રાજેશને ‘ડિમ્પલ’ નામ ના મળ્યું   

રાજેશ ખન્નાના બંગલાનું નામ ‘આશીર્વાદ’ રાખવામાં આવ્યું હતું. અસલમાં એ ‘ડિમ્પલ’ રાખવા માગતા હતા. પરંતુ રાજેન્દ્રકુમારે એ નામ આપ્યું ન હતું. એ બંગલા માટેની માન્યતા કે અંધશ્રધ્ધા જે ગણો તે પણ બંનેની કારકિર્દીમાં તેની મહત્વની ભૂમિકા રહી હતી. રાજેન્દ્રકુમાર ફિલ્મોમાં આવ્યા અને સફળતા મળવા લાગી ત્યારે એક બંગલો ખરીદવાનું નક્કી કર્યું. પણ પૂરતા રૂપિયા ન હોવાથી બી.આર.ચોપરાની ફિલ્મ સ્વીકારી હતી.

 

રાજેન્દ્રકુમારે એમની ગીતો વગરની પહેલી ફિલ્મ ‘કાનૂન’ (૧૯૬૦) કરવાની પહેલાં ના પાડી હતી. બંગલો ખરીદવાનો હોવાથી એ ઉપરાંત બીજી બે ફિલ્મો કરવા તૈયારી બતાવી અને એની ફી એડવાન્સમાં માંગી લીધી હતી. ચોપરાએ નેવું હજાર રૂપિયા આપ્યા એમાંથી સાઇઠ હજારમાં એક બંગલો ખરીદી લીધો અને તેમાં સુધારા- વધારા કરાવીને નવો બનાવી દીધો હતો. એ ભૂતિયા કહેવાતા બંગલામાં રહેવા જતાં પહેલાં મિત્ર મનોજકુમારની સલાહ લીધી હતી. એમાં પ્રવેશ કરતાં પહેલાં વિવિધ પ્રકારની ધાર્મિક પૂજાઓ કરાવી હતી. એમણે બંગલાનું નામ પોતાની પુત્રીના નામ પરથી ‘ડિમ્પલ’ રાખ્યું હતું.

‘ડિમ્પલ’ રાજેન્દ્રકુમારની કારકિર્દી માટે શુકનવંતો સાબિત થયો હતો. એમાં રહેવા ગયા પછી અભિનેતા તરીકે વધારે લોકપ્રિય થયા અને કોઇ કલાકારે જોઇ ના હોય એવી સફળતા મેળવીને ‘જ્યુબીલી કુમાર’ તરીકે ઓળખાયા હતા. અભિનેતા તરીકે વધુને વધુ કમાણી કરતા રહેલા રાજેન્દ્રકુમારે સાઇઠના દાયકાના અંતમાં બીજો બંગલો બનાવ્યો ત્યારે કાર્ટર રોડ પરના ‘ડિમ્પલ’ ને વેચવા કાઢ્યો હતો. આ વાતની ખબર નવોદિત રાજેશ ખન્નાને પડી એટલે ખરીદવામાં રસ બતાવ્યો. ત્યારે રાજેશ નવ-નવા સ્ટાર બન્યા હતા. બંગલો ખરીદી શકાય એટલા રૂપિયા ન હતા. અને રાજેન્દ્રકુમારનો ઇતિહાસ દોહરાવતા હોય એમ રાજેશે દક્ષિણના નિર્માતા ચિન્નપા દેવરની ફિલ્મ ‘હાથી મેરે સાથી’ (૧૯૭૧) માં કામ કરવા હા પાડી દીધી હતી.

રાજેશ ખન્નાએ જ્યારે રાજેન્દ્રકુમારનો બંગલો ખરીદ્યો ત્યારે એમણે આપેલું નામ ‘ડિમ્પલ’ યથાવત રાખવા માગતા હતા. એમને હતું કે આ નામથી રાજેન્દ્રકુમારને જેવી સફળતા મળી હતી એવી પોતાને પણ મળી શકે અને નસીબ ચમકી જાય. પરંતુ રાજેન્દ્રકુમારે પોતાના પાલી હિલના નવા બંગલાનું નામ ‘ડિમ્પલ’ રાખી દીધું હતું. અને એ નામ રાજેશને ન રાખવા જણાવ્યું હતું. રાજેશે નવું ‘આશીર્વાદ’ નામ આપ્યું અને બંગલામાં હજુ પણ કોઇ ખરાબ શક્તિઓ હોય તો નાશ થઇ જાય એમ વિચારીને પૂજાપાઠ કરાવી પ્રવેશ કર્યો હતો. અને બંગલાને ખરીદવા જે ફિલ્મ કરી હતી એ ‘હાથી મેરે સાથી’ ની સફળતાથી રાજેશ ખન્નાની કારકિર્દીનો એક નવો દૌર શરૂ થયો હતો.