રામ કપૂરની વાત પર કાળઝાળ થઈ એકતા કપૂર, લગાવી ફટકાર

મુંબઈ: એકતા કપૂરે હાલમાં જ તેના શો વિશે ખોટી માહિતી ફેલાવનારાઓને ઠપકો આપ્યો છે. એકતાએ આ માટે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે કોઈનું નામ લીધા વિના કહ્યું હતું કે, ‘મારા શો વિશે ઈન્ટરવ્યુ આપતા નોન-પ્રોફેશનલ કલાકારોએ ચૂપ રહેવું જોઈએ. જ્યાં સુધી હું તેના વિશે બોલું નહીં ત્યાં સુધી ખોટી માહિતી અને વિકૃત વાર્તાઓ ચાલુ રહેશે, પણ જોકે,મૌનમાં ગૌરવ છે.

રસપ્રદ વાત એ છે કે એકતાની આ પોસ્ટ રામ કપૂરના ઈન્ટરવ્યુના એક દિવસ બાદ આવી છે. હાલમાં જ રામ કપૂરે પોતાના શો ‘બડે અચ્છે લગતે હૈં’ વિશે ખુલીને વાત કરી હતી. આ શોને એકતાએ પ્રોડ્યુસ કર્યો હતો. રામે શો દરમિયાન સાક્ષી તંવર સાથેની તેની ઓન-સ્ક્રીન ચુંબન વિશે ખુલાસો કર્યો અને યાદ કર્યું કે કેવી રીતે તેને પ્રેક્ષકો તરફથી પ્રચંડ પ્રતિસાદ મળ્યો.

રામ કપૂરે ખુલાસો કર્યો હતો કે એકતાએ બોલ્ડ સીન સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું, તેમ છતાં તેણે તેના વિશે પોતાનો વાંધો વ્યક્ત કર્યો હતો. રામ કપૂરે સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘એક્ટર તરીકે મારું કામ મારું કામ કરવાનું છે. મારે કોઈને સમજાવવાની જરૂર નથી. મારું કામ સ્ક્રિપ્ટને અનુસરવાનું છે. હું કેવી રીતે કહી શકું કે હું આ કરી શકતો નથી, તો પછી હું મુખ્ય અભિનેતા નથી. તેથી મેં કંઈ ખોટું કર્યું નથી.’

એકતાએ પોતે આ સીન લખ્યો હતો, તે ઈચ્છતી હતી કે અમે આ સીન કરીએ. મેં એકતાને કહ્યું, ‘શું તને આ વિશે સંપૂર્ણ ખાતરી છે? ટેલિવિઝનમાં આ પહેલા ક્યારેય બન્યું નથી, તે ટેલિવિઝન પર પ્રથમ ચુંબન હતું, જે મોટી વાત છે. ત્રણ પેઢીઓ એકસાથે આ શો જુએ છે.’

પરંતુ એકતાને વિશ્વાસ હતો કે તેણે તે કરવું જ પડશે. મેં કહ્યું, ઠીક છે, હું પહેલા મારી પત્ની પાસેથી ગ્રીન સિગ્નલ મેળવીશ. પછી મેં સાક્ષીને કહ્યું, હું એકતાને હું સંભાળી લઈશ, જો તમને કોઈ સમસ્યા હોય તો મને કહે.’ તમને જણાવી દઈએ કે રામ કપૂર અને સાક્ષી તંવરનો શો ‘બડે અચ્છે લગતે હૈં’ 2011માં પ્રીમિયર થયો હતો.

આ શોમાં રામ કપૂર અને સાક્ષી તંવરે રામ અને પ્રિયાની ભૂમિકા ભજવી હતી. તેમની કેમિસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી અને શો હિટ બન્યો. શોની બીજી સીઝનમાં રામ અને સાક્ષીને બદલે નકુલ મહેતા અને દિશા પરમારને લેવામાં આવ્યા હતા. પરંતુ આજે પણ રામ કપૂર આ પાત્રથી જ ઓળખાય છે. આ ટીવી જગતનો સૌથી સુપરહિટ શો રહ્યો છે.