દિવાળી આવી પાછી જાય અમે તો ઝળહળવાના રે,
પ્રગટાવો દીવા ચારેકોર અમે તો ઝળહળવાનાં રે,
બે અઠવાડીયા વીતી ગયા છતાં અમેરિકામાં દિવાળી અને તેનું સેલિબ્રેશન ચાલુ છે. આ વિકેન્ડમાં ડેલાવર સ્ટેટમાં ગુજરાતી સમાજ અને અહી નવો ઉભરતો વૈષ્ણવ સમાજે ભેગા મળીને અન્નકુટની ઉજવણી કરી, વૈષ્ણવ ભક્તો ઉપરાંત બીજા ઘણા ગુજરાતીઓ ભેગા મળીને આ ઉત્સવ ઉજવ્યો હતો.
અમેરિકામાં ડેલાવર સ્ટેટમાં વૈષ્ણવ સંપ્રદાય સમાજ છેલ્લા કેટલાય વખતથી એક નાનો હોલ રાખી દર મહીને શ્રીજી બાવાની પૂજા પાઠ વગેરે કરે છે. વૈષ્ણવ સમાજની રચના તો થઈ પરંતુ એ કેવી રીતે થઈ એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. આ વાત પણ મજાની છે. અહિયાં રહેતા વૈષ્ણવો ભેગા મળીને આમ પાઠ ધોળ કીર્તન કરતા હતા. એવામાં ચારેક વર્ષ પહેલા કડીની બેઠક ઉપરથી દ્વારકેશલાલ બાબા ફ્લોરીડા કથા કરવા આવ્યા હતા. સાથે શ્રીનાથજીની આ મૂર્તિ લાવ્યા હતા. તે ડેલાવર ખાતે કથા કરવા રોકાયા.
આ દરમિયાન તેમને પ્રેરણા થઇ કે આ મૂર્તિને છબી અહીજ રાખવી. બસ ત્યારથી શ્રીજી બાવાની આ સુંદર મૂર્તિ અહીં છે. નંદ મહોત્સવ, હોળી-ધૂળેટી, સાથે દરેક હિંદુ તહેવારમાં સહુ સત્સંગીઓ પ્રસાદ, જમવાનું બધું સ્વેચ્છાએ ઘરેથી બનાવી લાવીને ઉજવે છે.
આ સંસ્થા હજુ નવી છે, ખુબ મહેનત અને ફંડ માંગી લે તેમ છે છતાં ઘણા પુષ્ટિમાર્ગને અનુસરતા સત્સંગીઓ આ કાર્યને ઝડપથી પૂરું કરવા પ્રયત્નશીલ છે. પરદેશમાં રહીને પણ પોતાનો ધર્મ સંસ્કાર ટકાવી રાખવાની આધ્યાત્મિક સ્થળ બનાવવાની મહેનત સફળ થાય અને ભગવાને તેમનું ઘર મળી જાય તેવી અંતકરણની ઈચ્છા અને પ્રાર્થના..
- રેખા પટેલ (ડેલાવર-યુએસએ)