કેનેડાના PM જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં આપશે રાજીનામું

કેનેડા પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ એક મોટી જાહેરાત કરી છે. તેઓ વડાપ્રધાન પદનો ત્યાગ કરવાની જાહેરાત કરી છે. સૂત્રો હવાલે મળતા સમાચાર પ્રમાણે નેશનલ કોકસની બુધવારે યોજાનાર બેઠક પહેલાં ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે રાજીનામું આપી દેશે. ભારત વિરોધી વલણ અપનાવનારા ટ્રુડોનો દેશમાં જ ઘેરાવ વધી રહ્યો છે. ટ્રુડો પર તેમની પાર્ટીના સાંસદો તરફથી રાજીનામું આપી દેવા માટે પાછલા ઘણા મહિનાઓથી દબાણ કરવામાં આવી રહ્યું હતું. આ દબાણ અત્યારે વધી ગયું જ્યારે તેમના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રિલેન્ડએ 16 ડિસેમ્બરે એમ કહેતા પદ છોડ્યું કે નીતિગત મુદ્દાઓ પર મારા અને વડાપ્રધાન વચ્ચે મતભેદ છે.

મિડીયા અહેવાલો પ્રમાણે જાણવા મળ્યુ છે કે ટ્રુડો તેમનું રાજીનામુ બુધવારી યોજાનારી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કોકસની બેઠક પહેલા સોંપી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોનું એવુ માનવુ છે કે નેશનલ કોકસની બેઠક પહેલા જાહેરાત કરવાથી કોઈને એવુ ન લાગે કે તેઓને પાર્ટીના સાંસદો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા છે. નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ વડાપ્રધાન પદ પર યથાવત્ રહેશે કે કેમ તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. લિબરલ પાર્ટી પાસે હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. તેમાં બહુમતનો આંકડો 170 છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP એ ખાલિસ્તાની તરફી કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા બાદથી તેમના પર દબાણ વધી ગયું છે. ટ્રમ્પ સતત તેમને નિશાને લઈ રહ્યા છે. ઈલોન મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ કહ્યું હતું કે હવે ટ્રુડોના સત્તામાં ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે.