નાટુ નાટુ.. નાચો નાચો! ઓસ્કરમય ભારતમાં તમારું સ્વાગત છે. આરઆરઆરના આ ગીત અને તામિલ શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ને ઓસ્કર મળ્યા પછી આખું ભારત નાટુ નાટુ કરી રહ્યું છે. હક છે ભારતીયોને સેલિબ્રેટ કરવાનો, કેમ કે આ એ સમય છે, જ્યારે દુનિયા આખી ભારતના આ સોફ્ટ પાવરને જોઇ રહી છે. મિલિટરી એટલે કે લશ્કરી પાવર અને આર્થિક પાવર પછી આ સોફ્ટ પાવર જ છે, જેની આગળ દુનિયા ઝૂકે છે. જરૂર છે ફક્ત મજબૂત સ્ટોરી-ટેલિંગની અને એને વૈશ્વિક ઓડિયન્સ સમક્ષ રજૂ કરી શકે એવી સર્જકસહજ સંવેદનાની.
આ જ સંદર્ભમાં આજે બે વાત કરવી છે.
એકઃ ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ની સ્ટોરી જૂઓ. વાત દક્ષિણ ભારતના મુદુમલાઇ નેશનલ પાર્કમાં બોમાન અને બેલી નામના ટ્રાઇબલ કપલના એક બાળ હાથી પ્રત્યેના ગાઢ પ્રેમ અને માનવસહજ સંવેદનાની છે. એમાં નેચર સાથે સંતુલન સાધીને જીવવાની ભારતીય જીવનશૈલીનો સંદેશ પણ છે. વાત આટલી જ છે, પણ દિગ્દર્શક કાર્તિકી ગોન્સાલ્વિસે ચાલીસ મિનીટમાં એને કેવી અદભૂત રીતે રજૂ કરી છે!
હા, ભારતીય કથા-સાહિત્યમાં આ કાંઇ પહેલી કે નવી સ્ટોરી નથી. અરે, ‘સચ્ચા જૂઠા’ અને ‘હાથી મેરે સાથી’ જેવી મનોરંજક હિન્દી ફિલ્મોની સાથે નેશનલ એવોર્ડ વિજેતા ‘ચિલ્લર પાર્ટી’ અને ‘777 ચાર્લી’ જેવી અનેક ફિલ્મોમાં માણસ અને જાનવર વચ્ચેના પરસ્પર પ્રેમની વાતો કહેવાઇ ચૂકી છે, ફિલ્મો જ નહીં, સાહિત્યમાં પણ અનેક કૃતિઓમાં આ વાત કહેવાઇ છે.
દૂર જવાની જરૂર નથી. આપણી જ ભાષાના સુપ્રસિધ્ધ સર્જક ધૂમકેતુની અત્યંત જાણીતી વાર્તા જુમો ભિસ્તી યાદ છે? વાર્તાકાર અને વડીલ મિત્ર કિરીટ દૂધાત આ વાર્તા યાદ કરાવે છેઃ આણંદપુર ગામમાં અવારનવાર જીવનની તડકી-છાંયડી જોઇને છેવટે ઝૂંપડામાં ઠરીઠામ થયેલો જુમો ભિસ્તી એના વેણુ નામના પાડા સાથે ખુશ છે. બન્ને વચ્ચેનો લાગણીનો સંબંધ એટલે ગાઢ છે કે આંખોથી જ એકબીજાની વાત સમજી જાય છે. એક દિવસ વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઇ જાય છે. સામેથી ગાડી આવે છે. જુમો ફાટક બંધ કરાવવા અને પાડાનો પગ બહાર ખેંચવાના તમામ નિષ્ફળ હવાતિયાં માર્યા પછી એને વળગીને પોતે જ પાટા પર સૂઉ જાય છે. ગાડી નજીક આવે છે. વેણુ પોતાના માલિકને બચાવવા છેલ્લીઘડીએ એને જોરદાર ધક્કો મારીને પાટાની બહાર ધકેલી છે. ટ્રેન વેણુ પર ફરી વળે છે અને જુમાના વસ્ત્રો લોહીના ફૂવારાથી લથબથ થઇ જાય છે… એ પછી પણ જુમો ભિસ્તી રોજ સવારે મૂંગો મૂંગો ફૂલ લઇને અહીં આવે છે. એક પથ્થર પર એ ફૂલ મૂકે છે અને ત્રણ વખત વેણુ…વેણુ…વેણુ… એમ બૂમ પાડીને ચાલ્યો જાય છે…. મૂગા જાનવર અને માલિક વચ્ચેના જબરદસ્ત બોન્ડિંગને ધૂમકેતુએ અદભૂત રીતે વાર્તામાં વણી લીધું છે.
અને, આવી કથાઓથી તો ભારતીય સાહિત્ય ભર્યું પડ્યું છે. જરૂર છે એની યોગ્ય માવજત કરીને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની.
આ માટે જોઇએ ગુનીત મોંગા અને કાર્તિકી ગોન્સાલ્વિસ જેવા સર્જકો, જે ભારતના વૈવિધ્યસભર કથાના ખજાનામાંથી આવી વાતોને કલાત્મક રીતે બખૂબી રજૂ કરી શકે.
બેઃ બાય ધ વે, ‘ધ એલિફન્ટ વ્હીસ્પરર્સ’ પછી જેના નામની દુનિયામાં બોલબાલા છે એ એની નિર્માત્રી ગુનીત મોંગાની પોતાની સ્ટોરી પણ કોઇપણના હ્દય હચમચાવી દે એવી છે. 39 વર્ષની ગુનીતમાં બોમાન અને બેલીના રાજુ નામના હાથી પ્રત્યેના પ્રેમને સમજી શકવાની અને એને કચકડે કંડારવાની સંવેદના ક્યાંથી આવી એનો જવાબ પણ કદાચ એની ખુદની સ્ટોરીમાંથી મળે છે.
દિલ્હીના મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલી ગુનીતે બાળપણથી ફક્ત સંઘર્ષ જ જોયો છે. માતા-પિતાનો એક સ્વતંત્ર અસ્તિત્વ માટેનો સંઘર્ષ. સંયુક્ત પરિવારમાં ફક્ત એક રૂમમાં એ રહેતા. સંપત્તિને લઇને પરિવારમાં ચાલતા ઝઘડા ગુનીતે નાનપણમાં જોયેલા. એકવાર તો એની માતાને પરિવારજનોએ જ જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કરેલો, પણ એના પિતાએ છેલ્લી ઘડીએ પોલિસની મદદથી એમને બચાવી લીધા. એ પછી ગુનીત અને એના માતા-પિતા ત્યાંથી નાસી છૂટ્યા.
ગુનીતની માતાનું એ પછી એક સપનું હતુઃ ત્રણ બેડરૂમનો ફ્લેટ. એ પણ ગ્રાઉન્ડ ફ્લોર પર હોય અને ત્રણ પગથિયા ચડીને સીધા ફ્લેટના દરવાજે પહોંચી શકાય એવો. માતાની આંખોમાં રમતા આ સપનાને જોઇ રહેલી ગુનીતે 16 વર્ષની વયે ભણવાની સાથે સાથે શેરીઓમાં ચીઝ વેચ્યું. પીવીઆરમાં જઇને એનાઉન્સર તરીકે કામ કર્યું. ડીજે અને એન્કર પણ બની. જે કામ હાથમાં આવ્યું એ કર્યું. કોલેજ પછી મુંબઇ આવી. ક્રાઉડ ફંડિગથી ફિલ્મ મેકીંગ શીખી.
થોડાક સમય પછી બચતમાંથી એક ફ્લેટ બુક કરાવ્યો, પણ વિધિની વક્રતા જૂઓ. એ ફ્લેટનું કામ પૂરું થાય એ પહેલાં છ જ મહિનાના સમયગાળામાં ગુનીતની માતાને કેન્સર થયું અને પિતાની કિડની ફેઇલ થઇ. બન્નેને ગુમાવ્યા. જે પિતાએ ગુનીતને સ્કૂલમાં સ્ટડી ટૂરમાં પરદેશ મોકલવા પોતાનું સોનાનું કડું વેચી નાખ્યું હતું એ પિતા હવે ગુનીતનો ફ્લેટ જોવા હયાત નહોતા.
ગુનીત ઇચ્છતી હતી કે, એની સફળતા જોઇને એના માતા-પિતા એને ‘યુ ડીડ વેલ’ કહે. એની પીઠ થાબડીને ‘વી આર પ્રાઉડ’ એમ કહે…
પણ અફસોસ! આજે આખું ભારત ગુનીત માટે પ્રાઉડ ફીલ કરે છે, પણ ગુનીત જેમની પાસેથી આ સાંભળવા માગે છે એ આ દુનિયામાં નથી!
(લેખક ચિત્રલેખા.કોમ ના એડિટર છે.)