નિર્દોષ માધુરીને ‘અબોધ’ મળી

માધુરી દીક્ષિતે ક્યારેય અભિનયમાં જવાનું વિચાર્યું ન હતું. તેની નિર્દોષતા અને કથક ડાન્સની નિપુણતાએ રાજશ્રીની ફિલ્મ ‘અબોધ'(૧૯૮૪) અપાવી હતી. માધુરીને માઇક્રોબાયોલોજીસ્ટ બનવું હતું. પરિવારમાં અભ્યાસને વધારે મહત્વ અપાતું હતું. તેને બાળપણથી કથક ડાન્સનો શોખ હતો. ત્યારે ડાન્સમાં આગળ વધવા કે બીજા કોઇ હેતુથી કથક શીખતી ન હતી. પરંતુ તેની કારકિર્દીમાં એ શોખની ભૂમિકા રહી હતી. તે અનાયાસ જ ફિલ્મોમાં આવી ગઇ હતી. રાજશ્રી પ્રોડક્શનમાં કામ કરતા ગોવિંદજીની પુત્રી અને માધુરીની બહેન સ્કૂલમાં એક જ વર્ગમાં ભણતી હોવાથી મિત્રતા હતી. તેના મારફત ગોવિંદજીને વાતવાતમાં જાણવા મળતું હતું કે માધુરી નાટકમાં, ડાન્સમાં, વકતવ્યમાં વગેરેમાં ભાગ લે છે.

જ્યારે બંગાળી અભિનેતા તપસ પાલ સાથેની રાજશ્રીની ફિલ્મ ‘અબોધ’ નું આયોજન થયું ત્યારે ફિલ્મના ટાઇટલ મુજબ એક નિર્દોષ છોકરીની જરૂર હતી. એમને માધુરી યાદ આવી અને એને મળવા બોલાવી. પહેલાં તો તેના માતા-પિતાએ રસ ના બતાવ્યો અને અભ્યાસ કરવા માગતી હોવાનું જણાવી દીધું. ગોવિંદજીએ એક વખત મળી લેવા માટે આગ્રહ કર્યો અને માધુરીને લઇને તેઓ રાજશ્રીની ઓફિસે તારાચંદ બડજાત્યાને મળવા ગયા. માધુરીના પરિવારને એમની સાદગી અને સારા માણસો તરીકેનો સ્વભાવ પ્રભાવિત કરી ગયો.

એ મુલાકાતમાં માધુરીની પરીક્ષા લેવામાં આવી. એક હિન્દી પુસ્તક મંગાવીને તેની પાછળના ભાગમાંથી માધુરીને એક ફકરો વાંચવા આપ્યો. ત્યારે માધુરીને નવાઇ લાગી અને નર્વસ થઇ ગઇ. પણ તેણે એ હિન્દી ફકરો વાંચી બતાવ્યો. પછી માધુરીએ કારણ પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે ઘણા મહારાષ્ટ્રીયન હિન્દી બોલે ત્યારે એમાં મરાઠીની છાંટ આવી જાય છે. એ તારામાં નથી એ જોવા માગતા હતા. જોકે, આ તેનો સ્ક્રિન ટેસ્ટ ન હતો. ફિલ્મ માટે તેનો અલગથી સ્ક્રિન ટેસ્ટ લેવામાં આવ્યો. લાંબા ચોટલા સાથે તેને એક ગીત પર ડાન્સ કરવાનું કહેવામાં આવ્યું. માધુરીએ સારો ડાન્સ કર્યો અને તેને પસંદ કરી લેવામાં આવી. માધુરીએ અનુપમ ખેરના શોમાં પોતાના જીવનની આવી અનેક રસપ્રદ વાતો યાદ કરી છે.

માધુરીને પાછળથી રાજશ્રીની ફિલ્મોથી જ સ્ટારડમ મળ્યું હતું. પરંતુ એમની સાથેની પહેલી ફિલ્મ ‘અબોધ’ ફ્લોપ રહી હતી. એ પછીની આવારા બાપ, સ્વાતિ, માનવ હત્યા, હિફાઝત વગેરે ફિલ્મો પણ નિષ્ફળ રહી હતી. માધુરીની સફળ શરૂઆત ‘તેજાબ'(૧૯૮૮) થી થઇ હતી. તેણે ‘શ્રેષ્ઠ અભિનેત્રી’ ના એવોર્ડ માટે ‘ફિલ્મફેર’ માં નામાંકન મેળવ્યું હતું. માધુરીને ‘તેજાબ’ અચાનક જ મળી ગઇ હતી. નિર્દેશક બાપુની ‘બજરંગી’ માં અનિલ કપૂર અને માધુરીનું એક ગીત હતું. જેનું એડિટિંગ નિર્દેશક એન. ચંદ્રા કરી રહ્યા હતા. ત્યારે તેમને પોતાની એક ફિલ્મની હીરોઇન તરીકે માધુરી યોગ્ય લાગી.

માધુરીના સેક્રેટરી રીક્કુ રાકેશ નાથના જણાવ્યા મુજબ ‘તેજાબ’ ના હીરો અનિલ કપૂરને શંકા હતી કે તે કેબરે ડાન્સરની ભૂમિકામાં યોગ્ય રહેશે કે કેમ? અનિલને તે સુંદર લાગતી હતી પરંતુ ‘અબોધ’ ની ભૂમિકાને કારણે ઘરેલૂ લુક લાગતો હતો. એટલે માધુરીનું ઓડિશન થયું અને એમાં પાસ થઇ ગઇ. માધુરીએ ‘મોહિની’ ની એ ભૂમિકા સાથે ‘એક દો તીન…” ગીતથી વધુ લોકપ્રિયતા મેળવી હતી. માધુરીએ જ્યારે પહેલી વખત આ ગીત સાંભળ્યું ત્યારે ગીતમાં આંકડાઓ બોલવાનું વિચિત્ર લાગ્યું હતું. પરંતુ એ જ ગીત તેની કારકિર્દીનું સૌથી વધુ પ્રચલિત ગીત બની રહ્યું.

-રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]