મનોજકુમારનો પ્રાણ પરનો ભરોસો

મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર'(૧૯૬૭) ના ગીત ‘કસમે વાદે પ્યાર વફા સબ બાતેં હૈં બાતોં કા ક્યા?’ ની વાત ખૂબ રસપ્રદ અને જાણવા જેવી છે. મનોજકુમારે અભિનેતા પ્રાણ ઉપર આ ગીત ફિલ્માવવાનો આગ્રહ રાખ્યો હતો. પરંતુ સંગીતકાર કલ્યાણજી-આણંદજી જ નહીં કિશોરકુમાર પણ આ નિર્ણય યોગ્ય માનતા ન હતા. જ્યારે કલ્યાણજી-આણંદજીને ખબર પડી કે ફિલ્મનું ઇન્દિવરે લખેલું મહત્વપૂર્ણ અને તેમને સૌથી વધુ પસંદ ગીત પ્રાણ ઉપર ફિલ્માવવામાં આવનાર છે ત્યારે હેરાન થઇને મનોજકુમારને કહી દીધું કે તે અમારા ગીતની પત્તર ઝીંકી નાખશે.

આવું ગાંડપણ રહેવા દો. ગીતને બીજા કોઇ ઉપર ફિલ્માવો અથવા બેકગ્રાઉન્ડમાં વાગવા દો. ‘ઉપકાર’ માં પ્રાણની સકારાત્મક ભૂમિકા હતી. તેમની દલીલ હતી કે રાજ કપૂરે ‘આહ’ માં પ્રાણને સકારાત્મક ભૂમિકા આપી હતી તેથી ફિલ્મ ફ્લોપ થઇ હતી. મનોજકુમારને ખ્યાલ આવી ગયો કે તે પ્રાણની લોકપ્રિય નકારાત્મક છબિને કારણે જ આમ કહી રહ્યા છે. પરંતુ મનોજકુમારનું માનવું હતું કે હકીકતમાં રાજ કપૂર નહીં એમની ફિલ્મ ફ્લોપ રહી હતી.

આમ પણ મનોજકુમારે ‘મલંગ ચાચા’ ની સકારાત્મક ભૂમિકા પ્રાણને સોંપી ત્યારથી જ તેમના આ સાહસને શંકાની નજરે જોવામાં આવતું હતું. કલ્યાણજીએ વારંવાર ના પાડવા છતાં મનોજકુમાર પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમને બીજો ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે કિશોરકુમારનો આ ગીત ગાવા માટે સંપર્ક કર્યો અને તેમણે ગાવાની ચોખ્ખી ના પાડી દીધી. ખુદ પ્રાણે વ્યક્તિગત રીતે કિશોરદાને વિનંતી કરી તો પણ માન્યા નહીં. ત્યારે મનોજકુમારે કલ્યાણજી-આણંદજીને આ ગીત બીજા કોઇ ગાયક પાસે ગવડાવવાની સૂચના આપી. તે માનતા હતા કે પ્રાણ પર જ આ ગીત અસરકારક બની રહે એમ હતું. કલ્યાણજી-આણંદજીએ ‘કસમે વાદે’ ગીત આખરે મન્ના ડે પાસે ગવડાવ્યું. અને એ તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ ગીત ગણાયું. એટલું જ નહીં મન્ના ડેના ભાવવાહી ગીતોમાં સમાવેશ પામ્યું.

આ ગીતમાં મનોજકુમાર પોતે અભિનય કરવાના હોવાથી કેમેરા પાછળ રહી શકવાના ન હતા. પ્રાણની અભિનય ક્ષમતા માટે તેમને કોઇ શંકા ન હતી. પરંતુ કોઇ વખત ગાતા જોયા ન હતા એટલે પહેલાં દોઢ કલાક સુધી તેમને કેમેરા પાછળથી જોતા રહીને ખાતરી કરી લીધી હતી. પ્રાણને એમ જ હતું કે દોઢ કલાક સુધી તેમનું શુટિંગ કરવામાં આવ્યું છે. પાછળથી મનોજકુમારે ખુલાસો કર્યો હતો કે તેમણે કેમેરા ચાલુ કર્યો ન હતો. પડદા ઉપર જ્યારે આ ગીત જોયું ત્યારે સૌથી પહેલાં કલ્યાણજી-આણંદજીએ પ્રાણની પ્રશંસા કરીને કહ્યું હતું કે આ ગીત તમારા પર ફિલ્માવવામાં ના આવે એવો અમે ઘણો પ્રયત્ન કર્યો હતો. એને પડદા પર જોઇને અમે માન્યું કે મોટાભાગના કલાકારો ગીતને માત્ર હોઠ ફફડાવીને જ ગાય છે, પરંતુ તમે દિલથી ગાયું છે.

તમે આ ગીતમાં એવી લાગણી ઉમેરી કે ગાતી વખતે તમારી ગરદનની નસો ફૂલી ગઇ હતી. ‘ફિલ્મફેર’ માં કલ્યાણજી-આણંદજીનું ‘ઉપકાર’ ના સંગીત માટે નામાંકન થયું હતું અને પ્રાણને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. પ્રાણ પોતાની આત્મકથા ‘ઔર પ્રાણ’ માં કહે છે કે મેં આ ગીતની કેસેટ ઘરે લઇ જઇ વારંવાર સાંભળીને તેને દિલમાં વસાવી લીધું હતું. ગીત ગાવાનું ફિલ્માંકન કઠિન લાગતું હોવાથી મનોજકુમારને કહ્યું હતું કે ફિલ્માવતી વખતે ગીત મોટા અવાજમાં વગાડવામાં આવે અને પોતે પણ મારી સાથે ગાય. આ ગીતના શબ્દો અને સંગીત બંને હ્રદયસ્પર્શી હતા. હું ગીત ગાવા માટે નર્વસ હતો એટલે વધારે મહેનત કરી હતી.

રાકેશ ઠક્કર (વાપી)