વાત ‘સરસ્વતીચન્દ્ર’ ના ગીત-સંગીતની

ફિલ્મ ‘સરસ્વતીચન્દ્ર’ (૧૯૬૮) ને આજે તેના ગીત-સંગીત અને અભિનેત્રી નૂતનના નામ પર જ વધારે યાદ કરવામાં આવે છે. તેના નિર્દેશક ગોવિંદ સરૈયા અને હીરો મનીષ વિશે કોઇ ખાસ કંઇ જાણતું નથી. ફિલ્મના કલ્યાણજી-આણંદજીના સંગીતમાં ઇન્દિવરે લખેલા ગીતો યાદગાર રહ્યા છે. ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચન્દ્ર’ પરથી એ જ નામથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે સૌપ્રથમ એના ગીતો લખવામાં આવ્યા હતા.

સર્વોદય પિકચર્સ દ્વારા જ્યારે સંગીતની જવાબદારી કલ્યાણજી- આણંદજીને સોંપવામાં આવી ત્યારે એમણે ગીતકાર તરીકે ઇન્દિવરનું નામ સૂચવ્યું. નિર્માતાએ પહેલાં એમના પર બહુ વિશ્વાસ વ્યક્ત ના કર્યો પણ કલ્યાણજી- આણંદજીએ કહ્યું કે ઇન્દિવર કવિ છે અને ગોવર્ધનરામ એક ગુજરાતી કવિ હોવાથી એમની નવલકથા પરની ફિલ્મમાં આપણાને જેવી રચનાઓ જોઇએ છે એવી તૈયાર કરી શકશે. ત્યારે નિર્માતા માન્યા હતા. ઇન્દિવરે ચંદન સા બદન, ફુલ તુમ્હે ભેજા હૈ ખતમેં વગેરે ગીતો લખ્યા ત્યારે એ સાંભળીને ફિલ્મ સાથે સંકળાયેલા ઘણાએ કહ્યું કે આ વધુ પડતા કાવ્યમય છે. એને કેવી રીતે પસંદ કરવામાં આવશે? પણ કલ્યાણજી- આણંદજીએ કહ્યું કે આ ફિલ્મના ગીતોમાં કવિતા જ વધુ જરૂરી છે. પછી એ જ ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. એમાં એક ગીત ‘છોડ દે સારી દુનિયા કિસી કે લિએ, યે મુનાસિબ નહીં આદમી કે લિએ, પ્યાર સે ભી જરૂરી કઇ કામ હૈ, પ્યાર સબ કુછ નહીં જિંદગી કે લિએ’ ના એક શબ્દથી કલ્યાણજી- આણંદજી ખુશ ન હતા.

ઇન્દિવરે એક પંક્તિમાં લખ્યું હતું કે ‘યે મુનાસિબ નહીં આદમી કે લિએ’ ત્યારે એમણે ‘મુનાસિબ’ શબ્દ બરાબર ન હોવાની દલીલ કરી હતી. અને ‘મુનાસિબ’ શબ્દ કાઢી નાખવા કહ્યું હતું. ઇન્દિવરનું કહેવું હતું કે એ જગ્યાએ કોઇ હિન્દી શબ્દ યોગ્ય લાગતો નથી. એમનું માનવું હતું કે આ એક ગુજરાતી શબ્દ લાગે છે. ઇન્દિવરની દલીલ હતી કે ‘મુનાસિબ’ ને બદલે તે ઉપયુક્ત, ઉચિત, કે ઠીક શબ્દનો ઉપયોગ કરી શકે એમ નથી. બહુ મુશ્કેલીથી કલ્યાણજી- આણંદજી માન્યા હતા. ઇન્દિવરે એક મુલાકાતમાં આ કિસ્સાને યાદ કરીને કહ્યું છે કે લતા મંગેશકરે ગાયેલું આ ગીત એટલું લોકપ્રિય થયું અને પ્રેરણાત્મક સાબિત થયું કે કેટલાય લોકોએ આત્મહત્યા કરવાનો વિચાર માંડી વાળ્યો હતો.

ફિલ્મનું મુકેશે ગાયેલું ‘ચંદન સા બદન’ ઘણું લોકપ્રિય થયું હતું. જ્યારે લતાજીના સ્વરવાળું ગીત ખાસ ચાલ્યું ન હતું. અને ‘મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ’ પહેલું એવું ગીત બની રહ્યું જેનાથી બોલિવૂડના ચાહકો ગુજરાતી લોકગીત- સંગીતથી પરિચિત થયા હતા. ‘સરસ્વતીચન્દ્ર’ માટે કલ્યાણજી- આણંદજીને શ્રેષ્ઠ સંગીતકારનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. અસલમાં નિર્દેશક ગોવિંદ સરૈયા ફિલ્મનું સંગીત શાસ્ત્રીય સંગીતકાર પં.ઓમકારનાથ ઠાકુર પાસે તૈયાર કરાવવા માગતા હતા. એ સંગીત આપવા તૈયાર થઇ ગયા હતા પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે કામ કરી શક્યા નહીં. સંગીતકાર નૌશાદે પણ રસ બતાવ્યો હતો. ગોવિંદને વિશ્વાસ ન હતો કે નૌશાદ આ વિષય પર જરૂરી છે એવું સંગીત આપી શકશે.

છેલ્લે કલ્યાણજી- આણંદજી તૈયાર થયા હતા ત્યારે ગોવિંદે એમને ચેતવ્યા હતા કે આ ઓછા બજેટની ફિલ્મ છે. પણ એમણે હા પાડી હતી. રૂ.૧૨ લાખમાં તૈયાર થયેલી ફિલ્મ ‘સરસ્વતીચન્દ્ર’ માટે કોઇ વિતરક મળી રહ્યા ન હતા ત્યારે નિર્દેશક નાસિર હુસેને કિંમત ચૂકવીને જુગાર રમી લીધો હતો. અને શ્વેત-શ્યામ ફિલ્મોમાં સફળ રહેનારી છેલ્લી ફિલ્મોમાંની આ એક બની હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]