ્પેન્સ ફિલ્મ ‘બીસ સાલ બાદ’ (૧૯૬૨) થી હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરનાર બંગાળી વિશ્વજીતને પહેલી હિન્દી ફિલ્મ ગુરુદત્તની મળી હતી. જેને ઠુકરાવી હતી. વિશ્વજીત શરૂઆતમાં પરિવારના સભ્યોથી ચોરીછુપી અભિનય કરતા હતા પણ એક દિવસ વાત જાહેર થતાં વિરોધને કારણે ઘર છોડવાનું યોગ્ય માન્યું હતું. વિશ્વજીતના પિતા અર્મીમાં ડૉકટર હોવાથી નોકરીને કારણે જુદી જુદી જગ્યાએ જવું પડતું હતું. ભણવામાં બહુ રસ ન હતો. ટેનીસ અને ક્રિકેટ વધુ રમતા હતા. પણ નાટકમાં મન લાગી ગયું હતું. મુંબઇ આવ્યા પછી એમણે પહેલી વખત સત્યમ બોઝના રંગમલ થિયેટરના નાટકમાં માત્ર એક સંવાદ બોલવાનું કામ મેળવ્યું હતું. એ પછી સહાયક ભૂમિકા મળવા લાગી.
સૌથી મહત્વની અને મુશ્કેલ ભૂમિકા બંગાળી નાટક ‘સાહિબ બીવી ગોલામ’ માં મળી. એમાં ‘ભૂતનાથ’ તરીકે કામ મળ્યું હતું. બિમલ મિત્રાના આ નાટક પરથી જાણીતા અભિનેતા ઉત્તમકુમારની મુખ્ય ભૂમિકામાં બંગાળી ફિલ્મ પણ બની રહી હતી. વિશ્વજીત એમની ફિલ્મના સેટ પર જતા અને ઉત્તમકુમાર નાટકના રિહર્સલ વખતે શીખવા આવતા હતા. બંનેએ ભૂમિકા ભજવવા એકબીજાની મદદ લીધી હતી. નાટકોમાં કામ કરતા હતા એ દરમ્યાનમાં એક બંગાળી ફિલ્મમાં નાની ભૂમિકા મળી. પરિવારના સભ્યોને જાણ કર્યા વગર એનું શુટિંગ કરી લીધું હતું. કેમકે પરિવારના લોકો નાટક નહીં ફિલ્મમાં કામ કરવાની વિરુધ્ધમાં હતા. ત્યારે અભિનય અને ગાયનને સન્માનની નજરે જોવાતું ન હતું.
બંગાળી ફિલ્મ રજૂ થયા પછી વિશ્વજીતની એમાંની અંગ્રેજો વિરુધ્ધના એક આતંકવાદીની ભૂમિકા વિશે પરિવારને ખબર પડી ગઇ. એમણે કહ્યું કે તું ફિલ્મોમાં કામ કરશે તો અમારું સન્માન નહીં રહે અને કઝીન બહેનોના લગ્ન થશે નહીં. એ સાથે એમ પણ કહ્યું હતું કે અભિનયમાં મોટા હીરો બનવાનું ખાવાનો ખેલ નથી. વિશ્વજીતે પરિવારને તકલીફ ના પડે એ આશયથી પોતાનો અભિનયનો શોખ પૂરો કરવા અને એક પડકાર ઝીલી લેવા ઘર છોડી દીધું. મુંબઇમાં કેટલાક મિત્રો સાથે રહેવાની વ્યવસ્થા કરી લીધી અને અભિનય માટેના સંઘર્ષમાં એક ટંક ખાઇને ગુજારો કરવાનું શરૂ કરી દીધું. નજીકમાં લીપુદાદા નામના એક વ્યક્તિની રમતગમતની વસ્તુઓની દુકાન હતી.
નાટકોમાં કામ કરતા વિશ્વજીત માટે એમને લાગણી હતી. તે ભોજનની જ નહીં ઘરખર્ચની વ્યવસ્થા પણ કરી આપતા હતા. વિશ્વજીતને બંગાળી ફિલ્મોમાં કામ મળવા લાગ્યું અને હીરો તરીકે લોકપ્રિય થઇ ગયા છતાં નાટકમાં કામ છોડ્યું ન હતું. એક દિવસ ગુરુદત્ત, ગીતા દત્ત વગેરે નાટક જોવા આવ્યા અને મુંબઇ આવવાનું આમંત્રણ આપ્યું. વિશ્વજીત નાટક સિવાયના દિવસે મુંબઇ ગયા. ગુરુદત્તે અબરાર અલ્વીના નિર્દેશનમાં બનતી પોતાની ફિલ્મ ‘સાહિબ બીવી ઔર ગુલામ’ (૧૯૬૨) ના નિર્માણની વાત કરી અને વિશ્વજીતને હીરો ‘ભૂતનાથ’ ની ભૂમિકા ભજવવા કહ્યું. વિશ્વજીતે વિચાર કરીને જવાબ આપવા કહ્યું.
લાંબો વિચાર કરી જાણકારોની સલાહ પછી વિશ્વજીતે એ ફિલ્મ કરવાની ના પાડી દીધી. કેમકે ગુરુદત્ત એક ખાસ કરારમાં બાંધવા માગતા હતા. જે કારકિર્દીની શરૂઆતમાં મંજુર ન હતું. પછીથી ‘ભૂતનાથ’ ની ભૂમિકા ખુદ ગુરુદત્તે ભજવી હતી. એ પછી નાટક ભજવતી વખતે હેમંતકુમાર આવ્યા અને ‘બીસ સાલ બાદ’ ઓફર કરી. વિશ્વજીતે પહેલાં તો ના પાડી પણ જ્યારે નાટકના નિર્માતાએ જાણ્યું ત્યારે એમણે પોતાનો કરાર ફાડી નાખી એ ફિલ્મ કરવા વિશ્વજીતને પ્રોત્સાહન આપ્યું હતું. બોલિવૂડમાં ‘બીસ સાલ બાદ’ એટલી મોટી સફળ રહી કે વર્ષો સુધી વિશ્વજીતે પાછું વળીને જોવું પડ્યું નહીં.