દિવાળી સ્પેશ્યલ રેસિપી
બ્રેડ દહીં વડા
સામગ્રીઃ બ્રેડ 8 નંગ, દહીં ½ કપ બ્રેડ પલાડવા માટે, પાણી ¼ કપ, તળવા માટે તેલ, કોથમીરની લીલી ચટણી, ખજૂરની ગળી ચટણી, ચાટ મસાલો, વડા માટે દહીં
પૂરણ માટેઃ ખમણેલું પનીર ½ કપ, કાજુના ટુકડા 1 ટે.સ્પૂન, કિસમિસ 1 ટે.સ્પૂન, લીલા મરચાં બારીક સુધારેલાં 2, આદુ બારીક સુધારેલું 1 ટી.સ્પૂન, કોથમીર ધોઈને બારીક સમારેલી, લાલ મરચાં પાવડર ½ ટી.સ્પૂન, જીરુ ½ ટી.સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર
રીતઃ પૂરણ માટેની બધી સામગ્રી મિક્સ કરીને એક બાજુએ રાખો.
બ્રેડની કિનારીઓ કટ કરી લો. બ્રેડને દહીં તથા પાણીના મિશ્રણમાં પલાડીને હલકે હાથે દાબીને પાણી કાઢી લો. આ બ્રેડમાં થોડું પૂરણ ભરીને બોલના શેપમાં વાળીને બંધ કરી દો. બધી બ્રેડ આ રીતે તૈયાર કરીને તેલમાં તળી લો. ત્યારબાદ આ બ્રેડ બોલને પાણીમાં અડધા કલાક માટે પલાળીને બહાર કાઢી લો. આ વડા એક પ્લેટમાં રાખીને ઉપર દહીં, તીખી, મીઠી ચટણી તેમજ ચાટ મસાલો ભભરાવીને દહીં વડા તૈયાર કરી લો.
લવિંગ અને મિશ્રીનું શરબત
પલાડેલા લવિંગ તથા મિશ્રી શરીર માટે સ્વાસ્થ્યપ્રદ તથા ઠંડક પ્રદાન કરનારાં છે.
સામગ્રીઃ લવિંગ 15-20 (રાત્રે પાણીમાં પલાળી રાખવા), મિશ્રી ½ કપ, એલચી પાવડર ½ ટી.સ્પૂન, કેસરના 8-10 તાંતણા પાણીમાં પલાળેલાં
રીતઃ લવિંગને આખી રાત પાણીમાં પલાળી રાખવા. જો માટીના વાસણમાં પલાળવામાં આવે તો વધુ સારું. સવારે લવિંગને પથ્થર પર પીસી લો અથવા મિક્સીમાં પણ પીસી શકાય. એક માટીનું વાસણ લો. તેમાં પીસેલા લવિંગ તથા મિશ્રીને 1 લિટર પાણીમાં અડધા કલાક માટે પલાળી રાખો. જો લવિંગનો સ્વાદ પાણીમાં આવી જાય તો આ પાણીને ગળણીથી ગાળી લો. ત્યારબાદ તેમાં પલાળેલા કેસર તેમજ પાણી અને એલચી પાવડર પણ ઉમેરી દો.
આ શરબત ફ્રીજમાં ઠંડું કરીને પીરસો. આ શરબત પીવાથી શરીરમાં તાજગી આવે છે.
(રીના મોહનોત)
(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા! જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક કઠિનાઈ, પેન્ડેમિકનો ફટકો સહીને પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન, ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાવી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)