નવી દિલ્હીઃ દિલ્હીમાં ચાર દિવસ થયેલી હિંસામાં 42 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં 200થી વધારે લોકો ઈજાગ્રસ્ત છે જે હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ વિસ્તારમાંથી એવી હચમચાવી દેનારી ઘટનાઓની વાતો સામે આવી રહી છે. હિંસાના સમયે શરૂઆતના 4 દિવસમાં પીડિતોના 13,200 ફોન પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં આ કોલના જવાબમાં કંઈક અલગ જ સ્ટોરી સામે આવી હતી.
આ ફરિયાદમાં યમુના વિહાર વિસ્તારમાં ગોળીબારથી લઈને આગ લાગવા અને પથ્થરમારા સુધીનો ઉલ્લેખ છે. મોટા ભાગની ફરિયાદમાં ‘શુ પગલા લેવાયા’ની કોલમ ખાલી હતી. ઉદાહરણ તરીકે યમુના વિહારમાં એક મહિલાએ 24 તારીખે સાંજે 6.57 વાગે પોલીસને ફોન કર્યો હતો. જેમાં તેણે રમખાણ થઈ રહ્યાની ફરિયાદ નોંધાવી હતી. આની આગળની કોમલ ‘શું કામગીરી કરવામાં આવી’ની હતી, જે ખાલી હતી. જ્યારે યમુના વિહાર વિસ્તારના ભાજપના પાર્ષદ પ્રમોદ ગુપ્તાએ કહ્યું કે તેઓ સતત પોલીસને ફોન કરતા રહ્યાં પણ પોલીસે તેમને ફોન ઉપાડ્યો નહોતો. શિવ વિહારમાં રાજધાની પબ્લિક સ્કૂલને રમખાણો કરનારા અસામાજિક તત્વોએ 60 કલાકથી વધારે બાનમાં લીધી હતી.
કરાવલ નગર પોલીસ સ્ટેશનમાં કોલ લોગને જોતા ખબર પડે છે કે સોમવારે લગભગ 4 વાગે 2 ફોન આવ્યા હતા. બન્ને ફરિયાદમાં સ્કુલ પર હુમલો થયાની વાત કરવામાં આવી હતી. અહીં પણ ફરિયાદની આગળ શું કાર્યવાહી કરવામાં આવી તે કોલમ ખાલી હતી. કેટલીય ફરિયાદની આગળ ‘શું પગલા ભરાય કે શું કામગીરી કરાઈ’ની કોલમ ખાલી હતી.