રહેમાન નિર્દેશકને બદલે અભિનેતા બન્યા

નિર્દેશક યશ ચોપરાની ફિલ્મ ‘વક્ત’ (૧૯૬૫) ની ‘ચિનોય શેઠ’ ની ભૂમિકા માટે જેમને વધારે યાદ કરવામાં આવે છે એ ચરિત્ર અભિનેતા રહેમાને આકસ્મિક રીતે જ એક નાની ભૂમિકાથી અભિનય શરૂ કર્યો હતો અને જાણીતી હીરોઇનો સાથે હીરો બનવાની તક પણ મેળવી હતી. કોલેજનો અભ્યાસ પૂરો કરીને ૧૯૪૨ માં પૂણે ખાતે એરફોર્સમાં પાયલટની તાલીમ માટે જોડાયેલા રહેમાનને એમાં મજા ના આવી એટલે ફિલ્મોમાં કારકિર્દી બનાવવા મુંબઇ આવી ગયા હતા. એમને સૌપ્રથમ પ્રભાત પિક્ચર કંપનીમાં નિર્દેશક વિશ્રામ બેડેકરના ત્રીજા સહાયક તરીકે કામ મળી ગયું.

ફિલ્મોમાં બહુ સામાન્ય કહી શકાય એવી આ નોકરી હતી અને એ પણ તેમણે કોઇ પગાર વગર સ્વીકારી હતી. એ સમય પર પ્રભાત કંપની દ્વારા ડી.ડી. કશ્યપના નિર્દેશનમાં ‘ચાંદ’ (૧૯૪૪) અને વિશ્રામ બેડેકરના નિર્દેશનમાં ‘લખરાની’ (૧૯૪૫) જેવી ફિલ્મોનું નિર્માણ થઇ રહ્યું હતું. ફિલ્મ ‘ચાંદ’ ના નિર્માણ દરમ્યાન એક ગીતમાં ભીડ એકઠી કરવામાં આવી હતી. એમાં એક પઠાણની ભૂમિકા હતી. અને પઠાણની વિશેષતા ગણાતી પાઘડી બાંધતા કોઇને આવડતું ન હતું. રહેમાનને પાઘડી બાંધતા આવડતું હતું પણ બીજા કોઇના માથા પર બાંધી શકતા ન હતા. તે પઠાણ હોવાથી પોતાના માથા પર પાઘડી બાંધી શકે એમ હતા. આખરે એ પઠાણની ભૂમિકા રહેમાનને સોંપવામાં આવી.

એ ગીતમાં રહેમાને ગીતનો આનંદ માણવા સાથે છેલ્લે નૃત્ય કરનારને કહેવાનું હતું કે તેણે કેટલો આનંદ મેળવ્યો છે. જીવનમાં ક્યારેય અભિનય કર્યો ન હોવાથી રહેમાનને બહુ મુશ્કેલ કામ લાગ્યું હતું. તેમણે ૫૦ જેટલા ટેક પછી એ દ્રશ્ય ભજવ્યું હતું. એ પછી એમને પ્રભાત ફિલ્મ કંપનીની ‘હમ એક હૈ’ (૧૯૪૬) માં વધારે મહત્વની ભૂમિકા આપવામાં આવી. જે ફિલ્મ ઇતિહાસમાં દેવ આનંદની અભિનેતા તરીકે અને પી.એલ. સંતોષીની નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ રહી છે. એટલું જ નહીં ગુરુદત્ત સહાયક નિર્દેશક અને નૃત્ય નિર્દેશક રહેમાને મુસ્લિમ છોકરાની ભૂમિકા નિભાવી હતી. એ પછી ડી.ડી. કશ્યપ જ્યારે આગામી ફિલ્મ ‘નરગિસ’ (૧૯૪૬) નું આયોજન કરી રહ્યા હતા ત્યારે અભિનેત્રી નરગિસના હીરો તરીકે રહેમાન પર જ પસંદગી ઉતારી. ફિલ્મ ‘પ્યાર કી જીત’ (૧૯૪૮) થી રહેમાન વધારે સફળ થયા.

આ ફિલ્મનું મોહમ્મદ રફીએ ગાયેલું ગીત ‘એક દિલ કે ટુકડે હજાર હુએ, કોઇ યહાં ગિરા કોઇ વહાં ગિરા’ બહુ લોકપ્રિય રહ્યું. ૧૯૫૦ સુધી તેમણે નરગિસ (પારસ), મધુબાલા (પરદેસ), ગીતા બાલી (શાદી કી રાત) વગેરે જાણીતી અભિનેત્રીઓ સાથે કામ કર્યું. પણ ૧૯૫૧ થી દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદનું રાજ શરૂ થતાં નસીમ બાનુ, બીના રૉય, નિમ્મી વગેરે સાથે કામ મળતાં હીરો તરીકેની કારકિર્દી બહુ ચાલી નહીં. ત્યારે મિત્ર ગુરુ દત્ત એમની વહારે આવ્યા અને ‘પ્યાસા’ (૧૯૫૭) માં ચરિત્ર અભિનેતા તરીકે તક મળતાં ફરી એક નવી યાત્રા શરૂ થઇ હતી.