દેવની ‘ગાઇડ’માં શૈલેન્દ્ર આવ્યા  

દેવ આનંદની ‘ગાઇડ'(૧૯૬૫) ના ગીતો લખવા માટે પહેલાં ગીતકાર હસરત જયપુરીને લેવામાં આવ્યા હતા. પરંતુ એવો વિચિત્ર ઘટનાક્રમ બની ગયો કે એમાં ગીતકાર શૈલેન્દ્ર આવી ગયા. ‘ગાઇડ’ ના ગીતો એટલા હિટ થયા કે હસરત જયપુરીએ અફસોસ કરીને બેસી રહ્યા સિવાય કોઇ છૂટકો ના રહ્યો. દેવ આનંદે ‘ગાઇડ’ નું નિર્માણ શરૂ કર્યું ત્યારે સંગીતકાર તરીકે સચિનદેવ બર્મનને લીધા હતા. અને દેવ આનંદને વિશ્વાસ હતો કે ગંભીર વિષયવાળી ‘ગાઇડ’ ના ગીતો ગહન વિચારો ધરાવતા અને અનુભવી ગીતકાર હસરત જયપુરી સારી રીતે લખી શકશે. એમને પહેલાં વાર્તા મુજબ ગીતની સ્થિતિ સમજાવવામાં આવી. એક ઉદાસ સાંજે રાજુ ગાઇડ ગીત ગાઇને પોતાના મનના ભાવ વ્યક્ત કરે છે. હસરત જયપુરીએ એ સ્થિતિ પર એક ગીત લખ્યું અને બે દિવસમાં રેકોર્ડ પણ કરી લેવામાં આવ્યું.

ગીત તૈયાર થયા પછી એસ.ડી. બર્મન સાથે દેવ આનંદ અને વિજય આનંદે જ્યારે ‘હમ હી મેં થી ના કોઇ બાત, યાદ ના તુમકો આ સકે, તુમને હમેં ભૂલા દિયા, હમ ના તુમકો ભૂલા સકે’ ગીત વારંવાર સાંભળ્યું ત્યારે એમ લાગ્યું કે કલાકારોની સ્થિતિને જોતાં એમાંના કેટલાક શબ્દોને બદલવા જોઇએ. અને શબ્દો બદલીને ગીતને ફરીથી રેકોર્ડ કરવું જોઇએ. બર્મનદાએ હસરતને ફોન કરીને બીજા દિવસે બોલાવ્યા. હસરત આવ્યા અને બર્મનદાને પૂછ્યું કે શું કામ છે? ત્યારે બર્મનદાએ કહ્યું કે કેટલાક શબ્દો બદલીને આ ગીત ફરીથી લખી આપો. અમારે ફરીથી રેકોર્ડ કરવું પડશે. તે પોતાના લખેલા ગીતોમાં ફેરફાર કરવાનું પસંદ કરતા ન હતા. તેમણે ગુસ્સામાં કહી દીધું કે હજુ કેટલું વધારે સારું લખું? બર્મનદાએ કોઇ જવાબ આપ્યો નહીં અને હસરત જતા રહ્યા.

આ વાતની ખબર બંને ભાઇઓને આપવામાં આવી ત્યારે એમને નવાઇ લાગી. નિર્દેશક વિજય આનંદે દેવ આનંદને કહ્યું કે જે વ્યક્તિને મારી ફિલ્મ અને એના પાત્રો સાથે લગાવ ના હોય એની સાથે કામ કરવાથી કોઇ લાભ નથી. અને નક્કી કર્યું કે સંગીત એસોસિએશનનો જે નિયમ હોય તે પણ તેઓ હસરત સાથે કામ કરશે નહીં. ત્યારે ‘નવકેતન ફિલ્મ્સ’ ના એક સહાયકે કહ્યું કે ભલે આપણે એક જ ગીતનું રેકોર્ડિંગ કર્યું છે પણ સંગીત એસોસિએશનના નિયમ મુજબ એમને પૂરી ફી ચુકવવી પડશે. હસરત સાથે આખી ફિલ્મ માટે રૂ.૨૫૦૦૦/- માં કરાર થયો હતો. દેવ આનંદે તરત જ એટલી રકમનો ચેક લખીને હસરતને મોકલાવ્યો અને ફરી ક્યારેય સાથે કામ ન કરવાની જાણ કરતો પત્ર પણ આપ્યો. પત્ર અને ચેક મળતાં જ હસરત દોડતા તેમને મળવા આવી પહોંચ્યા. અને માફીની યાચના કરી.

દેવ આનંદે સ્પષ્ટ કહી દીધું કે તમને અમારી ફિલ્મનો વિષય અને મુખ્ય પાત્રનું ચરિત્ર પસંદ આવ્યું નથી એટલે સાથે કામ કરવામાં મજા નથી. ભવિષ્યમાં જરૂર પડી તો બોલાવીશું. હસરત વીલા મોંએ જતા રહ્યા. આ વાતની ખબર ગીતકાર શૈલેન્દ્રને પડી. અગાઉ દેવની ‘કાલા બાઝાર'(૧૯૬૦) ના ગીતો તેમણે લખ્યા હતા. તેમણે સામે ચાલીને ‘ગાઇડ’ના ગીતો લખવાની ઇચ્છા વ્યક્ત કરી. આનંદ ભાઇઓને તેમના માટે માન હતું. તેમને કામ સોંપી દીધું. હવે હસરતને જે ગીતની સ્થિતિ કહી હતી એ શૈલેન્દ્રને સમજાવી. થોડી જ વારમાં શૈલેન્દ્રએ “દિન ઢલ જાએ હાએ, રાત ન જાએ…” ગીત લખીને આપ્યું. આ ઉપરાંત શૈલેન્દ્રએ લખેલા ક્યા સે ક્યા હો ગયા, વહાં કૌન હૈ તેરા, આજ ફિર જીને કી તમન્ના હૈ, ગાતા રહે મેરા દિલ વગેરે તમામ દસ ગીતો લોકપ્રિય થયા હતા.

રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]