ઈરાનમાં કોરોનાનો વાયરસ ફેલાઈ રહ્યો હતો તે વખતે જ સત્તાની ખેંચતાણ પણ ચાલી રહી હતી. કોરોનાનો ચેપ લાગ્યાની ખબર આરોગ્ય તંત્રએ સરકારને આપી હતી, પણ બે દિવસ પછી ચૂંટણીઓ હોવાથી કોઈએ ધ્યાન આપ્યું નહિ. ચેતવણી જાહેર થાય તો ચૂંટણી સભાઓ થઈ શકે નહિ, તેથી ચેતવણી જાહેર કરવામાં મોડું થયું અને ત્યાં સુધીમાં ચેપ દેશમાં ઝડપથી ફેલાઈ ગયો. એવું પણ કહેવાઇ રહ્યું છે કે અત્યારે ઈરાન સરકાર જે આંકડાં આપે છે તે વિશ્વસનીય નથી.
બીજું એક કારણ એ હતું કે કૉમ નામનું શહેર શિયા મુસ્લિમો માટે પાક મનાય છે, ત્યાં પ્રવાસીઓને રોકવામાં આવ્યા નહોતા. કરબલા પછી આ નગર શિયાઓ માટે મહત્ત્વનું ગણાતું હોવાથી દેશભરમાંથી વર્ષે બે કરોડ અને પરદેશથી 25 લાખ જેટલા શિયાઓ અહીં આવે છે. ભારતથી ઈરાન ગયેલા લોકો ત્યાં ફસાયા છે તે સમાચાર તમે વાંચ્યા હશે.
ભારતથી કૉમના પ્રવાસે એક જૂથ ગયું હતું, તેમાંથી જ એક સભ્યે પોસ્ટ કર્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓ અહીં ફસાયા છે. કૉમમાં ફાતીમા મુસાની મજાર છે અને તેના કારણે લાખો શિયાઓ આવતા રહે છે. ચીનમાં કોરોના ફેલાયાના સમાચાર જગત આખામાં ચમકી રહ્યા હતા અને બધા દેશો સાવચેતી લેવા લાગ્યા હતા, પણ ઈરાનના મૌલવીઓએ પરવા ના કરી અને બેરોકટોક કૉમમાં લાખો લોકોની અવરજવર ફેબ્રુઆરીના મધ્ય સુધી થતી રહી હતી.
સૌ પ્રથમ બે લોકોના કોરોનાથી મોત કૉમમાં થયા હતા. આ વાત 19 ફેબ્રુઆરીની છે. બેમાંથી એક દર્દી ચીનથી વાયરસ લઈને આવ્યો હતો. કૉમમાં બેનાં મોત પછીય નગરને બંધ કરવામાં ના આવ્યું. મૌલવી મુહમ્મદ સઈદીએ ઉલટાનું કહ્યું કે પ્રવાસીઓને આવવા દો, કેમ કે આ પાક નગર છે. આ પાક નગરમાં આવનારા બીમાર સાજા થઈ જાય છે એટલે લોકોએ આવવું જોઈએ અને મન અને તનની વ્યાધીઓમાંથી મુક્ત થવું જોઈએ – આવી વાત તેમણે જણાવી હતી.
થોડા જ વખતમાં સમગ્ર શહેરમાં ચેપ ફેલાઇ ગયો અને મૃત્યુઆંક પણ વધવા લાગ્યો. 19 ફેબ્રુઆરીના 16 દિવસ પછી ઈરાનના બધા જ 31 પ્રાંતમાં કોરોનાનો ચેપ ફેલાઈ ગયો હતો. માર્ચના મધ્યથી મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે અને સાચો આંકડો બહાર આવી રહ્યો છે કે કેમ તેની શંકા ઊભી જ છે. માર્ચના છેલ્લા અઠવાડિયે સરકારે દાવો કર્યો કે સ્થિતિ સ્થિર બની છે, પણ ત્યાં સુધીમાં સવા મહિનો વીતિ ગયો હતો અને બહુ મોટું નુકસાન ઈરાનને થઈ ગયું હતું.
19 ફેબ્રુઆરીએ સાવચેતી દાખવવા માટે નાગરિકોને અપીલ કરવાના બદલે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈએ કહેલું કે ગભરાવાની જરૂર નથી. આ તો દુશ્મન દેશો ખોટો ભય ફેલાવી રહ્યા છે. એક તરફ મૌલવી પોતે જ કહે કે લોકોને આવવા દો અને ભીડ કરવા દો, બીજી બાજુ રાજનેતાઓના પોતાના સ્વાર્થ હતા. તેઓ પણ કોરોનાના ચેપની પરવા કરવાના બદલે ફેબ્રુઆરીની ચૂંટણીમાં કેટલો લાભ ખાટી શકાય તેની દોડભાગમાં જ હતા. ત્રીજું માહિતી છુપાવાની કોશિશો શરૂ થઈ હતી. 23 ફેબ્રુઆરીએ 25 વર્ષની નરજિસ નામની નર્સનું મૃત્યુ થયું, પણ સરકારે કોરોનાને કારણે થયું છે તે વાત છુપાવી હતી. બાદમાં ઈરાની નર્સિંગ ઑર્ગેનાઇઝેશને કહેવું પડ્યું કે કોરોનાથી તેનું મૃત્યુ થયું છે. સરકાર એક તરફ તબીબી સ્ટાફની વાહવાહી કરી રહ્યું હતું, પણ સાચી માહિતી અને સાવચેતીના અભાવે તેમના માટે જ જોખમ ઊભું કરી રહી હતી.
ઈરાનના આરોગ્ય પ્રધાન સઈદ નમકીએ સાવચેતી લેવામાં મોડું થયાનું કે આંકડાં છુપાવાતા હોવાની વાતનો ઇનકાર કર્યો છે, પણ સંજોગો અને સ્થિતિ દર્શાવી આપે છે કે ઈરાની સરકારની ગફલતને કારણે અને રાજકીય પક્ષોના રાજકારણને કારણે ઈરાની નાગરિકો ભોગ બન્યા છે.તારીખો બહુ અગત્યની છે. 19 ફેબ્રુઆરીએ પ્રથમ બે કોરોના મોત થયા ત્યારથી સાવધ થવાનું હતું, પણ નેતાઓનું – તેમાં ધાર્મિક અને રાજકીય બંને આવી ગયા – તેમનું ધ્યાન બે દિવસ પછી થનારી ચૂંટણી પર જ હતું. 21 ફેબ્રુઆરીએ ઈરાનમાં ચૂંટણીની તારીખ અગાઉથી જ નક્કી કરેલી હતી અને કોરોનાને હરાવવાના બદલે સૌને એકબીજાને હરાવવામાં વધારે રસ હતો.
નાયબ આરોગ્ય પ્રધાન ઇરાઝ હરીર્કીએ તેમના દાવાને ફગાવી દીધો અને કહ્યું કે તમારી વાત ખોટી છે. તેમણે અદ્દલ રાજકારણીને જેમ ફેંક્યું કે તમારા શહેરમાં જો 25 લોકો પણ મર્યા હોય તો હું રાજીનામું આપી દઈશ. ભારતમાં રાજીનામું આપી દેવાના દાવા કરનારા જુઠ્ઠાડા નેતાઓને આપણે જાણીએ છીએ એટલે આપણને નવાઈ ના લાગે. મજાની વાત જુઓ કે આવી ફેંકાફેંક કરી રહેલા ઇરાઝને પોતાને જ કોરોનો ચેપ લાગી ગયો હતો.
સંસદમાં વિવાદ થયો એટલે બાદમાં તેમણે પત્રકાર પરિષદ બોલાવીને ખુલાસા કરવા પડ્યા હતા. તેઓ પત્રકારો વચ્ચે હતા ત્યારે જ ખ્યાલ આવી ગયો હતો કે તેમની તબિયત બરાબર નથી. ઇરાઝ પોતે વારંવાર ખાંસી ખાઇ રહ્યા હતા અને પરસેવો વહી રહ્યો હતો. તેમણે આખરે જાતે જાહેર કરવું પડ્યું કે તેમને જ કોરોનાનો ચેપ લાગી ગયો છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને ઈરાનના તે સૌથી પહેલા વીઆઈપી દર્દી સાબિત થયા હતા. એ વાત જુદી છે કે વીઆઈપી હતા એટલે ઇરાઝનો ઇલાજ થયો અને તેઓ કોરોનામાંથી સાજા થઈ ગયા છે. 13 માર્ચે તેઓ ફરી ઈરાનની ટીવી પર દેખાયા હતા, પણ ત્યાં સુધીમાં કોરોનાની સ્થિતિ ઈરાનમાં વકરી ચૂકી હતી.
નાયબ આરોગ્ય પ્રધાન પોતે કોરોનામાં સપડાયા છતાંય ઈરાનની સરકાર જાગી નહોતી તે દેખાઈ આવે છે.
ફેબ્રુઆરીમાં ચૂંટણી સિવાય બીજો પણ એક મોટો પ્રસંગ દેશમાં ઉજવાયો હતો અને તેના કારણે ભીડમાં કોરોના ઝડપથી ફેલાયો. ઈરાનના શાહને ઉથલાવીને આયોતોલ્લાનું ધાર્મિક શાસન ઈરાનમાં સ્થપાયું તે ક્રાંતિની 41મી જયંતિ 11 ફેબ્રુઆરીએ મનાવામાં આવી હતી. પહેલો કેસ 19 ફેબ્રુઆરીએ સામે આવ્યો, પણ સ્પષ્ટ છે કે એક અઠવાડિયા પહેલાંથી જ વાઇરસ તો ઈરાનમાં ફરવા લાગ્યો હતો. એ તો બેના મોત કૉમ શહેરમાં થયા અને મામલો વિવાદે ચડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કોરોના ઘાતક બન્યો છે.
જોકે ઈરાનના ડૉક્ટર્સને શંકા જવા જ લાગી હતી, પણ તેમનું કોઈ સાંભળે તેમ નહોતું એક સિનિયર ડૉક્ટરના જણાવ્યા અનુસાર 11 ફેબ્રુઆરી પહેલાંથી જ દેશમાં શ્વાસોચ્છવાસની બીમારીમાં વધારો દેખાવા લાગ્યો હતો. આ ડૉક્ટર અને હોસ્પિટલમાંના તેમના સાથીઓ ચોંક્યા હતા કે કેમ શ્વાસની બીમારી આટલી વધી ગઈ છે. તેમણે રિપોર્ટ તૈયાર કરીને તહેરાન આરોગ્ય વિભાગને મોકલવાનું પણ શરૂ કરી દીધું હતું.આ ડૉક્ટર અને તેમની હોસ્પિટલની ટીમે સ્પષ્ટપણે સરકારને મોકલેલા અહેવાલમાં જણાવ્યું હતું કે વાયરસ ફેલાવા લાગ્યો છે. આ અહેવાલ અને ચેતવણીને તહેરાનમાં બેઠેલા આરોગ્ય વિભાગના અમલાદરો અથવા તો આરોગ્ય પ્રધાને અને સરકારે ગંભીરતાથી લીધા નહીં.
આ ડૉક્ટરે બાદમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સંસ્થાના પત્રકારો સાથે વાતચીત કરી હતી. ડૉક્ટર સ્પષ્ટ કહે છે કે તેમની ચેતવણી છતાં વાતને છુપાવી રાખવામાં આવી. તેમને લાગે છે કે આવું એટલા માટે કરાયું કે જેથી સરકારી કાર્યક્રમો ચાલતા રહે. સત્તામાં બેઠેલા પક્ષને રસ હતો કે ઇસ્લામિક ક્રાંતિની જયંતિ જોરશોરથી ઉજવવામાં આવે, જેથી તેનો રાજકીય ફાયદો મળે. 11 તારીખે ક્રાંતિની જયંતિના કાર્યક્રમો પછી 21 ફેબ્રુઆરીએ ઈરાનની સંસદીય ચૂંટણી યોજાવાની હતી. તેથી ચૂંટણી સભાઓ અને પ્રચાર માટે પણ કાર્યક્રમો ચાલતા રાખવા જરૂરી હતા.
જો કોરોના ફેલાયો છે તેવી જાહેરાત થઈ જાય તો લોકો ગભરાઈને પણ આવતા ઓછા થઈ જાય. એ વાત જુદી છે કે લોકો પણ જોખમ છતાં ઘરમાં પુરાઈને રહેતા નથી. આપણને શું થવાનું એમ કહીને ગમે ત્યાં પહોંચી જતા હોય છે. આમ છતાં કોરોના ફેલાયો છે તેની જાણ પછી સરકારે કાર્યક્રમો, ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવા કાર્યક્રમો રદ કર્યા હોત તો ઘણો ફરક પડ્યો હોત.ડૉક્ટરોની ચેતવણી છતાં પંદર દિવસ કશું ના થયું અને 11 ફેબ્રુઆરીની ક્રાંતિ અને 21 ફેબ્રુઆરીના દસ દિવસ દરમિયાન ટેસ્ટિંગ વિના ચેપ ફેલાતો રહ્યો. આખરે 19 તારીખે કૉમમાં બેના મોત થયા પછી કોરોનાની હાજરી સ્વીકાર્યા સિવાય છુટકો નહોતો. અઠવાડિયા પછી નાયબ આરોગ્ય પ્રધાન જ કોરોનામાં સપડાયા હતા એટલે પર્દાફાશ થઈ જ ગયો હતો.
જોકે મોડું થયા પછી માર્ચના મધ્યમાં સરકાર જાગી હતી અને લોકોને રોકવાના, દફનવિધિ વખતે પણ ઓછામાં ઓછો લોકોને હાજર રહેવા, જાહેર સ્થળે સંચારબંધી, મોટા મકરબા, મજાર અને મસ્જિદોને પણ બંધ કરાઈ વગેરે પગલાં લેવાયા. એટલું જ નહિ જેલમાં કેદીઓ ખીચોખીચ ભરેલા હતા એટલે 1,55,000 કેદીઓને પણ કામચલાઉ છોડી દેવાયા છે. તેમાં કેટલાક રાજકીય કેદીઓ પણ હતા, જે હવે મુક્ત થયા. જોકે કેદીઓમાં ઓલરેડી ચેપ ફેલાઇ ગયાનો ડર હતો. સરકારી ઓફિસો અને બૅન્કો વગેરે ચાલુ રખાયા છે, પણ સિવાય શક્ય તેટલું બંધ કરાવાયું છે.