બિહારના નિતિશ કુમારની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. પ્રથમ તો તેમણે કહ્યું કે રોજમદારોને રાજ્યમાં બોલાવવાની મંજૂરી ઉત્તર પ્રદેશ સરકારને અપાઈ તે એક પ્રકારનો ભેદભાવ છે. ભાજપની ઉત્તર પ્રદેશની સરકારના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એક માત્ર એવા મુખ્ય પ્રધાન છે જે પોતાની રીતે નિર્ણયો કરી રહ્યા છે. બાકીના મુખ્ય પ્રધાનો દિલ્હીથી આદેશ આવે તેની રાહ જોઈને બેઠા હોય છે. યોગીએ જ સૌ પ્રથમ 1000 બસો નોઇડા મોકલી હતી, જેથી દિલ્હીથી કામદારોને વતનમાં લાવી શકાય. તે પછી તેમણે 300 બસો રાજસ્થાનના કોટા મોકલીને વિદ્યાર્થીઓને વતન પરત લાવ્યા. તે વખતે બિહારના વિદ્યાર્થીઓનું કોણ એવો સવાલ થયેલો.
નિતિશ બરાબરના મૂંઝાયા, કેમ કે સુશાસન બાબુની છાપ ઊભી કરવાની કોશિશ કરનારા નિતિશ તદ્દન નાકામ મુખ્ય પ્રધાન સાબિત થયા છે. તેમનો વહિવટ અત્યંત કંગાળ સાબિત થઈ રહ્યો છે. હું તો વિદ્યાર્થીઓને પરત બોલાવીશ નહિ તેવું કહ્યું ત્યારે તેમનું અમાનવીય પાસું પણ બહાર આવી ગયું. પરંતુ કદાચ તેમને ખ્યાલ આવી ગયો હતો કે તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થવાની છે. કેમ કે વિદ્યાર્થીઓને તમે પરત લાવો, એટલે કે મધ્યમ મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લાખો રૂપિયાની ફી ભરીને છેક કોટા ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે બસ દોડાવો… ને બિચારા પેટિયું રળી ખાતા, ગરીબ વર્ગના કામદારો ને રોજમદારોનું શું? રોજમદારોને ડંડા મારીને ઠેર ઠેર શાળા જેવી સરકારી જગ્યાઓમાં પૂરી દેવાયા છે.
આ બધા જ રોજમદારો સમસમીને બેઠા છે, કેમ કે તેમને વગર વાંકે અટકાવી દેવાયા છે. કોરાના ચેપ તો વિમાનોમાં ઉડનારા ધનપતિઓ લાવ્યા અને રસ્તા પર ચાલીને જઈ રહેલા રોજમદારો અને કામદારો ફસાઈ ગયા. તેથી હવે તેમને વતન પહોંચાડવા પણ જરૂરી બન્યા. તે માટે ચૂપચાપ ટ્રેનો પણ ચાલુ થઈ ગઈ છે ત્યારે નિતિશકુમારની હાલત કફોડી થઈ ગઈ – કેમ કે દેશભરમાંથી 28 લાખ કામદારોએ વતન બિહારમાં જવા માટે નોંધણી કરાવી છે. આ તો પ્રાથમિક આંકડો છે, જાણકારો કહે છે કે આંકડો 35થી 40 લાખ સુધી પહોંચી શકે છે. રાજસ્થાનમાંથી 12 લાખ કામદારોએ બહાર જવા માટે નોંધણી કરાવી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, તમિલનાડુ વગેરે ઔદ્યોગિક રાજ્યોના આંકડાં આવશે ત્યારે આંકડો કરોડ ઉપર પહોંચી જાય તો નવાઈ નહિ.
મુંબઈમાં પણ લાખોની સંખ્યામાં કામદારો છે તે વતન જવા માગે છે. પ્રથમ લૉકડાઉનના અંતે બીજા લૉકડાઉનની જાહેરાત થઈ ત્યારે રેલવે સ્ટેશને કામદારો એકઠા થઈ ગયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે માટે ભારે મૂઝવણ ઊભી થઈ હતી. આખા મામલાએ રાજકીય અને ધાર્મિક વિભાજનનો પણ રંગ લીધો હતો, ત્યારે તેમણે સંભાળીને કામ લેવું પડે તેમ હતું. ઉદ્ધવ ઠાકરેએ ત્યારે કામદારોએ વિનંતી કરેલી કે તમે અહીં જ રહો, તમારી બધી જ સગવડો સરકાર સાચવશે. પરંતુ હવે ત્રીજા લૉકડાઉન વચ્ચે તેમણે પણ વાસ્તવિકતા સ્વીકારવી પડી છે કે કામદારોને તેમના વતન મોકલવા સિવાય છૂટકો નથી. તેથી ટ્રેનો માટેની માગણી તેમણે પણ કરી છે.
આ નિર્ણયો સ્થિતિને કારણે અને હવે ઠેર ઠેર કામદારો અને મજૂરોને સાચવીને રખાયા છે તેમાં રોષ ઊભો ના થાય તે માટે લેવા પડ્યા છે. તેમનો કોઈ નેતા નથી કે તેમના વતી બોલનારો કોઈ કામદાર નેતા કે કામદાર સંઘ પણ નથી. તેથી જ ઘણાએ દત્તા સામંતને યાદ કર્યા હતા કે કેવી રીતે એક જમાનામાં મુંબઈના મીલ કામદારો માટે તેમણે લડત આપેલી.
જોકે આખરે કામદારો માટેની લડાઈમાં જ દત્તા સામંત ખપી ગયા. તેમની હત્યા થઈ ગઈ હતી અને હત્યા પાછળ છોટા રાજનની ગેંગનો હાથ હોવાનું માનવામાં આવતું હતું. જોકે હત્યા પહેલાં જ તેઓ એક રીતે ખતમ થવાની તૈયારીમાં હતા. આ વાત છે તેમણે પાડેલી છેલ્લી મોટી મીલ હડતાળ. ગીરગામના મીલ માલિકો પાસે તેમણે 1981ના મધ્યમાં ફરી એકવાર પગાર વધારો માગ્યો. કામદારોનું લઘુમત વેતન 670 રૂપિયાથી વધારીને 940 રૂપિયા કરવાની તેમની માગણી હતી.
આ વખતે મીલમાલિકો પણ ઝૂકવા તૈયાર નહોતા. મીલમાલિકોને રાજકારણીઓ અને લાલચુડા બિલ્ડરોનો પણ સાથ મળ્યો હતો. ગીરગામ મધ્ય મુંબઈમાં અને ફાટફાટ થતા મુંબઈના બિલ્ડરોનો ડોળો કોઈ પણ ખુલ્લી અને વિશાળ જમીન પર હોય. ગીરગામમાં ગંજાવર પ્લોટમાં ટેક્સટાઇલ મીલો આવેલી હતી. આ મીલોને બંધ કરીને જમીન ખાલી કરાવાય તો ત્યાં બહુમાળી ઈમારતો બની જાય. 1981માં માગણી થઈ અને વાટાઘાટો ચાલી પણ આ વખતે દત્તા સામંતની હડતાળનો ખોફ પણ ના ચાલ્યો. આખરે 18 જાન્યુઆરી 1982ના રોજ દત્તા સામંતે હડતાળનું એલાન આપ્યું. ગીરગામની મીલોના ભૂંગળા બંધ થઈ ગયા અને સંચાનો ધમધમાટ થંભી ગયો.
બે લાખ જેટલા મીલ કામદારો હડતાળમાં જોડાયા હતા. શરૂઆતમાં ધરણા પ્રદર્શન પછી ધીમે ધીમે ગીરગામમાં સન્નાટા જેવું થઈ ગયું હતું. અત્યારે કોરોનાને કારણે સન્નાટો છે તેવો સન્નાટો મીલો બંધ અને કામદારોની આવનજાવન બંધ થઈ એટલે છવાયો હતો. જોકે રાજકારણીઓ અને બિલ્ડરોએ ભેગા મળીને આ વખતે કામદારોનો ખો કાઢી નાખવાનો નિર્ણય કરી નાખ્યો હતો. એટલે મીલો કાયમી બંધ થવા લાગી. મીલમાલિકો સુરત અને અમદાવાદમાં ટેક્સટાઇલ યુનિટો ખસેડવા લાગ્યા અને અહીંની લગડી જેવી જમીનો ભૂમાફિયા નેતાઓ અને બિલ્ડરોને હવાલે કરી દીધી. ભારતના કામદાર સંઘના ઇતિહાસમાં સૌથી લાંબી એવી બે વર્ષ સુધી હડતાળ ચાલી. અનેક કામદારો બરબાર થઈ ગયા. અનેક કુટુંબો વતન પરત જતા રહ્યા. અનેક લોકો બીજી મજૂરીએ લાગી ગયા. દત્તા સામંત જીદે ચડ્યા હતા અને સમાધાન કરવા તૈયાર નહોતા. મીલમાલિકો પણ આ વખતે સમાધાન કરવાના બદલે મીલો મુંબઈની બહાર લઈ જવા લાગ્યા હતા.
ધીમે ધીમે હડતાળ તૂટી ગઈ. કામદારો વિખેરાવા લાગ્યા. તેમનું જીવન પણ વિખેરાઈ ગયું હતું. બાદમાં 1997માં દત્તા સામંતની હત્યા થઈ ગઈ, પણ ત્યાં સુધીમાં દત્તા સામંત જેવા કામદાર નેતાઓ અને કામદાર ચળવળોનો યુગ આથમી ગયો હતો. 1991 પછી દેશમાં ખાનગીકરણની હવા ચાલી હતી, તેમાં હવે કામદારોના અધિકારોનું અને યુનિયનબાજીનું કોઈ મૂલ્ય નહોતું. જોકે તેનું સારું પાસું એ પણ હતું કે ખોટી યુનિયનબાજી પણ બંધ થઈ અને ઉદ્યોગોના વિકાસને મોકળો માર્ગ મળ્યો. કાર્યદક્ષતા વધી અને જે ઉદ્યોગમાં તેજી હોય ત્યાં વધુ કામદારોને, વધારે વળતર સાથે નોકરીઓ પણ મળતી થઈ.
ત્યારથી શરૂ થયેલો સીલસીલો આજ સુધી ચાલતો રહ્યો છે. લોકો ગામડાંમાંથી કમાણી ખાતર શહેરમાં આવે છે. શહેરમાં હવે યુનિયનબાજી ચાલતી નથી, પણ કાળી મજૂરી ચાલે છે. આ રોજમદારોને કાળી મજૂરી કરવાનો પણ વાંધો નથી, કેમ કે ગામડે કશું નથી મળતું ત્યારે અહીં કંઈક તો મળે છે. પણ કોરોના સંકટે અચાનક આ રોજમદારોને ત્રીભેટે મૂકી દીધા. તેમને શહેર સાચવવા તૈયાર નહોતું અને પોલીસ દંડો લઈને તેમને ગામડે જવા દેતી નહોતી. ગામડે પણ ચેપનો ભય વધ્યો એટલે આવકાર ઘટ્યો. રાજ્ય સરકારો હવે વિમાસણમાં છે કે રોજમદારોનું કેમનું કરીશું. ઉદ્યોગોને પણ ચિંતા છે કે હવે છેક 40 દિવસ પછી તેમને વતનમાં મોકલવાનું શરૂ કર્યું છે તો પરત ક્યારે આવશે.