ચોમાસાની ઋતુમાં થોડા વરસાદ સાથે જ જંગલ જાણે સોળે કળાએ ખીલી ઊઠે છે. આ સમયમાં વનસ્પતિ અને વૃક્ષોની સાથે અનેક નાના-મોટા જીવજંતુઓ પણ ખુબજ સક્રિય બની જાય છે. કેટલાંક જીવજંતુઓ માટે ચોમાસુ વંશ વૃદ્ધિની ઋતુ હોય છે, જેના કારણે તેઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.
વંશ વૃદ્ધિ કરતા આ કીટકો-જીવજંતુઓ વિવિધ પક્ષીઓ માટે પણ સરળતાથી આહાર ઉપલબ્ધ કરાવે છે. આવા કીટકો પર નિર્ભર પક્ષીઓ પણ આ સમયમાં માળા બનાવી તેમની વંશ વૃદ્ધિ કરે છે.
આ રીતે ચોમાસુ માત્ર વનસ્પતિ માટે જ નહીં, પણ જીવજંતુઓ, કીટકો, સરિસૃપો અને પક્ષીઓ માટે પણ ભોજનની વિશાળ ઉપલબ્ધતાના કારણે વંશવૃદ્ધિ માટે અનુકૂળ ઋતુ બની રહે છે.
ચોમાસામાં કીટક અને જીવજંતુઓના બાહુલ્યને કારણે મેક્રો ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ ઉત્તમ તકો મળી રહે છે.
ગુજરાતમાં ગીરના જંગલોમાં વૃક્ષો પર નિર્ભર જીવજંતુઓ અને વેળાવદરના બ્લેકબક નેશનલ પાર્કમાં ઘાસ પર નિર્ભર કીટકોની મેક્રો ફોટોગ્રાફી એક અલગ અનુભવની સાથે અનોખી મજા આપે છે.
