વિદેશી હીરો ‘દિલવાલે દુલ્હનિયા…’ લઈ જવાનો હતો

નિર્દેશક આદિત્ય ચોપડાની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ (૧૯૯૫) ની વાર્તા પહેલાં યશ ચોપડાને ખાસ પસંદ આવી ન હતી. આદિત્યએ પહેલાં ‘મોહબ્બતેં’ (2000) ની વાર્તા લખી હતી. પરંતુ કોઈ કારણથી એને બાજુમાં રાખી એક નવો વિચાર મળતા ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની વાર્તા લખવાનું શરૂ કર્યું હતું. આદિત્યએ મમ્મી પામેલાને વાર્તા સંભળાવી ત્યારે એમને બહુ પસંદ આવી હતી. પરંતુ પિતા યશજીને ઠીક લાગી હતી. એમણે સ્ક્રિપ્ટ પર વધારે મહેનત કરવા કહ્યું હતું. આદિત્યએ સુધારા – વધારા કરીને એના પર કામ કરી સ્ક્રિપ્ટ તૈયાર કરી. એના અભિપ્રાય માટે જ્યારે યશરાજ ફિલ્મ્સના અંગત લોકો સંવાદ લેખક, કેમેરામેન વગેરેની ઉપસ્થિતિમાં એને વાંચવામાં આવી ત્યારે કોઈને ખાસ ગમી ન હતી. આદિત્યએ વાર્તા પર ફરી મહેનત કરી. આખરે યશજીને સંતોષ થયો ત્યારે લીલી ઝંડી બતાવી.

ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે એની વાર્તાને આધારે વિચાર કરવામાં આવ્યો. એમાં એક વિદેશી યુવાન અને ભારતીય યુવતીના મિલનની વાત હતી. આદિત્યએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના હીરો તરીકે ટોમ ક્રૂઝનો વિચાર કર્યો હતો. હીરોઈન તરીકે ભારતીય છોકરી જ લેવાના હતા. પરંતુ યશજીએ કહ્યું કે આપણે ભારતીય ફિલ્મ બનાવીએ અને ભારતીય કલાકારોને જ લઈએ. એ દ્વારા જ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તર પર પહોંચાડીએ. અને બીજા કેટલાક નામ પછી હીરો તરીકે શાહરૂખ ખાનનો વિચાર કરવામાં આવ્યો. શાહરૂખ યશજીની ‘ડર’ (૧૯૯૩) માં કામ કરી ચૂક્યો હતો.

શાહરૂખે જલદી હા પાડી ન હતી. એણે આદિત્યને કહ્યું હતું કે મારી એન્ટીહીરો તરીકેની ફિલ્મો આવી છે અને સફળ રહી છે. જો હું આ ચોકલેટી રોમેન્ટિક હીરોની ભૂમિકા કરીશ તો મારી ઇમેજ ના આ બાજુની કે ના પેલી બાજુની રહેશે. આદિત્યએ સમજાવ્યું કે જ્યાં સુધી અભિનેતા રોમાન્સ પર હાવી ના થઈ જાય ત્યાં સુધી તે સુપરસ્ટાર બની શકતો નથી. આ ફિલ્મથી દરેક મા અને પિતા એમ વિચારશે કે મારો પુત્ર શાહરૂખ જેવો હોય, દરેક છોકરી એમ ઇચ્છશે કે મારો પ્રેમી શાહરૂખ જેવો હોય. આદિત્યની વાતમાં દમ લાગ્યા પછી શાહરૂખ કામ કરવા તૈયાર થઈ ગયો હતો. કાજોલે વાર્તા સાંભળીને તરત જ હામી ભરી દીધી હતી. સંગીતકાર તરીકે જતિન- લલિતની પસંદગી થઈ હતી. આશા ભોંસલેની ભલામણથી ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ મળી હોવાનું લલિતે યુટ્યુબ પરની પોતાની ચેનલ પર જણાવ્યું છે.

આર. ડી. બર્મનના અવસાન પછી જતિન- લલિત એમના સંગીત રૂમમાં ગયા ત્યારે આશાજી સાથે મુલાકાત થઈ હતી. આશાજીએ પૂછ્યું કે તમે આટલું સારું સંગીત આપી રહ્યા છો છતાં મોટી ફિલ્મો કેમ મળતી નથી? ત્યારે જતિન- લલિતે કહ્યું કે અમે એવા પ્રકારના લોકો નથી કે નિર્માતાઓની ઓફિસ પર જઈને કામ માંગીએ. માત્ર કામ સારું કરવામાં માનીએ છીએ. આશાજીએ તરત જ પામેલા ચોપડાને ફોન કર્યો અને યશજી સાથે મુલાકાત ગોઠવી આપી. એક કલાક માટે યશજી અને એમના પરિવાર સાથે જતિન- લલિતની બેઠક હતી. એ ત્રણ કલાક સુધી ચાલી. એમણે ફિલ્મ વિશે વાત કરી પણ કઈ છે એ જણાવ્યું ન હતું. જતિન- લલિતને એમની ફિલ્મમાં લેશે એમ પણ કહ્યું ન હતું. બેઠક સારી રહી હતી. થોડા દિવસ પછી જતિન- લલિતને તાત્કાલિક યશરાજ ફિલ્મ્સની ઓફિસ પર બોલાવ્યા. બંને પોતાનું રેકોર્ડિંગ બંધ કરીને એમને મળવા પહોંચી ગયા. આદિત્યએ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે એમને લઈ રહ્યા હોવાની વાત કરી. બીજા દિવસે એમની સાથે કરાર પણ કરી લીધો. ત્યારે જતિન- લલિતને કલ્પના ન હતી કે ફિલ્મનું સંગીત કેટલું બધું લોકપ્રિય નીવડવાનું છે.