100 ગ્રામ નહીં, સવા મણના સવાલો!

લાગે છે ફિલ્મી, પણ વાત વાસ્તવિક છે. કુશ્તીબાજ વિનેશ ફોગટના સંઘર્ષ પરથી ફિલ્મ બની, હીટ ગઇ અને એ પછી ય ફિલ્મીઢબે બનતી ઘટનાઓ હજુ એનો પીછો છોડતી નથી. ખૂબ મહનત કરી, સંઘર્ષો સામે ઝઝૂમી. એના પરથી બનેલી ફિલ્મે એને વધારે પ્રસિધ્ધિ અપાવી. એના કરતાં ય વધારે ચર્ચામાં આવી એ મહિલા રમતવીરોના થતા શોષણના મુદ્દે સત્તા સામે સંઘર્ષમાં ઉતરી ત્યારે. અહીંથી પછડાયા પછી એ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલના દરવાજે દસ્તક દઇને ફરી દેશભરમાં છવાઇ ગઇ. અને, ફક્ત ચોવીસ જ કલાકમાં બાજી બદલાઇ ગઇ. એકસો ગ્રામ વજનના મુદ્દે સ્પર્ધામાંથી બહાર અને હતાશા સાથે ખેલમાંથી નિવૃત્તિની જાહેરાત. એક મહિલા એથલીટના જીવનમાં આનાથી વધારે નાટ્યાત્મકતા બીજી કેવી હોય?
વેલ, બે દિવસથી વિનેશ ચર્ચામાં છવાયેલી છે. હજુ ય રહેશે. બધા જ પ્રકારના અભિપ્રાયો અને થિયરીઓ બધી દિશાઓમાંથી ફેંકાઇ રહી છે, પરંતુ આખા ય ઘટનાક્રમને બધી દિશાએથી ફંફોસ્યા પછી પણ અમુક મુદ્દાઓ એવા છે, જે ચર્ચા માગી લે છે.

એકઃ વિનેશ ફોગટને ફાઇનલમાંથી બહાર મૂકવાના મામલે નિયમો કે ઓલિમ્પિક સત્તાવાળાઓ સામે સવાલ ઉઠાવવાનો મતલબ નથી. નિયમ એ નિયમ છે અને એ કોઇપણને લાગુ પડે જ. 50 કિલોગ્રામની સ્પર્ધામાં વજન વધારે ન હોવું જોઇએ તો ન જ હોવું જોઇએ. પછી એ ‘વધારો’ એકસો ગ્રામનો હોય કે એક હજાર ગ્રામનો. એનાથી ફરક ન જ પડે. તો પછી શા માટે નિયમ સામે સવાલો ઉઠાવવામાં આવે છે?

બેઃ સવાલ એ છે કે, હજુ આગલા દિવસે જ વિનેશ ત્રણ રાઉન્ડ જીતી હતી. એ દિવસે એનું વજન 49.9 કિલોગ્રામ હતું. કુશ્તીમાં આંતરરાષ્ટ્રીયસ્તરે અપરાજિત પહેલવાન યુઇ સુસાકીને પછાડનારી વિનેશ બીજે દિવસે રમાનારી ફાઇનલમાં વજનના નિયમને લઇને અજાણ‌ ન હોય એ શક્ય નથી. એની સપોર્ટ ટીમ કે ઇન્ડિયન ઓલિમ્પિક સંઘ પણ આ નિયમોથી અજાણ હોય એ શક્ય નથી તો પછી ચોવીસ કલાકમાં એનું વજન એટલું કેમ વધવા દેવાયું કે સ્પર્ધાના દિવસે એ કંટ્રોલ ન થઇ શકે? સવાલ વિનેશના ડાયેટિશ્યન-ન્યુટ્રીશનિસ્ટ અને સપોર્ટ ટીમ સામે પણ થવા જોઇએ.

ત્રણઃ કેટલાક અહેવાલો એવું કહે છે કે, વિનેશની પસંદગી 53 કિલોગ્રામ વજનની શ્રેણી હતી. જો આ સાચું હોય તો એ 50 કિલોગ્રામની શ્રેણીની સ્પર્ધામાં કેમ ઉતરી? આ એની પસંદગી હતી કે મજબૂરી? આ નિર્ણય એનો હતો કે ભારતીય કુશ્તી સંઘનો? જો એ 53 કિલોગ્રામની શ્રેણીમાં વધારે કમ્ફર્ટેબલ હોય તો તેણે 50 કિલોગ્રામની શ્રેણીમાં ભાગ લેવો જ ન જોઇએ.

ચારઃ વિનેશના મુદ્દે કેન્દ્રિય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આપેલા નિવેદનમાં વિનેશ માટે સરકારે આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાત સહાયકો, પર્સનલ આસિસ્ટન્ટ સહિત તાલીમ-પ્રશિક્ષણ માટે રૂપિયા 70.45 લાખ ખર્ચ્યા હોવાનો ઉલ્લેખ હતો. સરકાર એક રમતવીર માટે કેટલા રૂપિયા ખર્ચે છે એ મહત્વનું નથી, હોવું ન જ જોઇએ. પણ અહીં સવાલ એ થાય છે કે, આટલી મોંઘીદાટ ફી ચૂકવ્યા પછી ય આ નિષ્ણાતો અને વિનેશની સપોર્ટ ટીમ વજનની વાતનું ધ્યાન કેમ ન રાખી શકી? આવી સ્પર્ધાઓમાં એથલીટ્સ સાથે સરકારી ખર્ચે પરદેશ ફરતી સપોર્ટ-મેનેજમેન્ટ ટીમની જવાબદેહી પણ નક્કી થવી જોઇએ કે નહીં? મોટાભાગે આ ટીમમાં એસોસિએશનના હોદ્દેદારો અને એમના લાગતાવળગતા મળતિયાઓ જ ઘૂસેલા હોય છે અને સરકારી ખર્ચે પરદેશમાં મોજમજા કરતા હોય છે.

પાંચઃ વિનેશ ફોગટનો મુદ્દો વધારે ઉગ્રતાથી ચર્ચાવાનું એક કારણ એનું મહિલા પહેલવાનોના શોષણના મામલે સ્ટેન્ડ છે. કુશ્તી સંઘના બ્રીજભૂષણની ‘પહેલવાનગિરી’ સામે જે રમતવીરો ‘અખાડામાં’ ઉતર્યા એમાં વિનેશ મોખરે હતી. સરવાળે, ભારતમાં જે થાય છે એ જ થયું. સરકાર તરફી અને સરકાર વિરોધી લોબી પહેલવાનોને લઇને સામસામે આવી ગઇ. વિનેશ એક લોબી માટે હીરો હતી તો બીજી માટે વિલન. આ જ વિનેશ 6 ઓગસ્ટના રોજ ત્રણ હરીફોને પછાડીને ફાઇનલમાં આવી એટલે વિનેશ તરફી લોબીને મોકો મળી ગયો, સરકાર તરફી લોબીને સંભળાવવાનો. બસ, વિનેશ બાજુમાં રહી ગઇ અને આ બન્ને લોબી ઓનલાઇન કુશ્તીમાં એકબીજાને પછાડવામાં લાગી ગઇ!

સરવાળે, આખાય ઘટનાક્રમમાં સત્ય શું છે એ શોધવાનું રહી ગયું. હતાશામાં ડૂબેલી વિનેશે હવે નિવૃત્તિની જાહેરાત કર્યા પછી તમે એના ગમે એટલા વખાણ કરો, આશ્વાસનની ફિલોસોફીઓ ફટકારો કે એનું સમ્માન કરો, પણ વિનેશે ભોગવેલી પીડાનો ઘાવ ક્યારેય રૂઝાવાનો નથી.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)