નૈયરે અઝીઝ કશ્મીરીને સહારો આપ્યો

ફિલ્મ ‘એક થી લડકી’ (૧૯૪૯) માં ‘લારા લપ્પા લારા લપ્પા’ ગીત લખીને લોકપ્રિય થનાર ગીતકાર અઝીઝ કશ્મીરીના જીવનમાં એક ખરાબ સમય એવો આવ્યો હતો જ્યારે સંગીતકાર ઓ.પી. નૈયરે એમને સહારો અને સન્માન આપ્યા હતા. અઝીઝ મૂળ કશ્મીરના હતા અને એમનો પરિવાર મુંબઇમાં સ્થાયી થયો હતો. વિદ્યાર્થી કાળથી જ કવિતા લખવાનો શોખ હતો. એ એમને હિન્દી ફિલ્મોમાં ‘હિંમત’ (૧૯૪૧) થી લઇ ગયો. મનોરમા અભિનીત આ ફિલ્મમાં અઝીઝે એક ગીત’ ઇન્હી લોગોંને લે લીના દુપટ્ટા મેરા’ લખ્યું હતું. એ જ મુખડા પરથી પાછળથી ‘પાકીઝા’ માં મજરૂહ સુલતાનપુરીએ ‘ઇન્હીં લોગોંને’ લખ્યું હતું.

એ પછી અઝીઝે નિશાની, પાપી, શાલીમાર વગેરે ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા. એમને ખરી સફળતા ફિલ્મ ‘મિર્ઝા-સાહિબાન’ (૧૯૪૭) ના નૂરજહાં અને જી.એમ. દુર્રાનીએ ગાયેલા ગીત ‘હાથ સીને પે જો રખ દો’ થી મળી હતી. એ પછી ‘લારા લપ્પા લારા લપ્પા’ ગીત એમને કાયમી નામ રહે એવું કામ કરી ગયું. પરંતુ ૧૯૫૦ પછી એમને કામ ઓછું મળતું રહ્યું. એક સમય એવો આવી ગયો કે એમને કામ મળતું બંધ જેવું જ થઇ ગયું. ત્યારે કોઇએ અઝીઝને સંગીતકાર ઓ.પી. નૈયરને મળવાનું કહ્યું. નૈયર ગીતકારોનું ઉચિત સન્માન કરતા હતા. અઝીઝ મહાલક્ષ્મી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં નૈયરને મળવા ગયા અને પોતાની ગીતકાર તરીકેની ઓળખ આપી કામ આપવા વિનંતી કરી. અઝીઝે કહ્યું કે તેમના ખરાબ દિવસો ચાલી રહ્યા છે. બાળકો ભૂખે મરી રહ્યા છે. કેટલાક નિર્માતાઓએ ઓછા પૈસામાં ગીત લખાવ્યા પછી પણ ચૂકવણું કર્યું નથી. હું એક ગીત લખવાના રૂ.૩૦૦ લઉ છું. તમે ઓછા આપશો તો પણ ચાલશે.

અઝીઝ પોતાને કામ આપવા રીતસર કરગર્યા અને વિનંતી કરી કે પૈસા ઓછા ભલે આપજો પણ કામ નિયમિત આપજો. ઓ.પી. નૈયરે એમને પોતાની ફિલ્મોના ગીત લખવા માટે એડવાન્સ રૂપિયા આપ્યા અને એક ગીતના રૂ.૧૦૦૦ આપવાનું વચન આપ્યું. નૈયરે એમને યાદ અપાવ્યું કે વર્ષો પહેલાં પંજાબી ફિલ્મ દૂલ્હા ભટ્ટી’ (૧૯૪૦) માટે તમે ગીતો લખ્યા હતા એમાં મેં એક ભૂમિકા કરી હતી અને તમારું ગીત કોરસમાં ગાયું પણ હતું! ઓ.પી. નૈયરે પોતાના સંગીતવાળી ‘યે રાત ફિર ના આયેગી’ (૧૯૬૬) જેવી ઘણી ફિલ્મોમાં અઝીઝ કશ્મીરી પાસે ગીતો લખાવ્યા હતા. પછી જોગાનુજોગ એવો બન્યો કે ‘દુલ્હા ભટ્ટી’ ના નિર્માતા રૂપકુમાર શોરીએ ‘અકલમંદ’ (૧૯૬૬) નું નિર્માણ કર્યું એમાં ગીતકાર તરીકે અઝીઝ કશ્મીરીને જ અને સંગીતકાર તરીકે ઓ.પી. નૈયરને લીધા હતા.