જંત્રીના સૂચિત વધારા મુદ્દે ગુજરાતભરમાં બિલ્ડર્સ વિરોધ

રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિયેશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી એવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે જયારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઇ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા. બીજી બાજુ સુરતના બિલ્ડરો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રીમાં કરેલા ધરખમ વધારાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરના બિલ્ડરો પણ મેદાને, કલેકટરને આવેદન આપી ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી છે.