ચોકલેટ ક્રીમ કેક (તવા ઉપર)

ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી સાથે સહેલાઈથી તવા ઉપર બની શકે છે ચોકલેટ કેક!

 

સામગ્રીઃ

  • ચોકલેટ ક્રીમ બિસ્કીટ 2 પેકેટ
  • દૂધ ¾ કપ
  • બેકીંગ પાઉડર અથવા ઈનો 1 ટી.સ્પૂન

ક્રીમ માટેઃ

  • ચોકલેટ બિસ્કીટમાંથી અલગ કરેલું ક્રીમ
  • ચોકલેટ સિરપ અથવા ઓગાળેલી ચોકલટ
  • ચોકલેટ ચિપ્સ

રીતઃ ચોકલેટ ટીન અથવા સ્ટીલના ચપટા ડબ્બામાં તેલ લગાડી લો. ત્યારબાદ તેની ઉપર બટર પેપર મૂકીને તેને પણ તેલ લગાડી લો. બટર પેપર ના હોય તો મેંદો ભભરાવી દેવો.

રોટલી માટેનો લોખંડના તવાને ગરમ કરી લો.

ક્રીમ બિસ્કીટમાંથી ક્રીમ અલગ કરીને બિસ્કીટનો મિક્સીમાં પાઉડર કરી લો. તેમાં ગરમ કરેલું પણ રૂમના તાપમાન જેટલું ઠંડું થયેલું દૂધ મેળવો અને જેરણી અથવા ચમચા વડે એક જ દિશામાં તેને ફેરવીને એકરસ કરી લો.

હવે તેમાં ઈનો અથવા બેકીંગ પાઉડર ઉમેરીને સરખું મિક્સ કરીને કેક ટીન અથવા તૈયાર કરેલા સ્ટીલના વાસણમાં રેડી દો.

ગરમ થયેલા તવા ઉપર સ્ટીલનું સ્ટેન્ડ મૂકીને ગેસની આંચ ધીમી કરીને કેકનું વાસણ મૂકી દો. ઉપર વાસણ તવા ઉપર ઢંકાય વરાળ બહાર ન આવે તે રીતે લઈને ઢાંકી દો. 20-25 મિનિટ ધીમી આંચ થવા દો. ત્યારબાદ કેકમાં ટૂથપિક નાખીને જોઈ લો. જો તેમાં કેક ચોંટેલું ન હોય તો કેક થઈ ગયું છે. ગેસ બંધ કરીને તવા ઉપરથી કેકનું વાસણ નીચે ઉતારીને એક કપડું ઢાંકીને ઠંડું થવા દો.

ક્રીમ માટેઃ બિસ્કીટમાંથી અલગ કરેલું ક્રીમ એક બાઉલમાં લઈ તેમાં 1-2 ટી.સ્પૂન દૂધ મેળવીને ચમચી વડે એક જ દિશામાં ફેરવીને ક્રીમને નરમ કરી લો.

કેક ઠંડું થયા બાદ તેને ચપ્પૂ વડે વચ્ચેથી આડું કટ કરી લો. કેકના નીચેના ભાગ ઉપર સાદું પાણી અથવા સાકરનું પાણી થોડું થોડું કરીને રેડી દો. જેથી કેક વધુ નરમ થાય. નીચેના ભાગ ઉપર ક્રીમ લગાડી લો. ત્યારબાદ ઉપર કેકનો બીજો ભાગ ગોઠવી દો. ઉપરથી ચોકલેટ સિરપ ચારે બાજુ ફેલાવીને રેડી દો. અને ચોકલેટ ચિપ્સને કેકની કિનારીને ફરતે ગોઠવી દો અથવા મનગમતી રીતે સજાવી દો.

આ કેકને ફ્રીજમાં 15-20 મિનિટ માટે મૂકી દો. ત્યારબાદ ખાવાના ઉપયોગમાં લો.