‘નદિયા કે પાર’ ની સાધના  

રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ ‘નદિયા કે પાર’ (૧૯૮૨) ની સચિનની હીરોઇન સાધના સિંહ સંયોગથી જ અભિનેત્રી બની ગઇ હતી. સાધનાની બહેન સુરિન્દર કૌર અભિનેત્રી જરૂર હતી પરંતુ તે પોતે અભિનેત્રી બનવાનું સપનું જોતી ન હતી. બહેનની સાથે રહેવાથી એને ફિલ્મ મળી અને એના કરતાં વધારે સફળતા મેળવી ગઇ હતી. સાધનાની મોટી બહેન સુરિન્દરને રાજશ્રીની ફિલ્મ પહેલાં મળી હતી.

નિર્માતા તારાચંદ બડજાત્યાએ નિર્દેશક સત્યેન બોઝના નિર્દેશનમાં ફિલ્મ ‘પાયલ કી ઝનકાર’ નું નિર્માણ હાથ ધર્યુ હતું. સત્યેન અગાઉ જાગૃતિ, દોસ્તી, ચલતી કા નામ ગાડી, જીવનમૃત્યુ જેવી અનેક ફિલ્મોનું નિર્દેશન કરીને જાણીતા બન્યા હતા. એમની ફિલ્મ માટે એક હીરોઇન શ્યામા પસંદ થઇ ગઇ હતી. બીજી હીરોઇનની ભૂમિકા માટે છોકરી શોધી રહ્યા હતા. દિલ્હીમાં એક કાર્યક્રમમાં કથક ડાન્સર સુરિન્દરને જોઇ અને તેને ‘પાયલ કી ઝનકાર’ ની બીજી હીરોઇન તરીકે પસંદ કરી લીધી. કેમકે ફિલ્મ ડાન્સ પર આધારિત હતી. એમાં બાર ગીત છે. આ એ જ ફિલ્મ છે જેમાં પહેલી વખત ‘થિરકત અંગ લચક ઝુકી’ ગીત ગાઇને અલકા યાજ્ઞિકે પાર્શ્વ ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી હતી.

સુરિન્દરે ફિલ્મ માટે હા પાડી દીધા પછી જ્યારે શુટિંગ શરૂ થયું ત્યારે તે નવોદિત હતી.  ફિલ્મી વાતાવરણમાં તેને એકલીને ગમતું ન હતું. તે પોતાના પરિવારને મિસ કરી રહી હતી. એટલે નાની બહેન સાધનાને પોતાની સાથે રહેવા બોલાવી લીધી. ‘પાયલ કી ઝનકાર'(૧૯૮૦) નું શુટિંગ ચાલી રહ્યું હતું એ દરમ્યાન સત્યેન બોઝના સહાયક ગોવિંદ મૂનિસને રાજશ્રીના તારાચંદ બડજાત્યાએ એક ફિલ્મના નિર્દેશનની જવાબદારી સોંપી. ગોવિંદ એમના માટે પટકથા લેખક અને સંવાદ લેખક તરીકે કામ કરતા હતા.

તારાચંદે કેશવ મિશ્રાની નવલકથા ‘કોહબર કી શર્ત’ ના પહેલા ભાગ પરથી ‘નદિયા કે પાર’ ની વાર્તા તૈયાર કરાવી હતી. તેનું નિર્દેશન ગોવિંદને સોંપ્યા પછી હીરો તરીકે સચિનને પસંદ કરી લીધો. સચિન અગાઉ રાજશ્રીની ‘ગીત ગાતા ચલ'(૧૯૭૫) કરી ચૂક્યો હતો. હીરોઇન તરીકે તેમને નવી છોકરીની શોધ હતી ત્યારે સાધના નજરમાં આવી ગઇ. સાધના તેની બહેન સુરિન્દર સાથે શુટિંગમાં સતત હાજર રહેતી હતી. તેની રીતભાત જોયા પછી ‘નદિયા કે પાર’ ની ગામડાની નિર્દોષ છોકરી ‘ગુંજા’ ની ભૂમિકામાં તે ફિટ બેસે એવી લાગતી હતી.

સાધના સિંહે હા પાડ્યા પછી શુટિંગની શરૂઆત થઇ ગઇ. ગામડાની છોકરીની ભૂમિકામાં તેને ઓછામાં ઓછો મેકઅપ કરવામાં આવ્યો હતો. આ ભૂમિકાએ સાધનાને ખૂબ લોકપ્રિયતા અપાવી. ફિલ્મ સુપરહિટ રહી અને કારકિર્દીની સારી શરૂઆત પછી સસુરાલ, પિયા મિલન, પાપી સંસાર, સુર સંગમ વગેરે ઘણી ફિલ્મો કરી પરંતુ ફરી એવી સફળતા કોઇ ફિલ્મથી ના મળી. હિન્દી ફિલ્મોમાં અગાઉ સાધના નામની અભિનેત્રી હતી. એટલે તે ‘નાદિયા કે પાર’ ની સાધના તરીકે જાણીતી રહી. ‘નદિયા કે પાર’ ની સફળતામાં રવિન્દ્ર જૈનના સંગીતમાં ‘કૌન દિશા મેં લેકે…’ જેવા ગીતોનો ફાળો મોટો રહ્યો. આ ફિલ્મની રીમેક તરીકે રાજશ્રીએ સલમાન-માધુરી સાથે ‘હમ આપકે હૈ કૌન’ બનાવી અને એના ગીતો પણ લોકપ્રિય થવા સાથે બોક્સ ઓફિસ પર મોટી સફળતા મળી હતી.

– રાકેશ ઠક્કર (વાપી)