કોલોરાડોથી ‘કેપિટોલ હીલ’ જશે જનકભાઇ?

દેશમાં ચૂંટણી પતી ગઇ છે. નવી સરકાર ય બની ગઇ છે. ખાધું-પીધું ને રાજ કર્યું જેવી સ્થિતિ છે હમણાં એટલે એક નજર હવે અમેરિકાની ચૂંટણી પર નાખીએ. આમેય, આપણી ગુજરાતીઓની અમેરિકા પર બાજનજર તો કાયમ હોય જ છે એટલે અમેરિકાની કોઇપણ વાતમાં આપણને રસ પડવાનો જ પડવાનો.

આજે રસ પડવાનું અને વાત કરવાનું કારણ ય છે. કારણ એ છે કે, આ વખતની ચૂંટણીમાં અમેરિકન કોંગ્રેસ (આપણી લોકસભા જેવું ગૃહ) માટે કોલોરાડો સ્ટેટમાંથી એક ગુજરાતી, નામે ડો. જનક જોષી ચૂંટણી લડી રહ્યા છે. 25 મી જૂને યોજાનારી પ્રાઇમરીમાં જનકભાઇનો કોંગ્રેસ માટેનો પથ નક્કી થશે. અમેરિકામાં આ વખતે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોમોક્રેટીક પક્ષના જો બાઇડન વચ્ચે પ્રમુખપદ માટે જંગ ખેલાઇ રહ્યો છે એ તો તમે જાણો જ છો. આપણા જનકભાઇ વર્ષોથી રિપબ્લિકન પક્ષના સભ્ય છે અને ગયા માર્ચ મહિનામાં જ એમને કોંગ્રેસનલ એસેમ્બલીમાં રિપબ્લિકન બેલેટ માટે જરૂરી મતો મળી ચૂક્યા છે.

જનકભાઇ કહે છે એમ, રાજકારણ અને કરન્ટ અફેર્સમાં એમને નાનપણથી રસ. એમના પિતાજી અમદાવાદની ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલમાં શિક્ષક હતા. પરિવારમાં ભાઇઓ પણ શિક્ષક અને બહેન પણ ટિચીંગનું ભણેલી એટલે આખા પરિવારમાં માહોલ વાંચવા-વિચારવાનો. ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલ અને ભવન્સ કોલેજમાં ભણ્યા પછી જનકભાઇએ એનએચએલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવી.

દેશ-દુનિયામાં બનતા બનાવો વિશે જાણવાનો એમનો રસ અને ઉત્કંઠા એટલી પ્રબળ કે, સ્કૂલ-કોલેજ જતી-આવતી વખતે એ દાદાભાઇ નવરોજી લાઇબ્રેરીમાં અચૂક રોકાય. ગણિત-વિજ્ઞાનના વિષયોમાં હોંશિયાર એટલે મેડિકલમાં પ્રવેશ લીધો, પણ નવું નવું જાણવાનો ચસકો એમનો આજેય અકબંધ છે. 1972માં ફેલોશિપ સાથે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા અને અમેરિકામાં જ સ્થાયી થયા એને આજે બાવન વર્ષ થયાં, પણ પત્નિ અંજના સાથે એ દુનિયાના સાતેય ખંડમાં એકસોથી વધારે દેશોમાં ફરી ચૂક્યા છે. પ્રવાસ, ગાર્ડનિંગ અને વાંચન એ ત્રણ એમના શોખ.

ચોથો રસ એમનો રાજકારણ. ‘70ના દાયકામાં એ અમેરિકા ગયા, ભણીગણીને અહીં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરી ત્યારે અમેરિકાની આંતરિક હાલત બહુ સારી નહોતી. વિયોતનામ યુધ્ધ હજુ માંડ પૂરું થયેલું ને નિક્સને રાજીનામું આપેલું. બેંકના વ્યાજદરો ઊંચા હતા અને અર્થતંત્રની હાલત બહુ સારી નહોતી. આ માહોલમાં 1982માં અમેરિકન સિટિઝનશીપ મેળવ્યા પછી એમણે સ્થાનિક રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું અને રિપબ્લિકન પક્ષમાં સક્રિય થયા.

1995માં એ પહેલીવાર કોલોરાડો સ્પ્રિંગ્સ સિટી કાઉન્સિલ માટે ચૂંટણી લડ્યા એમાં જીતી ન શક્યા, પણ સ્થાનિક લોકોમાં એમની ઓળખ બની કે, આ માણસ સામાન્ય લોકો માટે વિચારે છે. એમના પર ટેક્સનું ભારણ ન આવે એ માટે એ લડે એવા છે. પોતાની પૂરી રાજકીય કારકિર્દીમાં જનકભાઇ મધ્યમવર્ગ માટે હંમેશા લડતા આવ્યા છે અને એ જ એમની ઓળખ બની છે. વધારે પડતા ટેક્સિસ, વધારે મોટી સરકાર અને વધારે પડતા સરકારી નિયંત્રણો- જનકભાઇ આ ‘વધારા’ સામે કાયમ લડતા રહ્યા છે.

2008માં, ત્રીસ વર્ષની કિડની સ્પેશ્યાલિસ્ટ તરીકેની ધીખતી પ્રેક્ટીસમાંથી નિવૃત્તિ લીધી પછી આ લડત માટે એમને વધારે સમય મળ્યો એટલે આપણે ત્યાં જેમ રાજ્યમાં વિધાનસભા હોય છે એમ કોલોરાડો હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટીવ્સની ચૂંટણી લડીને કોલોરાડો ગૃહમાં ચૂંટાનારા સૌ પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા. કોલોરાડોમાં ગાંધીનું સમ્માન કરવાની પહેલ પણ એમની જ હતી. એ પછી તો બીજી બે ટર્મ માટે એ ચૂંટાયા.

અને અમેરિકન જાહરેજીવનનું આ ભાથું લઇને હવે જનકભાઇએ વોશિંગ્ટન (DC)ની અમેરિકન કોંગ્રેસભણી દોટ મૂકી છે. સ્થાનિક રિપબ્લિકન્સમાં પાયાના કાર્યકર તરીકેની એમની ઓળખ છે. મધ્યમવર્ગીય અમેરિકનો, સ્થાનિક ભારતીય સમુદાય અને હિન્દુ-અમેરિકન પોલિટીકલ એક્શન કમિટી એમને મદદ કરી રહી છે. સ્થાનિક ભારતીયો એમને ફંડ ભેગું કરવાથી માંડીને ટેલિફોનિક કેમ્પેઇનમાં પણ મદદ કરી રહ્યા છે.

એ વાત પણ નોંધવા જેવી છે કે, અમેરિકામાં વસતા મોટાભાગના ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. ભાજપની જમણેરી વિચારધારાના સમર્થક છે, પણ વાત જ્યારે અમેરિકન પ્રમુખની ચૂંટણીની હોય ત્યારે એમાંથી એક બહુ મોટો વર્ગ જમણેરી વિચારધારાની રિપબ્લિકન પાર્ટીના બદલે લિબરલ ગણાતા ડેમોક્રેટીક પક્ષને મત આપે છે!

જનકભાઇના મતે, અમેરિકામાં વસતા લગભગ ચાર મિલિયન ભારતીયોમાંથી ઘણા લોકો અમેરિકન સિસ્ટમમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. ભારતીય બિઝનેસ કમ્યુનિટીનો એક પ્રભાવ છે અમેરિકામાં. આ સંજોગોમાં, ભારત-અમેરિકા વચ્ચે હજુપણ મજબૂત આર્થિક સંબંધોને ઘણો અવકાશ છે. વળી, ચાઇના જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બન્ન દેશો વચ્ચે મિલિટરી સહયોગ પણ વધી શકે છે. ભારતમાં તો નવી સરકાર બની ગઇ. હવે અમેરિકામાં આ વર્ષના અંતમાં નવી સરકાર બને એ પછી આ સંબંધો કેવો વળાંક લે છે એ જોવાનું રહેશે.

હા, જો એ કોંગ્રેસમાં ચૂંટાઇને આવશે તો બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને એ દિશામાં બનતા તમામ પ્રયત્નો કરશે, પણ એનો આધાર હજુ પ્રાઇમરી અને એ પછી જનરલ ઇલેક્શન પર છે. જનકભાઇ જો બન્ને પડાવ પાર કરીને વોશિંગ્ટન (DC) ના ‘કેપિટોલ હીલ’ સુધી પહોંચે છે તો સંભવતઃ પહેલા ગુજરાતી હશે.

વિડીયો માટે અહીં ક્લિક કરો…

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)


(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)