ગુરુદત્તની ફિલ્મમાં કુમકુમના પગલાં

અભિનેત્રી કુમકુમ તેના ગીતોના અભિનયને કારણે વધુ લોકપ્રિય રહી છે. એનો યશ ગુરુદત્તને જાય છે. નિર્દેશક ગુરુદત્તની ફિલ્મ ‘આર પાર'(૧૯૫૪) ના ટાઇટલ ગીત ‘કભી આર કભી પાર લાગા તીરે નજર’ ને બાદ કરતાં બધાં જ ગીતમાં સંગીતકાર ઓ.પી. નૈયરે ગાયિકા ગીતા દત્તના સ્વરનો ઉપયોગ કર્યો હતો. તેનું કારણ એ હતું કે એ બધાં જ ગીતો મહિલા કલાકારો પર ફિલ્માવવામાં આવ્યા હતા. જ્યારે ‘કભી આર કભી પાર’ ને અભિનેતા જગદીપ પર ફિલ્માવવામાં આવ્યું હતું. જેમાં પાછળથી ગુરુદત્તે ફેરફાર કરવાની ફરજ પડી હતી. ‘આરપાર’ તૈયાર થયા પછી રજૂઆત માટેની તારીખ પણ જાહેર થઇ ગઇ હતી. ત્યારે સેંસર બોર્ડ દ્વારા ‘કભી આર કભી પાર’ ગીત માટે એવો વાંધો ઉઠાવવામાં આવ્યો કે મહિલા ગાયિકા શમસાદ બેગમના અવાજમાં તૈયાર થયેલું આ ગીત ફિલ્મમાં પુરુષ કલાકાર જગદીપ પર ફિલ્માવવામાં આવ્યું છે. એ સમય પર જગદીપ કિશોર વયનો હતો. બાળકો માટે મહિલા સ્વરમાં ગીતો રજૂ કરવાનું સ્વાભાવિક ગણવામાં આવતું હતું. પરંતુ કિશોર વયના જગદીપ પર આ ગીત બંધબેસતું ન હતું.

ગુરુદત્તને સલાહ આપવામાં આવી કે ગીતને કોઇ મહિલા કલાકાર પર ફિલ્માવવામાં આવે અથવા કાઢી નાખવામાં આવશે તો જ સેંસરનું પ્રમાણપત્ર આપવામાં આવશે. ગુરુદત્ત પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો. એ સમય પર કોઇ જાણીતી હીરોઇન નાની ભૂમિકા કરવા તૈયાર ના થઇ એટલે નવી આવેલી કુમકુમને તક આપી. તેના પર ગીતની પંક્તિના નવા દ્રશ્યો ફિલ્માવ્યા અને અગાઉના ગીતના ટુકડા સાથે જોડી દીધા. ગીતમાં એ કારણે ગુરુદત્ત-શ્યામા, જગદીપ અને કુમકુમના દ્રશ્યો અલગ-અલગ હોવાનો ખ્યાલ આવી જાય છે. જોકે, ગીત એટલું સરસ હતું કે ગુરુદત્ત એને રાખ્યા વગર રહી શકે એમ ન હતા.

કુમકુમે ઓછી તૈયારી છતાં ગીતમાં એટલી સરસ ભાવભંગિમા કરી કે આ ફિલ્મથી સારી પ્રસિધ્ધિ મળી. કુમકુમનું સાચું નામ ઝૈબુન્નીશા હતું. ગીતમાં નૃત્ય અને અભિનય તેની ખાસિયત ગણાવા લાગ્યા. એ પછી તેને બહારની ફિલ્મો સાથે ગુરુદત્તની ફિલ્મોમાં કામ કરવાનો મોકો મળતો રહ્યો. તેને ‘મિ. એન્ડ મિસેજ ૫૫’ (૧૯૫૫) માં ગુરુદત્તની ભાભીની ભૂમિકા મળી હતી. ‘સીઆઇડી’ (૧૯૫૬) માં તે જૉની વોકરની પ્રેમિકા તરીકે ચમકી અને તેની સાથે ‘એ દિલ હૈ મુશ્કિલ જીના યહાં, જરા હટ કે જરા બચકે, યે હૈ બોમ્બે મેરી જાન’ ગીતમાં તક મળી. ગુરુદત્તની ‘પ્યાસા’ (૧૯૫૭) માં કુમકુમને નાની ભૂમિકા મળી હતી.

કુમકુમને તેના પર ફિલ્માવવામાં આવેલા કેટલાક સફળ ગીતોને કારણે વધુ યાદ કરવામાં આવે છે. શમ્મી કપૂરની ‘ઉજાલા’ માં ‘કમ્મો’ તરીકે ‘તેરા જલવા જિસને દેખા’ માં તેની આંખોની ભાવભંગિમા ગજબની હતી. ‘કાલી ટોપી લાલ રૂમાલ’ (૧૯૫૯) ના ‘દગા દગા વઇ વઇ વઇ’ ગીતમાં જબરદસ્ત ડાન્સ હતો. દિલીપકુમાર સાથે ‘કોહીનૂર’ (૧૯૬૦) નું નૃત્યગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’ પણ ખૂબ લોકપ્રિય રહ્યું હતું.

નિર્દેશક મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ માં કુમકુમને રાજેન્દ્રકુમાર સાથે સારી તક મળી હતી. તેમનું ‘ઘૂંઘટ નહીં ખોલૂં સૈંયા તોરે આગે’ ગીત લોકપ્રિય થયું હતું. મહેબૂબની જ ‘સન ઓફ ઇન્ડિયા’ માં માઇક સામે ઊભા રહીને કુમકુમે ‘કમલા’ ની ભૂમિકામાં દર્દભર્યું યાદગાર ગીત ‘દિલ તોડને વાલે તુઝે દિલ ઢૂંઢ રહા હૈ’ ગાયું હતું.  જ્યારે કિશોરકુમાર સાથે ‘ગંગા કી લહરેં’ માં રોમેન્ટિક ગીત ‘છેડો ના મેરી ઝુલ્ફેં…’ માં ચહેરા પર કમાલના હાવભાવ બતાવ્યા હતા.

-રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]