શમ્મીને સ્ટાર બનાવવામાં દેવની ભૂમિકા

નિર્દેશક તરીકે નસિર હુસૈને બૉલિવુડમાં શમ્મી કપૂર સાથે મસાલા ફિલ્મોની શરૂઆત કરી હતી. પરંતુ એમને પહેલી ફિલ્મ ‘તુમસા નહીં દેખા'(૧૯૫૭) ના રૂપમાં એક પડકાર જ મળ્યો હતો. નાસિર ‘ફિલ્મીસ્તાન’ સાથે જોડાયા હતા. તે ‘અનારકલી’ (૧૯૫૩) ની વાર્તા ઉપરાંત ‘મુનીમજી'(૧૯૫૫) અને ‘પેઇંગ ગેસ્ટ’ (૧૯૫૭) ની પટકથા-સંવાદ લખી ચૂક્યા હતા. તેમને જ્યારે કંપનીના કર્તાહર્તા એવા તોલારામ ઝાલાને ‘તુમસા નહીં દેખા’ નું નિર્દેશન સોંપ્યું ત્યારે કેટલીક શરતો મૂકી હતી. ફિલ્મ ઓછા બજેટમાં બનાવવા સાથે હીરોઇન તરીકે તેમની માનીતી અમિતાને લેવાનું ફરજિયાત હતું. પાછળથી ‘તુમસા નહીં દેખા’ ના એકલી અમિતાના પોસ્ટર પણ તેની વધારે પ્રસિધ્ધિ માટે તેમણે બનાવડાવ્યા હતા.

નાસિરે હીરો તરીકે પહેલાં દેવ આનંદને પસંદ કર્યા. કેમકે તેમની સાથે ‘મુનીમજી’ અને ‘પેઇંગ ગેસ્ટ’ દરમ્યાન સારો સંબંધ રહ્યો હતો. જ્યારે દેવ આનંદે જાણ્યું કે હીરોઇન તરીકે ઓછી જાણીતી અમિતા છે ત્યારે ના પાડી દીધી. ઓછા બજેટને કારણે ફિલ્મ જ્યારે શમ્મી કપૂરને ઓફર કરવામાં આવી ત્યારે તે અમિતા સાથે કામ કરવા તૈયાર થઇ ગયા. દેવ આનંદે એ પછી ‘જંગલી’ (૧૯૬૧) અને ‘તીસરી મંઝિલ’ (૧૯૬૬) પણ ઠુકરાવી હતી. એ શમ્મીને જ મળી હતી અને સફળ રહી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

 

એક વખત દેવ આનંદે કહ્યું હતું કે મારી ઠુકરાવેલી ફિલ્મોથી શમ્મી મારી સામે પડકાર બનીને આવ્યો. એ સમય પર શમ્મીની અનેક ફિલ્મો ફ્લોપ રહી હોવાથી સિતારો ગર્દિશમાં હતો. અભિનેત્રી અમિતાએ એક સમય પર શમ્મીની ફિલ્મ ‘ઠોકર'(૧૯૫૩) માં બીજી હીરોઇન તરીકે કારકિર્દી શરૂ કરી હતી. અનેક મુશ્કેલીઓ વચ્ચે નાસિરે ફિલ્મ ‘તુમસા નહીં દેખા’ તૈયાર કરી દીધી. ફિલ્મ બનાવતી વખતે તેમને તોલારામની કટકટને પણ સહન કરવી પડી હતી. ફિલ્મ તૈયાર થયા પછી થિયેટરમાં રજૂ કરતાં પહેલાં તોલારામને બતાવી ત્યારે તેમણે એને વાહિયાત ગણાવી એટલું જ નહીં લોકો જૂતા મારશે એવી ભવિષ્યવાણી કરી દીધી. એ કારણે નાસિર નિરાશ થઇ ગયા. તેમને ફિલ્મ ઠીક લાગી હતી. તેમને હતું કે ફિલ્મ આઠ-દસ અઠવાડિયા તો ચાલશે. જ્યારે ફિલ્મ રજૂ થઇ ત્યારે દર્શકોને એટલી પસંદ આવી કે શમ્મી કપૂર સ્ટાર બની ગયો.

ફિલ્મની સફળતામાં ઓ.પી. નૈયરના સંગીતનો ફાળો મોટો હતો. આયે હૈ દૂર સે…, સર પર ટોપી લાલ…, છૂપનેવાલે સામને આ… વગેરે ગીતોએ ધૂમ મચાવી દીધી હતી. ટાઇટલ ગીત સિવાયના બધા જ ગીતો મજરૂહ સુલતાનપુરીએ લખ્યા હતા. અસલમાં પહેલાં ગીતકાર તરીકે સાહિર લુધિયાનવી હતા. એમણે પણ નાસિરની સમસ્યા વધારી દીધી હતી. એ દિવસોમાં સાહિર ગુરુદત્તની ‘પ્યાસા’ ના ગીતો પણ લખી રહ્યા હતા. તેમનાથી પ્રભાવિત હોવાથી વખાણ કર્યા કરતા હતા. પોતાના ‘પ્યાસા’ ના ગીતોની જ વધારે વાત કર્યા કરતા હતા. કેટલીક વખત તો નાસિરને ગુરુદત્તથી ઉતરતા હોવાનું સાબિત કરતા હતા.

આખરે નાસિરના સ્વમાનને ઠેસ પહોંચી. તેમણે સાહિરને કહી દીધું કે ગુરુદત્ત એમના પ્રકારની ફિલ્મ બનાવી રહ્યા છે અને હું મારી અલગ ફિલ્મ બનાવી રહ્યો છું. મારી જરૂરિયાત અલગ છે એટલે તમારે એવા જ ગીતો લખવા પડશે. નાસિરની આ વાત સાહિરને ના ગમી. તેમણે ફિલ્મ છોડી દીધી. સાહિરે ત્યાં સુધીમાં એક જ ગીત ‘યૂં તો હમને લાખ હસીં દેખે હૈં, તુમસા નહીં દેખા’ લખ્યું હતું. એટલે એ ગીતને રહેવા દીધું અને બાકીના ગીત મજરૂહ સુલતાનપુરી પાસે લખાવ્યા. બીજી તરફ સાહિરના લખેલા ‘પ્યાસા’ ના ગીતો પણ હિટ રહ્યા. ત્યારે સાહિરે તેની સફળતાનો જશ પોતાને મળવો જોઇએ એવો દાવો કર્યો એ કારણે સંગીતકાર એસ.ડી. બર્મનને વાંધો પડ્યો. અને એ કારણે ગુરુદત્તે પછી ક્યારેય સાહિર પાસે ગીતો લખાવ્યા નહીં.

-રાકેશ ઠક્કર (વાપી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]